- Home
- Activities And News
- જૂનાગઢમાં ...

જૂનાગઢના લીરબાઈ પરા ખાતે આવેલ માં લીરબાઈ આઈ મંદિર ખાતે અષાઢી બીજના પાવન પર્વની ભક્તિભાવ, શ્રદ્ધા અને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભાવિકોએ મંદિરે પહોંચી માં લીરબાઈ આઈના દર્શન કરી પૂજા-અર્ચના કરી તથા પરિવાર અને સમાજના સુખ-સમૃદ્ધિ માટે પ્રાર્થના અર્પણ કરી હતી.
પર્વ નિમિત્તે મંદિરમાં વિશેષ પૂજા-વિધિ, આરતી તથા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું અને ભાવિકોમાં વિશેષ આનંદ અને ઉમંગ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે સમાજના અગ્રણીઓ આલાભાઇ ઓડેદરા, રાજુભાઈ ઓડેદરા, ભરતભાઈ બાપોદરા, મનીષભાઈ ગરેજા તથા હરદાસભાઈ ઓડેદરા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત આગેવાનોએ માં લીરબાઈ આઈના આશીર્વાદ પ્રાપ્ત કરી સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સમાજમાં એકતા-સૌહાર્દ જળવાઈ રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
કાર્યક્રમ દરમિયાન મંદિર ટ્રસ્ટ, સેવાભાવી કાર્યકરો અને સ્થાનિક આગેવાનોના સહયોગથી સમગ્ર આયોજન સુવ્યવસ્થિત રીતે સંપન્ન થયું હતું. આશરે ૨૦૦૦ થી વધુ સંખ્યામાં ભાવિકોએ ઉપસ્થિત રહી ધાર્મિક લાભ લીધો હતો અને પ્રસાદી પણ લીધી હતી.


