- Home
- Activities And News
- અમદાવાદ ખા ...

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા અમદાવાદ ખાતે “સીટી કાઉન્સિલ મંથન મિટિંગ”નું ભવ્ય અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના શૈક્ષણિક, સામાજિક, આર્થિક અને સંગઠનાત્મક વિકાસને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ સાથે યોજાયેલી આ મિટિંગમાં ગુજરાતના વિવિધ શહેરોમાંથી આગેવાનો, કાર્યકર્તાઓ, શિક્ષણપ્રેમીઓ તથા યુવાનો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમની શુભ શરૂઆત લીરબાઈ આઈ તથા પૂજ્ય માલદેવ બાપુની સૂક્ષ્મ હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી કરવામાં આવી હતી. ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો, આગેવાનો તથા વડીલોનું પુષ્પગુચ્છ દ્વારા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમમાં સામાજિક એકતા, શિક્ષણ, નેટવર્કિંગ અને વિકાસના ભાવનો સ્પષ્ટ અહેસાસ થતો હતો.
અમદાવાદ-ગાંધીનગર સીટી કાઉન્સિલના પ્રમુખ શ્રી પરબતભાઈ ખિસ્તરીયાએ સ્વાગત પ્રવચનમાં જણાવ્યું હતું કે સીટી કાઉન્સિલનો મુખ્ય હેતુ શહેરોમાં વસતા મેર સમાજને એક મંચ પર લાવી પરસ્પર સહયોગ, સંગઠન અને સમાજ વિકાસની ભાવનાને મજબૂત બનાવવાનો છે. તેમણે ઉપસ્થિત સર્વે આગેવાનો અને કાર્યકર્તાઓનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સમાજની નવી પેઢીને જોડવા માટે આવાં મંથન કાર્યક્રમો ખૂબ જ જરૂરી છે.
સંસ્થાના મહામંત્રી શ્રી બચુભાઈ આંત્રોલીયાએ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ અંગે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે વર્ષોથી સંસ્થા શિક્ષણ ક્ષેત્રે અવિરત કામગીરી કરી રહી છે. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે વ્યાજમુક્ત શૈક્ષણિક લોન, નિઃશુલ્ક નોટબુક વિતરણ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન, વિદ્યાર્થીઓને રહેવા-જમવાની સુવિધા, સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસ તથા ગ્રામ્ય કક્ષાએ શિક્ષણને પ્રોત્સાહન જેવી અનેકવિધ પ્રવૃત્તિઓ સફળતાપૂર્વક ચાલી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે શિક્ષણ સાથે ખેડૂતો અને યુવાનોને પણ આત્મનિર્ભર બનાવવા માટે સંસ્થા સતત પ્રયત્નશીલ છે.
મહામંત્રી શ્રી જીતેન્દ્રભાઈએ પોતાના વક્તવ્યમાં પ્રાથમિક શિક્ષણના મહત્વ પર ભાર મૂકતાં જણાવ્યું હતું કે શિક્ષણ માત્ર પાઠ્યપુસ્તક પૂરતું સીમિત ન રહેવું જોઈએ, પરંતુ ગુણવત્તાસભર અને જીવનઘડતર આધારિત હોવું જોઈએ. તેમણે “સ્કિલ બેઝ્ડ એજ્યુકેશન”ની આવશ્યકતા સમજાવતા જણાવ્યું હતું કે આગામી સમયમાં ટેક્નિકલ અને વ્યવસાયિક કુશળતા ધરાવતા યુવાનોને રોજગારી તથા સ્વરોજગારની વિશાળ તકો મળશે.
ઉપપ્રમુખ શ્રી નવઘણભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે સરકારી શાળાઓમાં આજે ખૂબ જ લાયકાત પ્રાપ્ત અને વિષય નિષ્ણાત શિક્ષકો સેવા આપી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પ્રાથમિક શિક્ષણ મજબૂત બને અને બાળકો પોતાના વતનમાં જ ગુણવત્તાસભર શિક્ષણ મેળવી શકે તે માટે સમાજે જાગૃત બનવાની જરૂર છે.
પ્રમુખશ્રી કારાભાઈ કેશવાલાએ પોતાના સંબોધનમાં ખેતી અને કૃષિ આધારિત વ્યવસાય અંગે વિશેષ ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું હતું કે મહેર સમાજનો મુખ્ય વ્યવસાય ખેતી છે ત્યારે ખેડૂતોએ માત્ર ઉત્પાદન સુધી મર્યાદિત ન રહી પોતાની પેદાશોનું માર્કેટિંગ, બ્રાન્ડિંગ અને પ્રોસેસિંગ તરફ આગળ વધવું જોઈએ. તેમણે ખેડૂતોને કૃષિ આધારિત નાના ઉદ્યોગો અને રોજગારીના નવા માર્ગો અપનાવવા માટે પ્રેરણા આપી હતી.
અરજનભાઈ ખિસ્તરીયાએ સંસ્થાની વિકાસયાત્રા અંગે માહિતી આપતા જણાવાયું હતું કે વર્ષ 2000માં સ્થાપક પ્રમુખ ડૉ. વિરમભાઈ ગોઢાણીયાના માર્ગદર્શન હેઠળ સંસ્થાની રચના કરવામાં આવી હતી. શરૂઆતથી જ શિક્ષણ અને સમાજ વિકાસને કેન્દ્રસ્થાને રાખી અનેક નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ 2020 થી પ્રમુખ સેવક શ્રી વિમલજીભાઈ ઓડેદરાના નેતૃત્વ હેઠળ સંસ્થાએ નવી દિશાઓમાં વિસ્તરણ કર્યું છે. શિક્ષણ ઉપરાંત વિલેજ કાઉન્સિલ, સીટી કાઉન્સિલ, ગ્લોબલ કાઉન્સિલ, મેટ્રિમોનિયલ, ખેલકૂદ, કૃષિ અને યુવા વિકાસ જેવી અનેકવિધ પ્રવૃત્તિઓને ગતિ આપવામાં આવી છે.
મુંબઈ સીટી કાઉન્સિલના પ્રતિનિધિ શ્રી દાસભાઈ ભોગસરાએ જણાવ્યું હતું કે મુંબઈમાં વસતા મહેર સમાજને એકતાબદ્ધ રાખવા માટે નિયમિત સ્નેહમિલન, બ્લડ ડોનેશન કેમ્પ, વિદ્યાર્થીઓના સન્માન સમારંભ તથા યુવાનોને માર્ગદર્શન જેવી પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. તેમણે જણાવ્યું હતું કે મહાનગરોમાં વસતા જ્ઞાતિજનો માટે સંગઠન ખૂબ જ આવશ્યક બની ગયું છે.
વડોદરા સીટી કાઉન્સિલના પ્રમુખ શ્રી જીવાભાઈ કુછડિયાએ જણાવ્યું હતું કે વડોદરા શહેર શિક્ષણનું મહત્વનું કેન્દ્ર હોવાથી વતનમાંથી આવતા વિદ્યાર્થીઓને શાળા-કોલેજ પ્રવેશ, આવાસ તથા કારકિર્દી માર્ગદર્શન માટે સતત સહયોગ આપવામાં આવે છે.
રાજકોટ સીટી કાઉન્સિલના પ્રમુખ ડૉ. લીલાભાઈએ રાજકોટ ખાતે યોજાતા સ્નેહમિલન, નવરાત્રી રાસોત્સવ, આરોગ્યલક્ષી કેમ્પો, વિદ્યાર્થીઓના સન્માન સમારંભ અને સરકારી કર્મચારીઓના અભિનંદન કાર્યક્રમો અંગે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સમાજના દરેક વર્ગને સાથે લઈ વિકાસની દિશામાં આગળ વધવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
અમદાવાદ-ગાંધીનગર સીટી કાઉન્સિલ દ્વારા વર્ષ દરમિયાન વિવિધ શૈક્ષણિક, સામાજિક અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા હોવાનું જણાવાયું હતું. આગામી સમયમાં યુવાનો અને કાર્યકર્તાઓને વધુ સક્રિય રીતે જોડીને સામાજિક પ્રવૃત્તિઓને વધુ વ્યાપક બનાવવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો.
સંસ્થાના પ્રમુખ સેવક શ્રી વિમલજીભાઈએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજનો યુગ નેટવર્કિંગ અને સંગઠનનો યુગ છે. દેશ-વિદેશમાં વસતા મહેર સમાજને એક મંચ પર લાવવા માટે સીટી કાઉન્સિલ અને ગ્લોબલ કાઉન્સિલની રચના કરવામાં આવી છે. તેમણે સમાજ વિકાસ માટે હરીફાઈ નહીં પરંતુ પરસ્પર સહકાર અને સંકલન સાથે કાર્ય કરવાની ભાવના વ્યક્ત કરી હતી. સાથે જ તેમણે શિક્ષણ, રોજગારી, વ્યવસાય, કૃષિ અને યુવાનોના સર્વાંગી વિકાસ માટે એકજૂટ થઈ આગળ વધવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
મંથન મિટિંગના અંતે શિક્ષણ, આરોગ્ય, સ્કિલ બેઝ્ડ એજ્યુકેશન, ગુણવત્તાસભર શિક્ષણ, નેટવર્કિંગ, યુવાનોનું જોડાણ, રોજગારી અને વ્યવસાય ક્ષેત્રે વધુ સક્રિય કામગીરી કરવા અંગે મહત્વપૂર્ણ નિષ્કર્ષો કરવામાં આવ્યા હતા.
આ મિટિંગમાં સંસ્થાના પ્રમુખ સેવક શ્રી વિમલજીભાઈ ઓડેદરા, મહામંત્રી શ્રી બચુભાઈ આંત્રોલીયા, શ્રી જીતેન્દ્રભાઈ વદર, ઉપપ્રમુખ શ્રી નવઘણભાઈ મોઢવાડિયા, શ્રી કારાભાઈ કેશવાલા, શ્રી અરજનભાઈ ખિસ્તરીયા તથા આમંત્રિત મહાનુભાવો તરીકે શ્રી કિશોરભાઈ ગોઢાણીયા, શ્રી નાગેશભાઈ ઓડેદરા, ડૉ. કેશુભાઈ આંત્રોલીયા સાથે સાથે મુંબઈ સીટી કાઉન્સિલમાંથી દાસભાઈ ભોગસરા, વડોદરા સીટી કાઉન્સિલમાંથી જીવાભાઈ કુછડિયા, ઉર્મલભાઈ ઓડેદરા, ભનાભાઈ કેશવાલા રાજકોટ સીટી કાઉન્સિલમાંથી ડો. લીલાભાઈ કડછા અને અરજનભાઈ કેશવાલા, અમદાવાદ ગાંધીનગર સીટી કાઉન્સિલમાંથી પરબતભાઈ ખિસ્તરીયા, ભાયાભાઈ સુત્રેજા, કરણ સુત્રેજા, ભીમભાઇ મોઢવાડીયા, અરજનભાઇ કડેગિયા અને અરભમભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યા હતા




