પોરબંદરના આંતરરાષ્ટ્રીય વ્હીલચેર ક્રિકેટર તથા ગુજરાત રાજ્ય વ્હીલચેર ક્રિકેટ ટીમના કેપ્ટન શ્રી ભીમાભાઈ ખુંટીને અમેરિકામાં વસતા સેવાભાવી દાતાશ્રીઓ ભીમાભાઈ મોઢવાડિયા અને રામભાઈ સિસોદિયા દ્વારા અદ્યતન “ટુ-ઇન-વન” ઇલેક્ટ્રિક સ્પોર્ટ્સ વ્હીલચેર ભેટરૂપે અર્પણ કરવામાં આવી છે.

આ ખાસ પ્રકારની રિચાર્જેબલ વ્હીલચેર ઘરેથી મેદાન સુધી સ્કૂટરની જેમ ઉપયોગ કરી શકાય તેવી છે અને મેદાન પર પહોંચ્યા બાદ તેનું આગળનું વ્હીલ દૂર કરીને તેને સ્પોર્ટ્સ માટેની વ્હીલચેરમાં રૂપાંતરિત કરી શકાય છે. દૈનિક જીવન, અવરજવર તથા સ્પોર્ટ્સની પ્રવૃત્તિઓ માટે આ વ્હીલચેર તેઓને ખૂબ ઉપયોગી સાબિત થશે.

આ અવસરે શ્રી ભીમાભાઈ ખુંટીએ દાતાશ્રીઓ પ્રત્યે હૃદયપૂર્વકનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ખેલાડીઓ અને દિવ્યાંગજનોને પ્રોત્સાહન આપતી આવી સહાય જીવનમાં આગળ વધવા પ્રોત્સાહન અને આત્મવિશ્વાસ પૂરું પાડે છે.

ઉલ્લેખનીય છે કે ભીમાભાઈ મોઢવાડિયા અને રામભાઈ સિસોદિયા અગાઉથી પણ અનેક સેવાકીય અને માનવતાવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા રહ્યા છે. શિક્ષણ, આરોગ્ય, રમતગમત તથા જરૂરિયાતમંદ લોકોની સહાય માટે તેઓ સતત સમાજસેવાના કાર્યો કરતા રહ્યા છે. તેમની આ સેવાભાવી ભાવનાને જ્ઞાતિજનો દ્વારા બિરદાવવામાં આવી છે.

Sukalp Magazine