સનાતન ધર્મના પંથ પ્રવર્તક, અલખના આરાધક, મહેર સમાજના ભક્ત કવિયિત્રી અને સમાજ સુધારક લીરબાઈમાના 150માં નિર્વાણ દિવસની ઉજવણી નિમિત્તે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ અને સમાજની અન્ય સંસ્થાઓના સહકારથી તારીખ 19 જાન્યુઆરી 2026ના રોજ મહેર સમાજના ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું.
આ લગ્ન ઉત્સવમાં ૪૩ નવદંપત્તિઓ લગ્નના પવિત્ર બંધનથી જોડાયા હતા. પૂજ્ય લીરબાઈ માતાજીના સમાધિ સ્થળ એવા રાણા કંડોરણા ખાતે ઋષિ કુમારોના મુખેથી વેદોના મંત્રોની સાથે આ લગ્ન સંપન્ન થયા હતા. લગ્ન ઉત્સવમાં દીકરીઓ માટે અનેક પ્રકારના કરિયાવર શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ સંસ્થા દ્વારા આપવામાં આવ્યા હતા. સમાજના દાનવીર શ્રેષ્ઠીઓ દ્વારા લગ્ન સ્પોન્સર પણ કરવામાં આવ્યાં હતા અને એ રીતે સમાજમાં એક જ માંડવે લગ્ન યોજી લગ્ન પાછળ થઈ રહેલા દેખાડાઓ અને ખોટા ખર્ચાઓ ઘટાડી એક સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું હતું .
આ પ્રસંગે પ્રારંભમાં શ્રી જીતેન્દ્રભાઈ વદર સાહેબે સ્વાગત પ્રવચનમાં સૌનું શબ્દોથી સ્વાગત કર્યું હતું અને સમગ્ર કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી. ત્યારબાદ શ્રી ઇન્ટરનેશલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરાએ આગેવાનો અને જ્ઞાતિજનોની ભરચક્ક હાજરી વચ્ચે જ્ઞાતિમાં પ્રવર્તમાન વિવિધ રિવાજોને લઈ વિવિધ સુધારાઓ રજૂ કર્યા હતા. જેમાં લગ્નો પાછળ ખોટા ખર્ચાઓ ઘટાડવા, દીકરીઓને અપાતા કરિયાવરની મર્યાદા નક્કી કરવા, લગ્નોમાં ચડાવવામાં આવતા સોનાની મર્યાદા નક્કી કરવા, મરણોત્તર ક્રિયાઓમાં બેસણાનો ચોક્કસ સમય નક્કી કરવો, મામેરામાં દેખાડો ના કરતા કવરમાં મામેરું આપવું અને બેઠું મામેરું કરવું, લાણપ્રથા અને વિવિધ પ્રસંગોમાં પૈસા ઉડાડવા પર પ્રતિબંધ સહિત ૧૪ જેટલા સુધારા જાહેર કરવામાં આવ્યા હતા. છેલ્લા ઘણા સમયથી ડિજિટલ સર્વે અને રૂબરૂ મળી સમાજમાંથી પ્રાપ્ત સૂચનો અને મંતવ્યો ધ્યાને લઈ આ સુધારાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ સર્વે સુધારાઓને ઉપસ્થિત જ્ઞાતિજનોએ સહર્ષ સ્વીકારી હાથ ઊંચા કરી અનુમોદન આપ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સરકારના માનનીય કેબિનેટ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ ઝૂમ મીટિંગ દ્વારા સૌને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમની આભારવિધિ પૂર્વમંત્રી શ્રી બાબુભાઈ બોખીરીયા દ્વારા કરવામાં આવેલ. આ પ્રસંગે કુતિયાણાના માનનીય ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, માજી સાસંદ ભરતભાઈ ઓડેદરા, સુપ્રિમ કાઉન્સિલના સ્થાપક પ્રમુખ વિરમભાઈ ગોઢાણિયા, લેસ્ટર મહેર સમાજના પ્રમુખ સંજયભાઈ કારાવદરા, જિલ્લા પ્રમુખ પરબતભાઈ પરમાર, સહિત જ્ઞાતિના રાજકીય અને સામાજિક ક્ષેત્રના અનેક આગેવાનો તથા લીરબાઈ માતાજીના મુખ્ય સ્થાનકોના પૂજારીઓ, પોરબંદર જી૯લા પંચાયતના સદસ્યશ્રીઓ, પોરબંદર રાણાવાવ અને કૃતિયાણા તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ તથા સદસ્યશ્રીઓ, રાણાવાવ, કૃતિયાણા નગર પાલીકાના પ્રમુખશ્રીઓ તથા સદસ્યશ્રીઓ, વિવિધ ગામના સરપંચશ્રીઓ, પૂર્વ પદાધિકારીશ્રીઓ, જુદા જુદા ગામના અને શહેરોના મહેર સમાજના પ્રમુખશ્રીઓ, મહેર જ્ઞાતિની વિવિધ સમાજિક સંસ્થાના હોદેદારો, મહેર સીટી અને ગ્લોબલ કાઉન્સીલના સભ્યશ્રીઓ, મહેર મહિલા મંડળના બહેનો, તેમજ દેશ વિદેશથી પધારેલા જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ જ્ઞાતિજનો માટે સમૂહભોજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. સાંજે મહેર જ્ઞાતિના ભાઈ બહેનો દ્વારા પરંપરાગત પોશાકમાં દાંડીયારાસ બહેનોના ભાતિગળ રહડા, વિશ્વ વિખ્યાત મણીયારાનુ આયોજન‌ કરવામાં આવેલ હતું તેમજ લગ્ન પ્રસંગમાં તથા સાંજીના કાર્યક્રમમાં જ્ઞાતિના ગાયક કલાકારો નિઃશુલ્ક સેવા આપી હતી.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ સેવક, મહામંત્રીશ્રી ઓ, ઉપપ્રમુખશ્રીઓ, કોષાધ્યક્ષ તેમજ ટ્રસ્ટીશ્રીઓ, વિવિધ સમિતિઓ પ્રમુખશ્રીઓ તેમજ સદસ્યો, મહેર મહિલા વિકાસ મંડળ ના પ્રમુખશ્રી તેમજ સદસ્ય બહેનો, સમાજની અન્ય સંસ્થાઓના પ્રમુખશ્રી તેમજ સદસ્યશ્રીઓ, જ્ઞાતિના ભાઈ બહેનોએ રાણાકંડોરણા ગામ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના સ્વયંમસેવકો તથા કાર્યકતાઓએ ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ જ્ઞાતિના દાતાશ્રીઓના‌ આર્થિક અનુદાન તેમજ પ્રસંગ માટે પોતાની જમીન વપરાશ કરવા આપેલ સર્વે ખેડૂત ભાઈઓની પણ સંસ્થા દ્વારા નોંધ લઈ અભિવાદન કરવામાં આવેલ હતું. સમગ્ર કાર્યક્રમનું સ્ટેજ સંચાલન ભાઈ શ્રી પોપટભાઈ ખુંટી, જયેન્દ્રભાઈ ખુંટી અને ડો.રાજીબેન કડછા દ્વારા કરવામાં આવ્યું હતું.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *