જેમની કલમમાં સત્ય અને નીડરતાના દર્શન થતા હતા તેવા પત્રકારત્વ ક્ષેત્રે મહેર જ્ઞાતિના ચમકતા સિતારા સમા વરિષ્ઠ પત્રકાર નાથાભાઈ હરદાસ ઓડેદરાનું નિધન થતા સમગ્ર પત્રકાર જગતમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે. તેઓ આપણી જ્ઞાતિના પ્રથમ પત્રકાર હતા. માત્ર સાત વર્ષની વયે પિતા ગુમાવી ચુકેલા સ્વ. નાથાભાઈ ઓડેદરાનો જન્મ પોરબંદરમાં થયો હતો. તેમણે પોરબંદરની ભાવસિંહજી હાઈસ્કૂલમાં મેટ્રિક સુધીનો અભ્યાસ કર્યો હતો. બી.એ.એલ.એલ.બી.ની ડિગ્રી રાજકોટની ધર્મેન્દ્ર કોલેજમાં રહીને મેળવી હતી. તેમણે બે વર્ષનો એગ્રિકલ્ચર ડિપ્લોમા કોર્ષ જુનાગઢ અને માણાવદરમાં કર્યો હતો. નાથાભાઈ ઓડેદરાએ પંચાયત રાજય આવ્યું તે પહેલા ચોટીલા તાલુકામાં ગ્રામસેવક તરીકે બ્લોક ડેવલોપમેન્ટ ઓફિસર જીતુભાઈ ભટ્ટ, કે જેઓ પાછળથી સાંસદ બન્યા હતા તેમની નીચે કામ કર્યું હતું. આ ઉપરાંત પોરબંદરના વતની અને ગાંધીજીના આદર્શોને વરેલા સ્વ. દ્વારકાદાસ વિઠલાણીની નીચે પણ કામ કર્યુ હતું. ચોટીલા ગ્રામ પંચાયતની લાયબ્રેરીના પુસ્તકો વાંચીને નાથાભાઈને લેખનની પ્રેરણા મળી હતી અને 1966માં રાજકોટમાં તે સમયના લોકપ્રિય અખબાર ‘જયહિન્દ’ માં જોડાયા હતા. ‘જયહિન્દ’ અને સાંધ્ય દૈનિક ‘સાંજ સમાચાર’માં મળી 40 વર્ષ સુધી પત્રકાર તરીકે કામ કરી સૌરાષ્ટ્રભરમાં નામના મેળવી હતી. નિવૃત્તિ પછી તેઓ પોરબંદર આવતા રહ્યા હતા અને જીવનના અંતિમ વર્ષો પોરબંદરમાં જ વીતાવ્યા હતા. તેમના વિવિધ ચાર પુસ્તકો પ્રકાશિત થયા છે જે લોકપ્રિય બન્યા હતા. તેઓએ તત્કાલીન વડાપ્રધાન ઈન્દિરા ગાંધીથી માંડીને દલાઈ લામા સુધીના અનેક મહાનુભાવોની મુલાકાત લીધી હતી. તેમની કલમ કોઈની શેહમાં આવે તેવી નહોતી. સમાજના અનેક પ્રશ્નોને ઉજાગર કરવામાં તથા તંત્રને આઈનો દેખાડવામાં તેઓ કામિયાબ નીવડયા હતા. આવા મોટા ગજાના પત્રકારની વિદાયથી આપણા સમાજને મોટી ખોટ પડી છે. શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ તરફથી સ્વ. નાથાભાઈને શ્રધ્ધાંજલિ પાઠવવામાં આવી છે.

No Comments