સનાતન ધર્મના પંથ પ્રવર્તક, અલખના આરાધક, મહેર સમાજના ભક્ત કવિયિત્રી અને સમાજ સુધારક લીરબાઈમાના 150માં નિર્વાણ દિવસની ભવ્ય ઉજવણી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ અને સમાજની અન્ય સંસ્થાઓ દ્વારા કરવામાં આવી રહી છે. જે અનુસંધાને તારીખ 19 જાન્યુઆરી 2026ના રોજ મહેર સમાજના ભવ્ય લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ લગ્ન ઉત્સવમાં ૪૪ નવદંપત્તિઓ લગ્નના પવિત્ર બંધનથી જોડાશે. પૂજ્ય લીરબાઈ માતાજીના સમાધિ સ્થળ એવા રાણા કંડોરણા ખાતે આ દિવસે બપોરે 2:00 વાગ્યાથી શરૂ થનાર અને ઋષિ કુમારોના મુખેથી વેદોના મંત્રોની સાથે સંપન્ન થનારા લગ્ન ઉત્સવમાં દીકરીઓ માટે અનેક પ્રકારના કરિયાવર દાતાશ્રીઓ દ્વારા જાહેર કરવામાં આવ્યો છે. સમાજના દાનવીર શ્રેષ્ઠીઓ દ્વારા લગ્ન સ્પોન્સર પણ કરવામાં આવ્યાં છે અને એ રીતે સમાજમાં એક જ માંડવે લગ્ન યોજી લગ્ન પાછળ થઈ રહેલા દેખાડાઓ અને ખોટા ખર્ચાઓ ઘટાડી એક સુંદર ઉદાહરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ દિવસે સાંજે મહેર જ્ઞાતિના ભાઈ બહેનો દ્વારા પરંપરાગત પોશાકમાં દાંડીયારાસ અને સાંજીનું પણ આયોજન કરેલ છે. આ ભવ્ય ઉજવણીના બીજા દિવસે એટલે કે તારીખ 20 જાન્યુઆરી 2026 અને મહાબીજના દિવસે 1008 કુંડીના ચંડી યજ્ઞનું આયોજન પણ કરવામાં આવ્યું છે. લીરબાઈ માતાજી આધ્યાત્મિક જગતમાં મહેર સમાજનું ગૌરવ રૂપ અને આદરણીય પાત્ર છે. તેમનું સમગ્ર જીવન અધ્યાત્મ અને સનાતન ધર્મને સમર્પિત હતું. તેઓએ સમાજના દરેક વર્ગમાં અધ્યાત્મિકતાની જ્યોત પ્રગટાવી હતી. એમના આ કાર્ય પરત્વે શ્રદ્ધા અને આદર વ્યક્ત કરવા એમના નિર્માણ દિવસે 1008 કુંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. આ યજ્ઞમાં જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર હર કોઈ ભાગ લઈ શકશે. પૂજ્ય લીરબાઈ માતાજી એ સમાજમાં વ્યાપ્ત કુરિવાજો દૂર કરવા અને જન સેવાનો પણ ભગીરથ પ્રયાસ કરેલ. માતાજીના 150 માં નિર્વાણ દિવસ નિમિત્તે સમાજમાં વ્યાપ્ત કુરિવાજોનું નિર્મૂલન થાય તે માટે પણ ઘોષણાઓ કરવામાં આવનાર છે. આ માટે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા ઘણા સમય પહેલા એક ડિજિટલ સર્વે હાથ ધરવામાં આવેલ જેમાં પ્રાપ્ત સૂચનાઓનું સંકલન કરી પૂખ્ત વિચારણા અને ચર્ચાઓના આધારે જ્ઞાતિમાં વ્યાપ્ત વિવિધ રીવાજો કે સમાજ અને વ્યક્તિને નુકસાન કરતી બાબતો વિશે માર્ગદર્શક સૂચનાઓ જાહેર કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલની વિવિધ સમિતિઓના સદસ્યો, સમાજની અન્ય સંસ્થાઓના કાર્યકરો, જ્ઞાતિના ભાઈ બહેનો તથા અન્ય જ્ઞાતિના સેવકગણ પણ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. આ કાર્યક્રમના બંને દિવસો સર્વેને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ વતી પ્રમુખ સેવક શ્રી વિમલજીભાઈ ઓડેદરાએ હાર્દિક નિમંત્રણ પાઠવેલ છે.
– ગાંગાભાઇ સરમા ( પોરબંદર)

અલખના આરાધક અને સમાજના સુધારક ભક્ત કવિયિત્રી મા લીરબાઈ

બરડાની ગોદમાં મોઢવાડાના ગામમાં એક ખેડૂત પરિવારમાં લીરબાઈ માનો જન્મ થયેલો. શૂરવીરતા સંસ્કાર અને આસરા ધર્મના સંસ્કારોથી છલકાતું આ ગામ. ગામના અને પરિવારના સંસ્કારો માતાજીમાં બાળપણથી જ ઉજાગર થયેલા. સનાતની સંસ્કારો અને માનવસેવાની પરંપરાથી મા બાળવયમાં રંગાયા. પરબના પીર દેવીદાસ બાપાના પંજા જેમની પીઠ પર પડેલા એવા સંત જીવણભગતના સંપર્કમાં આવ્યાં. જીવણ ભગત અને સોનબાઈ મા મોઢવાડામાં માનવ સેવાનો યજ્ઞ આરંભ્યો અને આ આશ્રમમાં બાળપણમાં સેવાકીય પ્રવૃત્તિઓથી જોડાયા. માતાજી જીવણભગતના આધ્યાત્મ રંગે રંગાયા, સંત સેવા સાથે ઉછરેલ માતાજી યુવાન વયે પહોંચતા બાજુના ગામ કેશવમાં વજશી કેશવાલા સાથે સંસાર શરૂ થયો. સાંસારિક જીવન સાથે પણ માની સેવા પ્રવૃત્તિ સમાંતરે ચાલુ રહી. સૌરાષ્ટ્રમાં સંતબેલડી પરંપરા રહી છે જેમાં અનેક દંપતિઓએ સંસારમાં રહી અધ્યાત્મના માર્ગે પરમ તત્વને પામ્યાં છે. એમાંનું એક ઝળહળતું ઉદાહરણ એટલે લીરબાઈમા. તેમના પતિ તથા ત્રણ સંતાન સાથે સંસારને સંતપણું સાથે નિભાવ્યું.
માતાજીએ એમના જીવન દરમિયાન અગવડતા વચ્ચે પણ પ્રવાસો ખેડી સૌરાષ્ટ્ર ભરમાં ધર્મજાગૃતિ ફેલાવી. પોતાની અંતરની અનુભૂતિને ભજનોમાં વણી અને લોકો સુધી પહોંચાડી. અભણ હોવા છતાં અનુભૂતિના આધારે ઉત્તમ રચનાઓ લખી અને લોકો સુધી પહોંચાડી છે. સાધના માર્ગને સરળ ભાષામાં વણી લઇ ભજનોના માધ્યમથી લોકભોગ્ય બનાવી. આમ, માતાજી એક ઉચ્ચ કક્ષાના માર્મિક કવિતાઓના સર્જક હતા. આજે પણ ભજન ડાયરાના મંચ પરથી લીરબાઇમાની રચનાઓ ગવાય છે. માતાજી એ એમના પ્રવાસો દરમિયાન અનેક લોકોને સત્સંગથી માનવતાના રાહ પર ચાલતા કર્યા. વિવિધ સ્થળોએ પોતાના સેવા યજ્ઞના આશ્રમો શરૂ કર્યા હતા. સમાજના સાંપ્રત સમયના રિવાજો અને રુઢીઓ તોડી સમાજને નવો રાહ સિંધ્યો હતો. જ્યારે આજના સમયમાં સ્ત્રી સશક્તિકરણના કાર્યક્રમમાં કરવા પડે છે ત્યારે 200 વર્ષ પહેલાં માતાજીએ એક સ્ત્રી તરીકે સમાજને સુધારાના માર્ગે દોર્યો.
સમાજમાં આળસને દૂર કરી કર્મને પ્રાધાન્ય આપ્યું દુષ્કાળ જેવી આપત્તિઓમાં શ્રમ યજ્ઞ માટે લોકોને પ્રેરિત કરી કેશવ ગામે કચરિયું તળાવ નિર્માણ કર્યું. જળ સંચયનુ મહત્વ સદીઓ પહલાં સમાજ સમક્ષ મુકયુ. આ રીતે આપત્તિને અવસરમાં ફેરવ્યો આ કાર્યમાં અઢારે વર્ણને સાથે રાખ્યા. મા હંમેશા સમગ્ર સમાજની ચિંતા સેવતા તેમના માટે વર્ણભેદ ન હતો કારણ કે તેમણે જીવનનો ભેદ જાણ્યો હતો.
અધ્યાત્મના માર્ગે જેટલું મહત્વ મંદિરનુ છે એટલું જ મહત્વ પ્રકૃતિનું પણ છે પ્રકૃતિના સંરક્ષણ અને સમાધાનના એમના પ્રયાસોનું ઉદાહરણ કોઠડી ગામે જીવંત છે જ્યાં તેમણે પ્રતિક તરીકે પીપળાનું વાવેતર કરી સમગ્ર પંથકમાં વૃક્ષારોપણ પરત્વે જાગૃતિ કેળવી હતી. જીવનભર અલખના આરાધક આ મહાન ભક્ત કવિયિત્રીએ જીવનને સાધનાની સીડી બનાવી દઈને જીવતા સમાધિ લીધી. ૧૯૭૮માં મહા સુદને બીજના રોજ આ ધરતી ઉપર તેમનો અવતારીય કાર્ય પૂર્ણ કર્યું હતું. એમની સદેહે વિદાય પછી પણ સુક્ષ્મ હાજરી આજે ય અનુભવાય છે. આ પ્રસંગે સૌરાષ્ટ્ર ભરના આધ્યાત્મક ક્ષેત્રના અનેક મહાનુભાવો, સંતો, મહંતો ઉપસ્થિત રહ્યા હતા. અઢારે વરણમાંથી તેમના પ્રત્યેની શ્રદ્ધા આજે પણ અતુટ છે. વર્તમાન સમયમાં પણ લીરબાઈ માતાજીનું જીવન ચરિત્ર વિદ્યાર્થીઓ માટે વાંચવા લાયક અને અભ્યાસક્રમમાં સામેલ કરવા લાયક છે.
– પોપટ ખુંટી ( રાણાવાવ )

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *