શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા પૂજ્ય આઇમાં લીરબાઇ માં તેમ જ પુતિઆઇ માં પ્રેરિત સર્વ સમાજ માટેની કથા સપ્તાહના પાંચમાં દિવસે આ ભાગવત ભૂમિમાં આજે પૂજ્ય માલદેવબાપુએ સદેહે પ્રતીકાત્મક હાજરી આપી હતી. ભાગવત કથાની શરૂઆત પૂર્વે યજ્માનશ્રીઓ દ્વારા પોથી પૂજન બાદ મુખ્ય યજમાનો, સહ યજમાનો અને ભોજનના દાતાઓના હસ્તે મંચ ઉપર પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સમગ્ર મહેર સમાજને જેની ઘણા સમયથી પ્રતિક્ષા હતી તેવા ‘મહેર સમાજની વિકાસગાથા’ પુસ્તકના પ્રિન્ટ અને ડીઝીટલ વર્ઝનનું તેમજ પૂજ્ય માલદેવ બાપુ લિખિત પુસ્તક ‘મહેર જવાંમર્દો’ ના ડીઝીટલ વર્ઝનનું વિમોચન પૂજ્ય ભાઈશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં આ પુસ્તકના નિર્માણમાં આર્થિક અનુદાન આપનાર,પુસ્તક તૈયાર કરવામાં પોતાની સમય,શક્તિ અને જ્ઞાનનો અમુલ્ય ફાળો આપનાર ભાઈ-બહેનો તેમ જ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા તથા ઉપપ્રમુખશ્રીઓ સર્વેશ્રી બચુભાઈ આંત્રોલીયા, લાખાભાઈ કેશવાલા, સાજણભાઈ ઓડેદરા, નવઘણભાઈ મોઢવાડિયા, અરજણભાઈ બાપોદરા તથા કારાભાઈ કેશવાલા તેમજ સ્વામી પરમાત્માનંદજી વગેરે મહાનુભાવો ના વરદ હસ્તે આ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું. આ પ્રસંગે ઉપસ્થિત જાણીતા ઇતિહાસવિદ નરોત્તમભાઈ પલાણે પુસ્તકની ઐતિહાસિક પ્રુષ્ઠભૂમિને ઉજાગર કરી આ સુંદર પુસ્તક તૈયાર કરવામાં સહભાગી બનનાર સહુ કોઈને તેમજ આ પુસ્તકના પ્રકાશન બદલ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલને અભિનંદન પાઠવ્યા હતા. આ પુસ્તકને તૈયાર કરવા માટે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાના માર્ગદર્શન નીચે એક લેખન સમિતિ બનાવવામાં આવી હતી. પુસ્તક નિર્માણના આ ભગીરથ કાર્યમાં સમગ્ર ટીમના વડા તરીકે કેનેડા સ્થિત ડો. અરજનભાઈ કેશવાલા અને સમગ્ર સંકલનમાં શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના ઉપપ્રમુખ શ્રી બચુભાઈ આંત્રોલીયાનો સિંહફાળો છે. આ ઉપરાંત સ્વ. શ્રી હરદાસભાઈ સુત્રેજા (બચુભાઈ), રાણાભાઇ કડછા અને તેમના પુત્ર કેશુભાઈ, વિજયભાઈ અને રામસિંગભાઈ સુંડાવદરા, રામભાઈ સિસોદિયા (યુએસએ), ડો. બાલુભાઈ ઓડેદરા (કેનેડા), વેજાભાઈ ઓડેદરા (યુ.કે), ભીમાભાઇ ખુંટી (યુએસએ), અરજનભાઈ કડેગીયા, પોપટભાઈ ખુંટી, જયશ્રીબેન ગરેજા, કરશનભાઈ રામભાઈ ઓડેદરા, કૃણાલભાઈ ઓડેદરા, હીનાબેન દાસા, કરશનભાઈ દેવશીભાઈ ઓડેદરા (આર્ટીસ્ટ) વગેરેએ ખુબ મહત્વનું યોગદાન આપ્યું છે. ઉપરોક્ત બંને પુસ્તકોની ડીઝીટલ આવૃત્તિ સંસ્થાની વેબસાઈટ http//mahersupremecouncil.org પર ઉપલબ્ધ છે.

પુસ્તક વિમોચન બાદ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરાએ પોતાના પ્રાસંગિક વ્યક્તવ્યમાં કાઉન્સિલના વિવિધ વિભાગો સંભાળતા ઉપપ્રમુખોનો પરિચય આપી તેમની કામગીરી સમજાવી હતી.

