છાંયા રતનપર નવાપરા સમસ્ત યુવા મહેર તેમજ સમસ્ત મહેર સમાજ દ્વારા તાજેતરમાં શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહના સફળ આયોજન બદલ સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા તેમજ તેમની ટીમનું સન્માન કરવાનો કાર્યક્રમ આજરોજ તારીખ 14 એપ્રિલ 2023 ના રોજ છાંયા મહેર સમાજ ખાતે યોજવામાં આવ્યો. આ કાર્યક્રમમાં મહેર સમાજના અગ્રણી અને ભૂતપૂર્વ સાંસદ શ્રી ભરતભાઈ ઓડેદરા, શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરા, ઉપપ્રમુખો સર્વે શ્રી આલાભાઇ ઓડેદરા, શ્રી સાજણભાઈ ઓડેદરા, શ્રી નવઘણભાઈ મોઢવાડિયા, શ્રી લાખાભાઈ કેશવાલા, શ્રી કારાભાઈ કેશવાલા તેમજ શ્રી અરજનભાઈ ખીસ્તરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે છાંયા મેર સમાજના અગ્રણીઓ શ્રી ભીમભાઇ અરજણભાઈ ઓડેદરા, શ્રી કેશુભાઈ ગરેજા, શ્રી રામભાઈ ઓડેદરા, શ્રી ભોજાભાઇ કાનાભાઈ ખુંટી,  લાખાભાઈ ભોજાભાઇ ખુંટી તેમજ અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તમામ ઉપસ્થિત મહેમાનોનું યુવાનો દ્વારા ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું. ભાગવત સપ્તાહ દરમિયાન કરેલ સુંદર કામગીરી બદલ છાંયાના યુવાન શ્રી પરબતભાઈ કેશવાલાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.  ત્યારબાદ પ્રવચનોનો દોર શરૂ કરવામાં આવ્યો હતો, જેના અનુસંધાને શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી નવઘણભાઈ મોઢવાડિયાએ છાંયા મેર સમાજ ખાતે બની રહેલા નવા ભવનના નિર્માણ બાબતે આ વિસ્તારમાં રહેતો કોઈ પણ મહેર બાકીના રહે અને દરેકનું અનુદાન પ્રાપ્ત થાય તે જોવા માટે સૂચન કર્યું હતું. ત્યારબાદ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી લાખાભાઈ કેશવાલાએ પણ પોતાના પ્રવચનમાં જામનગર પટેલ સમાજના છાત્રાલયનો દાખલો આપી આધુનિક ઢબે પુનઃ નિર્માણ પામી રહેલા આ મેર સમાજના નિર્માણ માટે યુવાનોને ખૂબ જ મહેનત કરી ઘરે ઘરે ફરી અને આ માટે માતબર રકમ એકઠી થાય તે જોવા હાકલ કરી હતી. ત્યારબાદ મહેર સમાજના અગ્રણી અને ભૂતપૂર્વ સાંસદ શ્રી ભરતભાઈ ઓડેદરાએ પોતાના વ્યક્તવ્યમાં અત્યાર સુધી સમસ્ત મહેર સમાજ દ્વારા કરવામાં આવેલી સમાજની વિવિધ પ્રવૃત્તિઓ ઉપર પ્રકાશ પાડી અને હાલમાં આ સમાજ ભવનના પુનઃ નિર્માણને કઈ રીતે આગળ વધારી શકાય તેનું ખૂબ જ સરસ માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરાએ પોતાના વ્યક્તવ્યમાં ભાગવત સપ્તાહમાં નવાપરા, રતનપર અને છાંયાના યુવાનોએ જે કામ કર્યું તે જ પોતાનું સન્માન છે એવું જણાવી આ યુવાનોની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે તેઓએ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓની વિગતવાર રજૂઆત કરી હતી અને તાજેતરમાં એરપોર્ટ રોડ પરના વિદ્યાર્થી ભવનના નવીનીકરણના સંસ્મરણો વાગોળ્યા હતા. નવા બંધાઈ રહેલા છાંયા મહેર સમાજ ભવન માટે પણ તેઓએ સુંદર માર્ગદર્શન પૂરું પડ્યું હતું. આ કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી રાણાભાઇ સીડા દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમાજ ભવનના પુનઃ નિર્માણ માટે અત્યાર સુધીમાં આશરે  દોઢ કરોડ જેટલું અનુદાન પ્રાપ્ત થયાનું અને એટલો ખર્ચ પણ થયો હોવાનું  ઉદ્ઘોષક દ્વારા જણાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમની આભારવિધિ  છાંયાના યુવાનો શ્રી ભરતભાઈ ઓડેદરા તેમજ શ્રી રાજુભાઈ કડછા દ્વારા કરવામાં આવી હતી.

  • ગાંગાભાઇ સરમા
Sukalp Magazine