સનાતન પરંપરામાં ભજન અને ભોજનનું અનન્ય મહત્વ જળવાયેલું છે. આ પરંપરાને સાથે લઈ ચાલનાર, અઢારેય વરણમાં પૂજનીય અને અલખના આરાધક એવા મા લીરબાઈ માતાજીના ૧૫૦ માં નિર્વાણ (સમાધિ) દિવસની ભવ્ય ઉજવણી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા રાણા કંડોરણા ખાતે કરવામાં આવનાર છે.

આ મહોત્સવમાં તા. ૧૯ જાન્યુઆરી ૨૦૨૬ ના રોજ મહેર સમાજના ભવ્ય લગ્નોત્સવ તથા ૨૦ જાન્યુઆરી ૨૦૨૬ ના સર્વજ્ઞાતિ મહાયજ્ઞનું આયોજન કરેલ છે. આ મહોત્સવના આયોજનની રૂપરેખા નિયત કરવા તા. ૨૧-૧૨-૨૦૨૫ ના રોજ રાણા કંડોરણા ખાતે એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું, જેમાં તમામ ગામોમાંથી શ્રદ્ધાળુઓ, આગેવાનો તેમજ કાર્યકર્તાઓની મોટી સંખ્યામાં હાજરી રહી હતી.

આ મહોત્સવના પ્રથમ દિવસે મહેર જ્ઞાતિના લગ્નોત્સવ યોજાશે જેમાં સૌ નવદંપતીઓ, જાનૈયા- માનૈયાઓ અને જ્ઞાતિજનોને પરંપરાગત પોશાકમાં આવવા અનુરોધ કરવામાં આવ્યો છે. આ દિવસે ભવ્ય મહારાસનું આયોજન પણ કરવામાં આવેલ છે. મા લીરબાઈ આઈએ પોતાનું જીવન સમાજ સુધારણા માટે ખર્ચી નાખ્યું હતું. તો આ પવિત્ર અવસરે સમગ્ર મહેર સમાજ દ્વારા હાલ સમાજમાં પ્રચલિત કુરિવાજો અને સામાજિક કુરીતિઓ નેસ્તનાબુદ કરવા સુધારા કરવા જરૂરી બને છે. તો આ દિવસે સમાજમાંથી આવેલ સૂચનોના આધારે જ્ઞાતિના હિતમાં સર્વસમંતિથી સુધારા અંગે ઠરાવો કરવામાં આવશે.

આ મહોત્સવના બીજા દિવસે એટલે કે મહા બીજના પાવન અવસરે મા લીરબાઈ આઈના સર્વ જ્ઞાતિના ભક્તો માટે નિશુલ્ક મહાયજ્ઞનું આયોજન હાથ ધરવામાં આવશે. આ યજ્ઞોત્સવમાં સર્વ જ્ઞાતિના ભક્તો પરિવારજનો સાથે હાજર રહેવા આવેદન છે. આ યજ્ઞમાં બેસવા ઇચ્છુક ભક્તજનો તા. ૩૧-૧૨-૨૦૨૫ સુધીમાં પોતાનું નામ નોંધાવી શકે છે. આ પાવન મહાયજ્ઞની ઉજવણી માટે દરેક ગામ દીઠ એક હવન કુંડ પ્રતિકૃતિ સ્વરૂપે અર્પણ કરવામાં આવશે.

આજની આ મીટિંગમાં સંસ્થાના મહામંત્રી શ્રી બચુભાઈ આંત્રોલીયાએ શબ્દોથી સૌનું સ્વાગત કર્યું હતું. ત્યાર બાદ ઘેડ વિકાસ સમિતિના ડો. ભરતભાઈ ચૌહાણ, બરડા વિકાસ સમિતિના ભીમભાઈ ઓડેદરા, શક્તિસેનાના કરશનભાઈ ઓડેદરાએ પોતાના વકતવ્યોમાં પોતપોતાની સંસ્થાઓ દ્વારા આ મહોત્સવમાં શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલની સાથે ખભે ખભા મિલાવી સહયોગની ખાતરી આપી હતી.

શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા એ પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યું કે મા લીરબાઈ આઈ આપણા સમાજમાં સર્વમાન્ય માતાજીના સ્વરૂપે પૂજનીય છે. પૂજ્ય માતાજીના ૧૫૦ મા નિર્વાણ દિવસની ઉજવણીનો અવસર આપણને પ્રાપ્ત થતો હોય ત્યારે તેમના જીવનના આદર્શો અનુસરવા આપણું સૌનું કર્તવ્ય બને છે. આ પાવન પ્રસંગની ઉજવણી માટે રાણા કંડોરણા ગામે સવાસો વીઘા જેટલી જમીન નિશુલ્ક ખાલી રાખનાર ગામના ખેડૂતોનો તેઓએ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે તેઓએ વધુમાં જણાવ્યું કે મહેર જ્ઞાતિના ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા તેમજ ખેલકૂદ પરત્વે જાગૃત કરવા આંતરરાષ્ટ્રીય મહેર પ્રીમિયર લીગ અંતર્ગત શ્રી માલદેવ રાણા કેશવારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન તા. ૨૬-૧૨-૨૦૨૫ થી પોરબંદર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવશે, જેની ફાઈનલ મેચ પૂજ્ય બાપુની ૬૦મી પુણ્યતિથિ તા. ૦૧-૦૧-૨૦૨૬ના રોજ રમાડવામાં આવશે, જેમાં આશરે પાંચ લાખ રૂપિયાના ઇનામો સાથે ખેલાડીઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. જેમાં ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા તેમજ મેચ નિહાળવા માટે સર્વેને અનુરોધ કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે તાજેતરમાં પોરબંદરના નિવાસી નાયબ કલેકટર પદેથી અન્યત્ર બદલી થતા સંસ્થાના મહામંત્રી શ્રી જીતેન્દ્રભાઈ વદરનું સંસ્થાના હોદેદારો દ્વારા શાલ ઓઢાડી તેમજ સ્મૃતિ ચિહ્ન અર્પણ કરી વિદાય સત્કાર પણ કરવામાં આવ્યો હતો.

આજની આ મીટિંગમાં મોટી સંખ્યામાં મહેર જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ મીટિંગના અંતે સૌએ ભોજન પ્રસાદીનો આનંદ માણ્યો હતો

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *