મહેર સમાજમાં અનેક તેજસ્વી વ્યક્તિત્વોએ પોતાના કાર્ય, ઉદારતા અને સમાજસેવાના ભાવથી આગવી ઓળખ ઉભી કરી છે. આવા જ એક પ્રતિષ્ઠિત અને સેવાભાવી વ્યક્તિત્વ છે શ્રી ભીમાભાઈ સવદાસભાઈ મોઢવાડિયા. મૂળ વિસાવાડાના વતની અને હાલ અમેરિકા નિવાસી ભીમાભાઇ સફળ ઉદ્યોગપતિ હોવા સાથે સમાજહિતના કાર્યોમાં સતત આગળ રહી સમાજ માટે પ્રેરણાસ્ત્રોત બન્યા છે.

શ્રી ભીમાભાઈએ પોતાના જીવનમાં મહેનત, દૃઢ મનોબળ અને સંકલ્પશક્તિના બળ પર સફળતાના શિખરો સર કર્યા છે. વ્યવસાયક્ષેત્રમાં નોંધપાત્ર સિદ્ધિઓ પ્રાપ્ત કરવા સાથે તેમણે સમાજસેવાને જીવનનું ધ્યેય બનાવ્યું છે. ખાસ કરીને શિક્ષણ, આરોગ્ય, સમાજઉત્થાન અને જરૂરિયાતમંદોને સહાયરૂપ થવા જેવા અનેક ક્ષેત્રોમાં તેમનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે. તાજેતરમાં જ છાંયા મહેર સમાજના નિર્માણમાં શ્રી ભીમાભાઇએ 11 લાખ રૂપિયા ભવનના નિર્માણમાં અને 11 લાખ રૂપિયા સોલાર સિસ્ટમ માટે મળી કુલ 22 લાખ રૂપિયાનું માતબર અનુદાન આપ્યું છે. માત્ર આ ભવન જ નહીં પરંતુ મહેર સમાજની અનેક સંસ્થાઓ અને પ્રવૃત્તિઓમાં શ્રી ભીમાભાઇ તરફથી હંમેશા નોંધપાત્ર અનુદાન મળતું રહે છે. મહેર સમાજના સમુહલગ્ન હોય કે વિદ્યાર્થીઓના અભ્યાસથી માંડી સમાજ ભવનના નિર્માણની વાત હોય કે ગૌશાળામાં ગાયમાતાઓના નીભાવખર્ચની વાત હોય શ્રી ભીમાભાઇ તરફથી હંમેશા ઉમદા આર્થિક સહયોગ તો મળતો જ હોય છે સાથે સાથે સમાજને આ તમામ પ્રવૃત્તિઓમાં તેમનું સક્રિય માર્ગદર્શન અને તમામ પ્રકારનો સહયોગ હંમેશા પ્રાપ્ત થતો રહ્યો છે. શ્રી ભીમાભાઇ ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલની ગ્લોબલ કમિટીના વરિષ્ઠ સભ્ય પણ છે અને ત્યાં અમેરિકામાં પણ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલની બધી જ પ્રવૃત્તિઓમાં એકદમ સક્રિય રીતે સહભાગી બની તન, મન અને ધનથી પોતાની પૂર્ણ સેવાઓ આપી રહ્યા છે.

અમદાવાદ ખાતે મહેર સમાજના લોકો સારવાર અર્થે જાય ત્યારે રહેવાની યોગ્ય વ્યવસ્થા ઉપલબ્ધ રહે અને દર્દી તેમજ તેમના પરિવારજનોને અગવડ ન પડે તે હેતુથી શ્રી મહેર સેવા ચેરીટેબલ ટ્રસ્ટ મારફતે શ્રી કાનાભાઈ એભાભાઈ મોઢવાડિયા આરોગ્ય ભવનનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું લોકાર્પણ તાજેતરમાં કરવામાં આવ્યું હતું. આ ભવન આજે જ્ઞાતિના અમદાવાદ સારવાર અર્થે જતા પરિવારો માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે.

આધુનિક સુવિધાઓથી સજ્જ આ અત્યાધુનિક ભવનમાં લિફ્ટ, એર કન્ડિશનિંગ સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ભવનના નિર્માણમાં શ્રી ભીમાભાઇ તરફથી 11 લાખ રૂપિયાનું અનુદાન આપવામાં આવેલ. ભવિષ્યમાં આ ભવનનો ઉપયોગ સતત વધતો રહેશે તે ધ્યાનમાં રાખીને તેના મેન્ટેનન્સ અને વીજળીના વધતા ખર્ચને પહોંચી વળવા માટે શ્રી ભીમાભાઈ મોઢવાડિયા દ્વારા વધારાના રૂ. 11 લાખના ખર્ચે સોલાર પેનલ ફીટ કરાવવાનું અનુદાન પણ આપવામાં આવ્યું હતું. આમ, આ ભવન માટે પણ શ્રી ભીમાભાઇ તરફથી 22 લાખ રૂપિયાનું માતબર અનુદાન પ્રાપ્ત થયેલ છે.

તેમના આ ઉદાર અનુદાનથી તાજેતરમાં જ ભવનની છત ઉપર સોલાર પેનલ ફીટ કરવાનું કાર્ય પૂર્ણ કરવામાં આવ્યું છે. આ સોલાર પેનલ દ્વારા ઉત્પન્ન થનારી વીજળી ભવનની ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મહત્વપૂર્ણ સાબિત થશે અને ભવનનો વીજળી ખર્ચ પણ નોંધપાત્ર રીતે ઘટશે. આ કાર્ય માત્ર આર્થિક રાહત પૂરતું મર્યાદિત નથી, પરંતુ પર્યાવરણમૈત્રી દિશામાં પણ એક પ્રશંસનીય પગલું છે.

શ્રી ભીમાભાઈ સવદાસભાઈ મોઢવાડિયાનો આ સેવાયજ્ઞ તેમના સમાજપ્રેમ, દાનવીરતા અને દૂરંદેશી વિચારધારાનું ઉત્તમ ઉદાહરણ છે. સમાજહિત માટે તેમનો આ અમૂલ્ય ફાળો મહેર સમાજ માટે ગૌરવની લાગણી જન્માવે છે અને આવનારી પેઢી માટે પ્રેરણારૂપ બની રહેશે.

KEM આરોગ્ય ભવન અમદાવાદની છત પર લગાવાયેલા સોલાર પેનલની તસવીર
શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ આયોજિત સમૂહ લગ્નોત્સવ 2025 માં શ્રી ભીમાભાઇનું સન્માન કરતા પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરા
Sukalp Magazine