પરમ પૂજ્ય લીરબાઇ માતાજી એ વિક્રમ સવંત ૧૯૩૨ (ઈ.સ.૧૮૭૬) ના મહા સુદ બીજના દિવસે રાણા કંડોરણા ખાતે જીવંત સમાધિ લીધી હતી. જેને વિક્રમ સવંત ૨૦૮૨ (ઈ.સ.૨૦૨૬) ના મહા સુદ બીજના દિવસે ૧૫૦ વર્ષ પૂર્ણ થતાં હોવાથી આ શુભ દિવસને ભવ્ય રીતે ઉજવણી કરવાનું આયોજન હાથ ધરવામાં આવેલ છે. જે અન્વયે તાજેતરમાં શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલનાં હોદ્દેદારો દ્વારા કેશવ, શીશલી, મોઢવાડા અને રાણા કંડોરણાના પુજારીશ્રીઓ તથા ભક્ત ગણ અને ગ્રામજનો સાથે મુલાકાત કરવામાં આવેલી અને આ ઉજવણી સંદર્ભે સૂચનો અને અભિપ્રાયો મેળવવામાં આવેલ જે અનુસંધાને સમસ્ત મહેર સમાજ, સમગ્ર ભક્તજનો તથા માં લીરબાઇ આઈના મુખ્ય ધામોના પુજારીશ્રીઓના આશીર્વાદથી તેમજ સૌ કોઈના સહકારથી તા. ૨૦-૧-૨૦૨૬ ના રોજ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ દ્વારા પૂજ્ય લીરબાઇ માતાજીના ૧૫૦ મા નિર્વાણ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે. ત્રણ દિવસ સુધી ચાલનારી આ ઉજવણીમાં જીવનસાથી પસંદગી મેળો, મહેર જ્ઞાતિના ૧૫૦ સમૂહ લગ્ન, ૧૦૦૮ કુંડી હવન સાથે મેડીકલ અને રક્તદાન કેમ્પ, અંધશ્રધ્ધા નિર્મુલન તથા વ્યસનમુક્તિના કાર્યક્રમો તેમજ મણિયારો અને ભાતીગળ રાસ સહીત વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવનાર છે એવું શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરાની પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું છે.

No Comments