પરમ પૂજ્ય લીરબાઈ આઈ, પૂજ્ય માલદેવબાપુ તથા પૂજ્ય ભક્તશ્રી મેરુબાપાનાં આશીર્વાદ અને કૃપાથી ૨૦૨૪ની ગિરનાર લીલી પરિક્રમા વખતે વર્ષોની પરંપરા પ્રમાણે આપણાં મહેર સમાજનાં ભવનાથ ખાતે સ્થિત ‘શ્રી મહેર સમાજ ભુવન’ નામથી પ્રસિદ્ધ ઉતારા અને અન્નક્ષેત્રનું કાર્ય સફળતાપૂર્વક સુપેરે પાર પડેલ છે.
આ વર્ષે આપણાં અન્નક્ષેત્રમાં અંદાજે ૯૦૦૦ થી વધુ યાત્રાળુઓએ ભોજન પ્રસાદનો લાભ લીધેલો છે. સૌ જ્ઞાતિજનોને વિદિત જ હશે કે, પરિક્રમા દરમિયાન આપણી આ સંસ્થામાં ઉતારાની વ્યવસ્થા માત્ર જ્ઞાતિજનો પુરતી મર્યાદિત રાખીએ છીએ પરંતુ અન્નક્ષેત્રમાં ભોજન પ્રસાદ કોઈપણ જાતનાં બાધ વગર સૌ યાત્રાળુઓ લઈ શકે છે.
વર્ષો અગાઉ મૈયારીવાળા પૂ. મેરુભગતે જૂનાગઢ ભવનાથ ક્ષેત્રમાં શિવરાત્રી અને પરિક્રમામાં દૂર દૂરનાં ગામોથી આવતા આપણાં જ્ઞાતિજનોની સુવિધા માટે આ ઉતારા અને અન્નક્ષેત્રનો પ્રારંભ કરેલો. એ પછી આપણાં સમાજનાં અગ્રણી વડીલ શ્રી ભાયાભાઈ રાતિયા (રાતિયા સાહેબ) એ સૌ જ્ઞાતિજનોનાં સાથ સહકારથી હાલ આપણે જેનાં છાંયડે બેસીએ છીએ એ ભવ્ય પાકા ઉતારાનું નિર્માણ કર્યું.
જેનો પછી ઉતરોત્તર આપણાં સમાજનાં વડીલો અગ્રણીઓ તથા ગામેગામનાં સૌ જ્ઞાતિજનોએ યથાશક્તિ જાળવણી અને ઉછેર કરતાં રહી આજે આ સંસ્થા વિશાળ વટવૃક્ષ સમાન બનાવી જે ભવનાથ ક્ષેત્રમાં પધારતા યાત્રાળુઓને મીઠો છાંયડો આપે છે.
આપણાં પૂર્વજોએ આ સંસ્થાનાં સ્થાપન અને વિકાસ માટે ખુબ સંઘર્ષ કર્યો છે. અને એનાં એ સંઘર્ષમાં એકે‍એક મહેરનાં ઘરે યથાશક્તિ પોતાનો ફાળો આપેલો છે. એટલે આજે ભવનાથ પરિક્રમા કે શિવરાત્રી મેળામાં પધારતા એકે‍એક જ્ઞાતિજનને આ સંસ્થા, આ મહેરનો ઉતારો, આ મહેર સમાજ ભુવન, પોતિકું લાગે છે. અહીં ભજન ભોજન અને ભક્તિની જ્ઞાતિગંગા વહે છે.
હવે આ વર્ષ, સને ૨૦૨૪ની પરિક્રમા પ્રસંગનો પ્રાસંગિક અહેવાલ જાણીએ. દર વર્ષની જેમ આ વર્ષે પણ અન્નક્ષેત્રનાં મુખ્ય દાતાશ્રી તરીકે સંસ્થાનાં ટ્રસ્ટ્રી અને મહેર સમાજનાં અગ્રણી શ્રી મેરામણભાઈ હરદાસભાઈ પરમાર (જામનગર) એ રુ. ૨,૨૫,૦૦૦/- અંકે રુ. બે લાખ પચીસ હજાર પુરા આપેલા છે. શ્રી મેરામણભાઈ પરમાર છેલ્લા છ વર્ષથી અન્નક્ષેત્રનાં મુખ્ય દાતાશ્રી તરીકે દર પરિક્રમાએ રુ. ૨,૨૫,૦૦૦/- ફાળા પેટે આપે છે.
આ ઉપરાંત મુખ્ય દાતાશ્રીઓ તરીકે સંસ્થાનાં પ્રમુખ શ્રી રણમલભાઈ દાસા (જૂનાગઢ) એ રુ. ૧૧,૦૦૦/-
શ્રી મુળુભાઈ આતાભાઈ જાડેજા વતી સંસ્થાનાં ઉપપ્રમુખ શ્રી લક્ષમણભાઈ જાડેજા (જૂનાગઢ) એ રુ. ૧૧,૦૦૦/-
તથા સંસ્થાનાં ટ્રસ્ટીઓ શ્રી રાજુભાઈ ભાયાભાઈ રાતિયા (જૂનાગઢ) એ રુ.૧૧,૦૦૦/- અને શ્રી આલાભાઈ ઓડેદરા (જૂનાગઢ)એ ૫૦૦૦/- ફાળા પેટે આપેલા છે. ઉપરાંત રામભરોસે રુ.૫૧૦૦/- મળેલા છે.આ ઉપરાંત પરિક્રમામાં પધારેલા સૌ જ્ઞાતિજનોએ યથાશક્તિ અન્નક્ષેત્રનાં ફાળામાં પોતાનું યોગદાન આપેલું છે. આ સૌ દાતાશ્રીઓનો સંસ્થા વતી ખુબ ખુબ આભાર માનવામાં આવ્યો છે. આ ઉપરાંત ગામે ગામથી માત્રને માત્ર સમાજની સેવા કરવાની ભાવનાથી પધારેલા સૌ સ્વૈચ્છીક કાર્યકર્તાઓનાં સમય અને સેવાનાં અણમોલ યોગદાન પ્રતિ પણ સંસ્થા વતી ખુબ ખુબ ધન્યવાદ વ્યક્ત કરવામાં આવ્યો છે.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *