સમાજ અને પ્રજાના કલ્યાણ માટે એક થઈને કાર્ય કરવા મહાનુભવોનું આહ્વાન
• રૂઢિગત પરંપરાઓ દૂર કરી સોફા-સ્ટેજ મુક્ત સરળતા અને સમાનતાની અનોખી પહેલ
તાજેતરમાં પોરબંદર તેમજ આસપાસના જિલ્લાઓની અંદરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીઓમાં મહેર જ્ઞાતિના વિજેતા થયેલા જનપ્રતિનિધિઓનો જન સત્કાર- અભિવાદન સમારોહ તારીખ ૧૭-૦પ-ર૦ર૬ને રવિવારના રોજ શ્રી છાંયા મહેર સમાજ પોરબંદર ખાતે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા રાખવામાં આવેલ હતો.
સત્કાર – અભિવાદન સમારોહની શરૂઆત પૂજ્ય માં લીરબાઈ આઇ અને પૂજ્ય માલદેવ બાપુની સૂક્ષ્મ હાજરીમાં દિપ પ્રાગટ્ય કરી સમારોહને ખુલ્લો મુકવામાં આવેલો . ઉપસ્થિત મહાનુભવો, મહેમાનો અને જનપ્રતિનીધિઓનું સંસ્થાના મહામંત્રી શ્રી બચુભાઇ આંત્રોલીયાએ શબ્દોથી સ્વાગત કરેલ તેમજ પોરબંદરના ધારાસભ્ય અને કેબીનેટમંત્રી શ્રી અર્જૂનભાઇ મોઢવાડિયા તેમજ પૂર્વ કેબીનેટમંત્રી શ્રી બાબુભાઇ બોખીરીયાનું પુષ્પગુચ્છથી સંસ્થાના પ્રમુખસેવક શ્રી વિમલજીભાઇ ઓડેદરાએ સ્વાગત કરેલ હતું.

તાજેતરમાં મા લીરબાઇ આઇ મહોત્સવ દરમ્યાન નકકી કરાયેલા જ્ઞાતિના રીતરીવાજો મુજબ આ સમારોહનું આમંત્રણ ડિઝીટલ આપવામાં આવેલ હતું. તેમજ આ સમારોહથી સંસ્થાના દરેક કાર્યક્રમોમાંથી દરેક જ્ઞાતિજન એક સમાન તેવી શુભ ભાવનાથી કોઈપણ હોદેદારશ્રીઓ કે પદાધીકારીશ્રીઓ માટે સ્ટેજ પર બેઠક વ્યવસ્થા નહીં રાખી, બધા જ્ઞાતિજનો એક સાથે બેસે તેવી એક સરખી બેઠક વ્યવસ્થા રાખવામાં આવેલ. જેને સૌ મહાનુભાવો અને જ્ઞાતિજનોએ આવકારેલ.

પોરબંદર જિલ્લા પંચાયત, મહાનગરપાલિકા અને પોરબંદર કુતિયાણા રાણાવાવ તાલુકા પંચાયત , રાણાવાવ આદિત્યાણા અને કુતિયાણા નગરપાલિકા, જુનાગઢ અને કેશોદ , કલ્યાણપુર તેમજ જામજોધપુર તાલુકા અને જિલ્લામાંથી નવા ચૂંટાયેલા તમામ લોકપ્રતિનિધિઓનું જ્ઞાતિ‌‍ આગેવાનો, વડીલો અને સંસ્થાના ટ્રસ્ટીશ્રીઓના વરદ હસ્તે ઉષ્મા વસ્ત્ર અને સ્મૃતિચિહ્ન આપીને ભવ્ય સન્માન કરવામાં આવ્યું અને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ આપવામાં આવી.

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ સેવકશ્રી વિમલજીભાઈ ઓડેદરાએ પોતાના વક્તવ્યમાં જણાવેલું કે, આપણા મહેર સમાજના લોકોને જનતાની સેવા કરવા માટે એક મોટો મોકો મળ્યો છે. આ આપણા બધા માટે ખૂબ જ ગૌરવની વાત છે. જે પણ ભાઈઓ અને બહેનો આ સેવાના કાર્ય માટે ચૂંટાયા છે, તે બધાને હૃદયપૂર્વક ખૂબ-ખૂબ શુભકામનાઓ અને અભિનંદન.લોકોએ આપણા સમાજ પર અને આપણા આગેવાનો પર ઘણો મોટો વિશ્વાસ મૂક્યો છે. હવે આપણી ખરી ફરજ શરૂ થાય છે. આ વિશ્વાસને પૂરો કરવા માટે આપણે બધાએ જવાબદારી સમજીને કામ કરવું પડશે. આ પદ માત્ર સત્તા નથી, પણ લોકોની સેવા કરવાનું એક મોટું સાધન છે. આ કામ કોઈ એક વ્યક્તિનું નથી, પણ આપણા આખા સમાજનું છે. તેથી, આપણે બધાએ સાથે મળીને આપણા ચુંટાયેલા સભ્યોને પૂરો સાથ આપવો જોઈએ. ચાલો, આપણે સૌ આપણી ફરજ સમજીને સમાજના અને દેશના ભલા માટે આગળ આવીએ અને એક થઈને સારું કામ કરીએ.
બીજી તરફ, તાજેતરમાં જ ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા UPSC/GPSC ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ૧૭ તારીખે GMC સ્કૂલ ખાતે પોરબંદર ખાતે શિષ્યવૃત્તિ પરીક્ષાનું સુંદર આયોજન કરાયું હતું. પરંતુ, રજીસ્ટ્રેશનની સરખામણીએ વિદ્યાર્થીઓની હાજરી ઘણી ઓછી જોવા મળી. આ બાબત દર્શાવે છે કે આપણે હજુ ઘણું મનોમંથન કરવાની જરૂર છે. આવી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા ભાઇઓ બહેનોને પહેલા સ્થાનિક કક્ષાાએ તૈયાર કરવાની તાતી જરૂરીયાત છે ત્યારબાદ અમદાવાદ ગાંધીનગર ખાતે તૈયારી માટે જરૂરીયાત મુજબની વ્યવસ્થા કરવાનું આયોજન કરવું જોઇએ.
પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયાએ પોતાના વક્તવ્યમાં જણાવેલું કે આપણા વિસ્તારનો સર્વાંગી અને સર્વગ્રાહી વિકાસ કરવો એ જ આપણો મુખ્ય હેતુ અને ધ્યેય છે. આ ઉમદા કાર્યને સફળ બનાવવા માટે આપણા સૌનો સાથ અને સહકાર ખૂબ જ અનિવાર્ય છે. રાજકારણ અને સમાજસેવામાં પણ હંમેશાં સાચા દિલથી, નિષ્ઠાપૂર્વક અને જવાબદારીપૂર્વક વર્તન કરવું જોઈએ. રાજકારણ એ સત્તા મેળવવાનું સાધન નહીં, પણ લોકોની સાચી સેવા કરવાનું અને જનકલ્યાણના કાર્યો કરવાનું ઉત્તમ માધ્યમ બનવું જોઈએ.
કોઈપણ મોટું પરિવર્તન કે પ્રગતિ કોઈ એક વ્યક્તિ એકલા હાથે લાવી શકતી નથી. જ્યારે આપણે સૌ ભેગા મળીને, પરસ્પર એકબીજાના પૂરક બનીને આગળ વધીશું, ત્યારે જ સાચા અર્થમાં લોકોનું કલ્યાણ થઈ શકશે. આપણા રાજકીય નેતાઓ અને સમાજના વડીલોએ ખૂબ જ પરિશ્રમ કરીને આપણા વિસ્તાર માટે પ્રગતિની જે નવી કેડી (રસ્તો) કંડારી છે, તેને સાચવવી અને વધુ વેગવંતી બનાવી આગળ ધપાવવી એ આપણા સૌની નૈતિક ફરજ છે. તેમણે શરૂ કરેલા વિકાસકાર્યોને આપણે નવી ઊંચાઈઓ પર પહોંચાડવાના છે. આવો, આપણે સૌ ભેદભાવોથી ઉપર ઊઠીને, એકતાના સૂત્ર સાથે હાથ મિલાવીએ અને આપણા વિસ્તારના ઉજ્જવળ ભવિષ્ય માટે સાથે મળીને કાર્ય કરીએ. આ સાથે તેઓએ ચૂંટાયેલા તમામ જન પ્રતિનિધિઓને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવી હતી.

પોરબંદરના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ પોતાના વક્તવ્યમાં ચૂંટાયેલા તમામ જનપ્રતિનિધિઓને ખૂબ-ખૂબ શુભકામનાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે જનતાએ આપણને જે જવાબદારી સોંપી છે, તેને ઈશ્વરીય કાર્ય કે નવી શરૂઆત માનીને પૂરી નિષ્ઠા અને પ્રમાણિકતાથી નિભાવવી જોઈએ.રાજકારણમાં એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે કે, પોતાનો વ્યવસાય અને પ્રજાની સેવા,આ બંને તદ્દન અલગ બાબતો છે અને તેમને ક્યારેય ભેગા ન કરવા જોઈએ. સાચો જનપ્રતિનિધિ એ છે જે સમય સાથે સતત કંઈક નવું શીખતો રહે અને લોકો વચ્ચે રહીને તેમના સુખ-દુઃખમાં ભાગીદાર બને. આપણું મુખ્ય લક્ષ્ય પ્રજાના જીવનને વધુ સુખી અને સમૃદ્ધ બનાવવાનું હોવું જોઈએ. આપણને મળેલું પદ એ કોઈ સત્તા કે વટ બતાવવાનું સાધન નથી, પરંતુ લોકોની સેવા કરવાનો એક અવસર છે. તેથી, હોદ્દા કે પદનો ક્યારેય અહંકાર ન કરવો જોઈએ અને આપણી તમામ શક્તિ માત્રને માત્ર પ્રજાના કલ્યાણ અને લોકસેવામાં જ વાપરવી જોઈએ.

સંસ્થાના ઉપપ્રમુખશ્રી લાખાભાઈ કેશવાલાએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે, જ્યારે આપણને સમાજ કે રાજકારણમાં કોઈ પદ, પ્રતિષ્ઠા અથવા પ્રતિનિધિત્વની તક મળે છે, ત્યારે આપણી અંદર ક્યારેય પણ ખોટો અહંકાર ન આવવો જોઈએ. ઘણીવાર પદ મળ્યા પછી લોકો પરસ્પર વિવાદો, ખેંચતાણની રાજનીતિમાં અટવાઈ જતા હોય છે, જે બિલકુલ યોગ્ય નથી. સાચું પ્રતિનિધિત્વ એ સત્તા ભોગવવા માટે નહીં, પરંતુ લોકોની સેવા કરવા માટેની એક અમૂલ્ય તક છે.

ઢેલીબેન ઓડેદરાએ ચૂંટણીમાં વિજેતા થયેલા તમામ જનપ્રતિનિધિઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે તેમણે લોકશાહીના સાચા અર્થ પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, લોકશાહીનું મૂળભૂત લક્ષ્ય હંમેશાં લોકોનું કલ્યાણ અને સેવાનું હોવું જોઈએ. જો કે, વર્તમાન સમયની રાજકીય પરિસ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું કે, આજે જનકલ્યાણના કાર્યો કરવાને બદલે રાજકારણમાં એકબીજાને નીચા દેખાડવાની સ્પર્ધા જામી છે. નેતાઓ એકબીજાને સાથ-સહકાર આપવાના બદલે, સામા પક્ષને કેવી રીતે નુકસાન પહોંચાડવું અથવા પાછળ પાડવા તેવા જ પ્રયત્નો કરતા જોવા મળે છે. આ પ્રકારનું ઈર્ષ્યા અને ખેંચતાણવાળું રાજકારણ અંતે તો સમાજ અને સમગ્ર વિસ્તારના વિકાસને મોટું નુકસાન પહોંચાડે છે.તેમણે તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓને નકારાત્મક રાજનીતિથી દૂર રહીને માત્ર પ્રજાલક્ષી કાર્યો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા અપીલ કરી હતી. આ તકે તેમણે આપણા વડવાઓએ રાજકીય અને સામાજિક ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાનને યાદ કર્યું હતું. આપણે આપણા પૂર્વજોએ ચીંધેલા સદ્દમાર્ગ અને આદર્શો પર ચાલવું જોઈએ. વ્યક્તિગત સ્વાર્થ છોડીને, હર હંમેશ પોતાના વિસ્તારના વિકાસ માટે અને લોકોના પ્રશ્નો ઉકેલવા માટે કટિબદ્ધ રહેવું એ જ સાચા લોકપ્રતિનિધિની ઓળખ છે.

મૂળ વિસાવાડા ગામના વતની અને હાલ યુ.એસ.એ. (USA) સ્થિત જ્ઞાતિના જાણીતા દાનવીર શ્રી ભીમાભાઈ સવદાસભાઈ મોઢવાડિયા દ્વારા તાજેતરમાં અમદાવાદ સ્થિત ‘આરોગ્ય ભવન’ ખાતે રૂપિયા 11 લાખ ઉપરાંત સોલાર પેનલ ફિટ કરાવવા માટે બીજા 11 લાખ આર્થિક સહયોગ આપ્યો હતો. આ જ ગરિમાપૂર્ણ પરંપરાને આગળ ધપાવતા, તેમણે નવનિર્માણ પામેલા ‘છાંયા મહેર સમાજ’ માટે પણ રૂપિયા 11 લાખ ઉપરાંત સોલાર પેનલ ફિટ કરાવવા માટે બીજા 11 લાખ આર્થિક સોલાર પેનલનું ઉદાર અનુદાન જાહેર કર્યું છે. આ કાર્યક્રમ દરમિયાન શ્રી છાયા મહેર સમાજ તેમજ ઇન્ટરનેશનલ સુપ્રીમ કાઉન્સિલ વતી શ્રી ભીમાભાઇ મોઢવાડિયાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