ત્યારબાદ પૂજ્ય ભાઈશ્રી એ સતત ચાર દિવસથી અવિરત વહેતી ભાગવત ગંગાના કથાપ્રવાહને તેમના બુલંદ કંઠેથી વહેતો કર્યો હતો. આજે કથાનો પાંચમો દિવસ હતો અને પૂજ્ય ભાઈશ્રીએ તેમના અદ્ભુત ભાગવત જ્ઞાનથી શ્રોતાજનોને ભાવવિભોર કર્યા હતા. આજે પુસ્તક વિમોચનના કાર્યક્રમનો ઉલ્લેખ કરી પૂજ્ય ભાઈશ્રીએ જીવનમાં પુસ્તકનું શું મહત્વ છે તે સમજાવ્યું હતું. લાઈબ્રેરી વગરનું ઘર એટલે મગજ વગરનું શરીર હોવાનું જણાવી તેઓએ દરેક ઘરમાં ભલે નાનકડી પણ એક લાઈબ્રેરી અને એક ભગવાનનું મંદિર હોવું જ જોઈએ એ બાબત જણાવી હતી. તેઓએ મહિલાઓને પણ પુસ્તકો વાંચવા ખાસ આગ્રહ કર્યો હતો. સારા પુસ્તકોના સ્વાધ્યાય અને વાંચનથી બુદ્ધિ દેવમયી બનશે. દેવમયી એટલે દેવકી અને જ્યાં માતા દેવકી સમાન હોય ત્યાં જ કૃષ્ણ સરીખો પુત્ર પ્રાપ્ત થાય એવું તેઓએ જણાવ્યું હતું.

ભાગવત કથાના અંતે મેર સમાજના જ્યોતિર્ધર એવા પૂજ્ય માલદેવ બાપુનું ઝાંખી સ્વરૂપ આગમન થયું હતું. પોતાના પહેરવેશ વિષે પ્રશ્નો પૂછતી નવી પેઢીને પોતે ભપકાદાર વસ્ત્રો ત્યજી શા માટે આવા સાદા વસ્ત્રો ધારણ કર્યા એનો મર્મ સમજાવતા બાપુએ ગામડાનાં અભણ ખેડૂત દંપતીના થયેલ અપમાનને જોઈ જ્યાં સુધી સમાજના આ ગ્રામજનો માટે ઉતારા માટે ભવનનું નિર્માણ ના થાય ત્યાં સુધી પાઘડી નાં પહેરી માત્ર સાદા વસ્ત્રો જ ધારણ કરવાની પ્રતિજ્ઞાનો ઉલ્લેખ કરી ત્યાર પછી તેમના પ્રયત્નોથી સાકાર થયેલ નિર્માણ ભવનોની ઘટના તાજી કરાવી હતી. જ્ઞાતિ ભવનોના નિર્માણની શ્રુંખલા માત્ર પોરબંદર જ નહિ પણ રાણાવાવ, ભાણવડ, જામનગર, જુનાગઢ, રાજકોટ, અમદાવાદ. વલ્લભ વિદ્યાનગર જેવા અનેક શહેરોમાં વિસ્તૃત કરી તેમને માત્ર તસ્વીરોમાં જ નહી પણ વિચારોમાં પણ જીવંત રાખ્યાનો સંતોષ બાપુએ વ્યક્ત કર્યો હતો. “બાપુ” ની આ જાનદાર ભૂમિકા બહુમુખી પ્રતિભા ધરાવતા, વ્યવસાયે શિક્ષક અને આપણી જ્ઞાતિના જાણીતા ઉદ્ઘોષક પોપટભાઈ ખુંટીએ એટલી સરસ રીતે નિભાવી હતી કે ઘડીભર વાતાવરણ જાણે થંભી ગયું હતું.

આજે પૂજ્ય ભાઈશ્રીએ પ્રસાદઘરની મુલાકાત લઇ ભાવિકોને પ્રતિકાત્મક રીતે સ્વ હસ્તે પ્રસાદ વિતરણ કરતાં કાર્યકરોમાં ઉત્સાહ ફેલાય ગયો હતો. અને કૃષિ મેળાની પણ મુલાકાત લીધી હતી. આ ઉપરાંત તેઓએ કૃષિ મેળાની પણ મુલાકાત લીધી હતી. તા.૧૪ માર્ચથી શરુ થયેલ આ કૃષિ મેળાને અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે અને મોટાભાગના સ્ટોલમાં સ્ટોક ખલ્લાસ થવાને આરે છે. લોકોના જોરદાર પ્રતિસાદને ધ્યાને લઇ આ લોકમેળાને આયોજકો દ્વારા આજે વધુ એક દિવસ લંબાવવામાં આવ્યો છે.

સાંજે જ્ઞાનવર્ધક કાર્યક્રમમાં ડો. જીતેન્દ્ર અઢિયાનું મનની શક્તિ વિષયનું મલ્ટીમીડિયા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. જેમાં તેમના મદદનીશ દ્વારા કેટલાક પ્રયોગો પણ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત રાત્રે વિખ્યાત કાન-ગોપી આર્ટીસ્ટ ભીમભાઈ ઓડેદરા અને તેમની ટીમ દ્વારા રાસનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો જેમાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી. આ કાર્યક્રમનું સુંદર સંચાલન શ્રી પોપટભાઈ ખુંટી તથા દ્વારા હાર્દિક મહારાજ દ્વારા કરવામાં આવ્યું હતું.    

  • – ગાંગાભાઇ સરમા
Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *