- Home
- Activities And News
- પોરબંદરના ...

મહેર સમાજના શૈક્ષણિક અને સામાજિક વિકાસના પથદર્શક પૂજ્ય માલદેવ રાણા કેશવારા (બાપુ)ની ૧૪૨મી જન્મ જયંતી નિમિત્તે પોરબંદર ખાતે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ તેમજ માલદેવ રાણા કેશવારા મહેર વિદ્યાર્થી ભવનના સંયુક્ત ઉપક્રમે ભાવાંજલિ કાર્યક્રમની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાઓના હોદ્દેદારો, ટ્રસ્ટીશ્રીઓ તેમજ વિદ્યાર્થી ભવનના વિદ્યાર્થીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી પૂજ્ય બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખ સેવકશ્રી વિમલજીભાઈ ઓડેદરાએ પૂજ્ય બાપુ દ્વારા સમાજમાં શિક્ષણના વિકાસ અર્થે કરવામાં આવેલા ઐતિહાસિક યોગદાનને યાદ કરતા જણાવ્યું હતું કે, સૌપ્રથમ ઝુંડાળા ખાતે અને ત્યારબાદ તેમના ભગીરથ પ્રયાસોથી એરપોર્ટ નજીક વિદ્યાર્થી ભવનની સ્થાપના શક્ય બની હતી, સાથે જ તેમણે વિદ્યાર્થીઓને કઠોર પરિશ્રમ કરી ઉચ્ચ કારકિર્દી ઘડવા આહ્વાન કર્યું હતું.
ત્યારબાદ શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશનલ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખશ્રી ભરતભાઈ ઓડેદરાએ પોતાના વક્તવ્યમાં ઉમેર્યું હતું કે પૂજ્ય માલદેવ બાપુના પથદર્શક પ્રયાસોના ફળસ્વરૂપે આજે સમાજમાં શૈક્ષણિક ક્રાંતિ જોવા મળી રહી છે અને વિદ્યાર્થી ભવનના જીર્ણોદ્ધાર બાદ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ સુવિધાઓ પ્રાપ્ત થઈ રહી છે. વિધાર્થીઓને યોગ્ય કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શિત કર્યા હતા.
મહેર વિદ્યાર્થી ભવન પોરબંદર સમિતિના અધ્યક્ષશ્રી સામતભાઈ ઓડેદરાએ પણ પૂજ્ય બાપુના જીવન ચરિત્રની ઝાંખી રજૂ કરી યુવાનોને સમાજના સર્વાંગી વિકાસ માટે શિક્ષણનો વ્યાપ વધારવા પ્રોત્સાહિત કર્યા હતા.
આ પ્રસંગે શ્રી ભરતભાઈ ઓડેદરા,શ્રી વિમલજીભાઈ ઓડેદરા, શ્રી સામતભાઈ ઓડેદરા, સંસ્થાના ઉપપ્રમુખશ્રી અરજનભાઈ ખીસ્તરીયા, શ્રી કારાભાઈ કેશવાલા, શ્રી ખીમાભાઇ રાણાવાયા,શ્રી રાયદેભાઈ મોઢવાડિયા,શ્રી વિરમભાઈ ઓડેદરા સહિત આગેવાનો અને મહેર વિદ્યાર્થી ભવન વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.







