ઘેડ વિસ્તારના વિદ્યાર્થીઓ અને યુવા વર્ગના સર્વાંગી વિકાસના ઉમદા હેતુ સાથે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા ‘ગ્રામ્ય શિક્ષણ અને ખેલકૂદ અભિયાન’ ના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ સંસ્થા પ્રમુખસેવક શ્રી વિમલજીભાઈ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ કન્વીનર શ્રી અજીતભાઈ વાઢેર તથા સહ કન્વીનર શ્રી વિરમભાઈ પરમાર દ્વારા કરવામાં આવ્યો છે. ઘેડ વિસ્તારના મેખડી, ઘેડ બગસરા, ગોસા, કડછ અને કડેગી ગામો ખાતેથી આ અભિયાનની શરુઆત કરવામાં આવી હતી.
પ્રથમ દિવસ: શિક્ષણ અને ખેલકૂદ પર ભાર, સામાજિક જાગૃતિ અને સર્વાંગી વિકાસ
તાારીખ 1 એપ્રિલ 2026 ના રોજ અભિયાનના પ્રથમ દિવસે મેખડી અને ઘેડ બગસરા ખાતે કાર્યક્રમો યોજાયા હતા. જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને:
• શિક્ષણનું મહત્વ અને ભાવિ કારકિર્દીનું ઘડતર.
• શારીરિક વિકાસ માટે ખેલકૂદનું મહત્વ.
• ભવિષ્યમાં લાઈબ્રેરી અને સ્પર્ધાત્મક પરીક્ષાના મટીરીયલની સહાય અંગે આશ્વાસન આપવામાં આવ્યું હતું.
આ તકે મેખડીના સરપંચ વિરમભાઈ ઓડેદરા, વાહા આતા તથા ઘેડ બગસરાના વિરમભાઇ ટીંબા અને રામદેભાઈ ટીંબા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બીજો દિવસ: શિક્ષણ અને ખેલકૂદ પર ભાર, સામાજિક જાગૃતિ અને સર્વાંગી વિકાસ
અભિયાનના બીજા દિવસે તારીખ 2 એપ્રિલ 2026 ના રોજ ગોસા, કડછ અને કડેગી ગામની મુલાકાત લેવામાં આવી હતી. આ દરમિયાન:
• નિયમિતતા અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી અંગે માર્ગદર્શન અપાયું.
• વ્યસનમુક્તિ જેવા સામાજિક દૂષણો પર ચર્ચા કરી યુવાનોને જાગૃત કરાયા.
• યુવાનોના વિકાસ માટે સામૂહિક પ્રયત્નો કરવા આહવાન કરવામાં આવ્યું.
આ મુલાકાત દરમિયાન ગોસાના સરપંચ પોલાભાઈ આગઠ, કડછના અગ્રણી લીલાભાઈ કડછા, કેશુભાઈ ભોગેસરા, લાખણશીભાઈ વાઘ તથા કડેગીના સરપંચ જખરાભાઈ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થા વતી મહામંત્રી શ્રી બચુભાઈ આંત્રોલીયા અને ઉપપ્રમુખ શ્રી નવઘણભાઈ મોઢવાડિયાએ ખાસ હાજરી આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
( આજે આ પોસ્ટ મુકતી વખતે યોગાનુયોગ શ્રી નવઘણભાઈ મોઢવાડિયાનો જન્મદિવસ હોય સૂકલ્પ પરિવાર તરફથી શ્રી નવઘણભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ )
આ પ્રસંગે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા પાંચેય ગામોમાં વોલીબોલ, ક્રિકેટ અને બેડમિન્ટન જેવી રમતગમતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આયોજન અને વ્યવસ્થાપન
ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થાના પ્રમુખસેવક શ્રી વિમલજીભાઈ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર અભિયાનના સફળ આયોજન આ પ્રોજેક્ટ ના કન્વીનર શ્રી અજીતભાઈ વાઢેર તથા સહ કન્વીનર શ્રી વિરમભાઈ પરમારે ભારે જહેમત ઉઠાવી હતી, સંસ્થાના આ પ્રયાસને ગ્રામજનો અને યુવા વર્ગ દ્વારા બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.

Sukalp Magazine