- Home
- Art And Sport
- નારીશક્તિન ...

મહેર જ્ઞાતિની સ્ત્રી એટલે ત્યાગ, સમર્પણ, શૌર્ય અને સંસ્કારનો ત્રિવેણી સંગમ. પરંપરાગત રીતે મહેર નારી માત્ર ઘરનું રસોડું સંભાળવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ખેતરમાં પણ પુરુષ સાથે ખભેખભો મિલાવી, સમોવડી બનીને કાળી મજૂરી કરે છે. પોતાના પશુઓ જેવા કે બળદ, ગાય અને ભેંસોના ઉછેર અને માવજતની તમામ જવાબદારી પણ તે ખુદ પોતાના સબળ ખભા પર ઉપાડે છે. કુદરતે મહેરની દીકરીને નવરાશની પળોમાં એકાગ્ર થઈને અપ્રતિમ રૂપ તો બક્ષ્યું જ છે, પણ સાથે-સાથે એવડી હિંમત અને અડગતા પણ આપી છે કે જરૂર પડે ત્યારે તે રણચંડીનું સ્વરૂપ ધારણ કરી, હાથમાં ચમકતી તલવાર ખેંચીને શત્રુઓને પણ પીછેહઠ કરવા મજબૂર કરી દે છે. આ એ જ ખુમારી અને ખમીરવંતી જ્ઞાતિ છે જેના તેજસ્વી કલાકારોએ પોતાની અદભુત કલાના જોરે દેશ-વિદેશમાં જ્ઞાતિનું નામ રોશન કર્યું છે.
આવી જ ખમીરવંતી ધરતી પરથી આજે આપણે વાત કરવી છે એક પ્રગતિશીલ અને ઉગતા કલાકાર સેજલબેન કેશવાલાની. આ નાનકડી મેરની દીકરીને જ્યારે પણ સ્ટેજ પર પ્રસ્તુતિ કરતી જોઈએ, ત્યારે તેનામાં સાક્ષાત્ જગદંબાના અંશ જેવો દિવ્ય ભાસ થાય છે. સોરઠી સંસ્કૃતિ અને મહેર જ્ઞાતિની મર્યાદા તેમજ શાલિનતા જેમાં છલકાતી હોય, એવો ગરિમાપૂર્ણ પરંપરાગત પોશાક ચાર ચાંદ લગાવે છે. આ ભગવાને આપેલી અણમોલ ભેટ છે કે આ બંને બહેનો ગાય છે, અને હવે સેજલ દીકરીને પોતાની કલાના પ્રદર્શન માટે યોગ્ય સ્ટેજ અને લોકચાહના પણ મળવા લાગ્યા છે. તેનો મધુર, ઘેઘૂર અને હલકતો અવાજ, ચહેરા પર રેલાતું નિર્દોષ સ્મિત અને કોયલના ટહુકા જેવો કંઠ સાંભળનાર દરેક શ્રોતાને મંત્રમુગ્ધ અને સંમોહિત કરી દે છે. ખૂબ જ નાની ઉંમરે લોકગીતો, ભજનો અને લગ્નગીતો ગાવામાં તેને અદભુત મહારત હાસિલ કરી લીધી છે. ખાસ કરીને જ્યારે તે પરમ પૂજ્ય આઈ શ્રી લીરબાઇ માતાની રચનાઓ આલાપતી હોય કે માતાજીના મહિમાના ગીતો ગાતી હોય, ત્યારે એવું પ્રતીત થાય છે કે સેજલ પણ લીરબાઇ માતાના આશીર્વાદ સાથે ભક્તિ અને કલાના માર્ગે આગળ વધી રહી છે.
આપણી જ્ઞાતિમાં અને સમાજમાં જ્યારે પણ કોઈ સારા કે મંગળ પ્રસંગોનું આયોજન થતું હોય, ત્યારે આવા ઊગતા અને તેજસ્વી કલાકારોને સ્ટેજ આપી, પ્રોત્સાહિત કરી આપણે સૌએ તેમની પ્રગતિમાં સહભાગી બનવું જોઈએ. જેથી કરીને આપણા વિસ્તારના આ હીરા પોતાની કલાની સુવાસ સર્વત્ર ફેલાવી શકે. આપ સૌને પણ નમ્ર વિનંતી છે કે સેજલ બહેનના ગીતો અને ભજનો જરૂરથી સાંભળજો અને આ દીકરી પોતાની કળાના જોરે જ્ઞાતિનું નામ જગતમાં રોશન કરે તેવા આશીર્વાદ આપજો.
- સુઘા બપોદરા