સમારંભના અંતે સંસ્થાના ટ્રસ્ટી શ્રી સામતભાઈ ઓડેદરાએ કાર્યક્રમમાં હાજર રહેલા તમામ અગ્રણીઓ, વિવિધ સંસ્થાઓના હોદ્દેદારો અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે આશા વ્યક્ત કરી હતી કે, તમામ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આગામી સમયમાં પોતપોતાના વિસ્તારના લોકોની સુખાકારી અને વિકાસના કાર્યો માટે હંમેશાં તત્પર રહેશે. આ શુભેચ્છા સાથે તેમણે કાર્યક્રમની પૂર્ણ જાહેર કરેલ હતો.

આજના આ સત્કાર અભિવાદન સમારોહમાં પોરબંદર વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા, પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા, શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ સંસ્થાના પ્રમુખ સેવક શ્રી વિમલજીભાઈ ઓડેદરા, મહામંત્રી શ્રી બચુભાઈ આંત્રોલીયા,પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રાજશીભાઈ પરમાર, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખશ્રી સામતભાઈ ઓડેદરા, વિરમભાઈ કારાવદરા, પ્રતાપભાઈ કેશવાલા, સંસ્થાના ઉપપ્રમુખશ્રી લાખાભાઈ કેશવાલા, નવઘણભાઈ મોઢવાડિયા, કારાભાઈ કેશવાલા, અર્જુનભાઈ ખીસ્તરીયા તેમજ ખજાનચી આલાભાઇ ઓડેદરા સાથે રમેશભાઈ પટેલ, અરસીભાઈ ખુંટી, મનુભાઈ ખુંટી, છાયા મહેર સમાજના પ્રમુખ શ્રી ભીમભાઇ ઓડેદરા, રામભાઈ મેપાભાઇ ઓડેદરા, પરડવાથી દેવાભાઈ પરમાર, અજયભાઈ બાપોદરા, કુતિયાણા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ઢેલીબેન ઓડેદરા, કુતિયાણા નગરપાલિકાના પ્રમુખશ્રી શાંતિબેન ઓડેદરા, રાણાવાવ નગરપાલિકાના પ્રમુખશ્રી ગીતાબેન ભૂતિયા, રાજકોટ સીટી કાઉન્સિલમાંથી ડૉ લીલાભાઈ કડછા, શ્રી અરજનભાઈ કેશવાલા, મહેર શક્તિ સેનામાંથી પ્રવક્તા રાણાભાઇ ઓડેદરા, નવઘણભાઈ મોઢવાડિયા તેમજ પરબતભાઈ સહિતના કાર્યકર્તાઓ, બરડા વિકાસ સમિતિમાંથી ભીમભાઈ સુંડાવદરા તેમજ આવડાભાઈ ઓડેદરા, ઘેડ સામાજિક વિકાસ‌ સમિતીમાંથી લીલાભાઇ પરમાર, વિરમભાઇ પરમાર સહિતના કાર્યકર્તાઓ, ધર્મેશભાઈ પરમાર, મહેર મહિલા વિકાસ મંડળના બહેનો, ઝુંડાળા મહેર સમાજ, શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ અને ચેરિટેબલ ટ્રસ્ટ, શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થાના સર્વે ટ્રસ્ટીશ્રીઑ તેમજ કાર્યકર્તાઓ,ચૂંટાયેલા જનપ્રતિનિધિશ્રીઓ, સંસ્થાની વિવિધ સમિતિના કાર્યકર્તાઓ તેમજ બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન શ્રી પોપટભાઈ ખુંટી દ્વારા કરવામાં આવેલ હતું. પ્રમુખસેવક શ્રી વિમલજીભાઈ ઓડેદરા તથા મહામંત્રી શ્રી બચુભાઈ અંત્રોલીયા અને જીતેન્દ્રભાઈ વદરના માર્ગદર્શન હેઠળ સંસ્થાના ઉપપ્રમુખશ્રીઓ અરજનભાઈ ખિસ્તરીયા, નવઘણભાઈ મોઢવાડીયા તથા કારાભાઈ કેશવાલાએ ભારે જહેમત ઉઠાવી સમારોહને સફળ બનાવ્યો હતો. સમારોહના અંતે સૌએ સાથે મળીને રુચિપૂર્વક ભોજન લીધું હતું.

Sukalp Magazine