અષાઢી બીજના પવિત્ર પર્વ નિમિત્તે સમસ્ત ખારવા સમાજ દ્વારા ભગવાન શ્રી રામદેવજી મહાપ્રભુની ભવ્ય રથયાત્રા તથા ધાર્મિક કાર્યક્રમનું ભક્તિભાવપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ અવસરે ખારવા સમાજ પંચાયત મંદિર ખાતે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી ધાર્મિક કાર્યક્રમમાં સહભાગી બની ભગવાન શ્રી રામદેવજી મહાપ્રભુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.

કાર્યક્રમ દરમિયાન શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના હોદ્દેદારોએ સમસ્ત ખારવા સમાજના નવનિયુક્ત વણોટ શ્રી કાંતિભાઈ બાદરશાહીનું શાલ ઓઢાડી તથા શુભેચ્છાઓ પાઠવી ભાવભર્યું અભિવાદન કર્યું હતું. આ સાથે તેમના સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ વ્યક્ત કરી સમાજના સર્વાંગી વિકાસ અને સંગઠનની વધુ પ્રગતિ માટે શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

ત્યારબાદ સૌએ ભગવાન શ્રી રામદેવજી મહાપ્રભુની પવિત્ર પાલખીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તેમજ બધા સમાજમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, એકતા અને સર્વાંગી કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી.

આ પ્રસંગે શ્રી નવઘણભાઈ મોઢવાડીયા (ઉપપ્રમુખશ્રી), શ્રી જયેન્દ્રભાઈ ખુંટી (ટ્રસ્ટીશ્રી) તેમજ શ્રી ભોજાભાઈ આગઠ (સાંસ્કૃતિક સમિતિ) વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ પરસ્પર શુભેચ્છાઓની આપ-લે કરી ખારવા અને મહેર સમાજમાં ભાઈચારો, ધાર્મિક આસ્થા અને સામાજિક એકતાને વધુ મજબૂત બનાવતા આવા કાર્યક્રમોના મહત્વ પર ભાર મૂક્યો હતો.

સમસ્ત ખારવા સમાજ દ્વારા આયોજિત આ ભવ્ય રથયાત્રા અને ધાર્મિક કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિ અને સામાજિક સમરસતાનો સુંદર સમન્વય બની રહ્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આગેવાનો અને સમાજજનોએ ભગવાન શ્રી રામદેવજી મહાપ્રભુના આશીર્વાદ પ્રાપ્ત કરી દરેક સમાજના ઉજ્જવળ ભવિષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી.

Sukalp Magazine