શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા આયોજિત ભાગવત સપ્તાહની ભવ્યાતિ-ભવ્ય પોથીયાત્રા આજે બપોરના નીકળી હતી. આ પોથીયાત્રા હરિમંદિરથી નીકળી નરસંગ ટેકરી, કમલાબાગ, જુનો ફુવારો, યુગાન્ડા રોડ, રેલ્વે સ્ટેશન, હનુમાન ગુફા, બસ સ્ટેશનના નિર્ધારિત રૂટ પર ફરી થઇ ચોપાટી કથા મંડપ ખાતે સંમ્પન્ન થવા પામી હતી. યાત્રાના પ્રારંભે જ્ઞાતિજનો અને ધર્મપ્રેમી ભાઈ બહેનો હરિમંદિર ખાતે ઉમટી પડ્યા હતા. મોટાભાગના લોકો મહેર જ્ઞાતિના પરંપરાગત પહેરવેશમાં દેખાઈ રહ્યા હતા. સર્વપ્રથમ વિરાટ મેદનીની ઉપસ્થિતિમાં હરિમંદિરમાં ભાગવત સપ્તાહના યજમાનોએ પોથીને નમન કરી પૂજ્ય ભાઈશ્રીના આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ મહેર જ્ઞાતિના નાનકડા તલવાર રાસની ઝલક બાદ પોથી યાત્રાનું પ્રસ્થાન પૂજ્ય ભાઈશ્રીએ કરાવ્યું હતું. આ પોથીયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું. મોટી સંખ્યામાં લોકો કાર, બાઈક્સ અને પગપાળા જોડાયા હતા. ખાસ વિશેષ શણગારાયેલી બગીઓ અને ઘોડાગાડીઓમાં મુખ્ય યજમાનો અને મહાનુભાવો સવાર હતા. મોટી સંખ્યામાં ઘોડેસવારો જોડાયા હતા અને વિશેષ જગ્યાઓએ અશ્વનૃત્ય કરાવી આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.યાત્રાને નિહાળવા જાણે આખું શહેર ઉમટી પડ્યું હતું. લોકો ઠેર ઠેર પુષ્પવર્ષા કરી યાત્રાનું અભિવાદન કરી રહ્યા હતા. ઘણી જગ્યાએ અન્ય સમાજના લોકોએ અને સંસ્થાઓએ પણ યાત્રાનું ફૂલોથી સ્વાગત કર્યું હતું. પોથીયાત્રા બાદ યુવાનોએ મહેર જ્ઞાતિના પરંપરાગત રાસની જમાવટ કરી હતી. સાંજે ભોજન પ્રસાદીમાં કેશવ અને શીશલી ગામના યુવાનોએ પીરસવાની સેવા આપી હતી.
- ગાંગાભાઇ સરમા








No Comments