અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે માણાવદર ખાતે મહેર સમાજ દ્વારા ભક્તિભાવ, પરંપરા અને સામાજિક એકતાનો સુંદર સમન્વય કરતો ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ અંતર્ગત ભગવાન શ્રી રામદેવપીરનું ભવ્ય સામૈયું કાઢવામાં આવ્યું હતું, જેમાં સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો, યુવાનો, વડીલો અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

સામૈયા દરમિયાન ભક્તિમય વાતાવરણ વચ્ચે જયઘોષ અને ભજન-કીર્તન સાથે મહેર સમાજની લોકપરંપરાને જીવંત રાખતા પરંપરાગત મણીયારા રાસનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના યુવાનો, મહિલાઓ અને વડીલોએ ઉમંગભેર મણીયારામાં ભાગ લઈ સાંસ્કૃતિક વારસાને જાળવવાનો સુંદર સંદેશ આપ્યો હતો.

કાર્યક્રમના અંતે સમાજના તમામ સભ્યો માટે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતિજનોએ પ્રસાદરૂપે ભોજનનો લાભ લીધો અને પરસ્પર મિલન, એકતા તથા ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવી હતી.

આ સમગ્ર કાર્યક્રમ સમાજના આગેવાનો, યુવાનો અને સેવાભાવી કાર્યકરોના સહયોગથી સુચારૂ રીતે સંપન્ન થયો હતો. ઉપસ્થિત જ્ઞાતિજનોએ આવા ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો સમાજમાં એકતા, સંસ્કાર અને પરંપરાના સંવર્ધન માટે મહત્વપૂર્ણ હોવાનું જણાવ્યું હતું.

Sukalp Magazine