- Home
- Activities And News
- ભવનાથ ખાતે ...

દર વર્ષની જેમ આ વર્ષે પણ આ મહાશિવરાત્રી મહોત્સવ નિમિત્તે ભવનાથ પધારતા સર્વે જ્ઞાતિજનોની આગતા સ્વાગતા અને સુખાકારી માટે શ્રી મહેર સમાજ ભુવન ભવનાથ ખાતે સુંદર આયોજન કરાયું હતું. જ્યાં મેળો માણવા અને ભક્તિનાં સાગરમાં સ્નાન કરવા પધારેલા સૌ જ્ઞાતિજનોએ બહોળી સંખ્યામાં મહેમાનગતી માણી હતી અને શિવરાત્રી પ્રસંગે જ્ઞાતિગંગાનાં પાવન પ્રવાહમાં ભજન ભોજન અને ભક્તિનું ત્રિવેણી સ્નાન કર્યું હતું.
આ વર્ષે આપણે મહેર સમાજ ભુવન ભવનાથ ખાતે ભોજન પ્રસાદી નિમિત્તે વર્ષોવર્ષથી ચાલતી રહેલી બુંદી મોહનથાળ ભજીયા ખીચડી શાક રોટલા દાળ ભાત જેવા પ્રસાદનો આશરે વીસ હજારથી વધુ ભાવિકોએ લાભ લીધો હતો.
ઉપરાંત આ વર્ષથી તંત્રએ રવાડીના રૂટમાં ફેરફાર કરતાં આપણાં સમાજની સામેથી જ રવાડી પસાર થતી હોય આપણાં સમાજનાં સૌ મહેમાનોને ખુબ જ નજીકથી અને શાંતિપૂર્ણરૂપે તથા આરામથી રવાડીના સમગ્ર સરઘસ અને પવિત્ર પ્રતિકોનાં દર્શનનો સુંદર લાભ પ્રાપ્ત થયો હતો. જેથી વર્ષોવર્ષ રવાડીના દર્શન માટે પધારતા ભાવિકજનો કે જેઓ બહુ પ્રયત્ને માંડ અલપઝલપ રવાડીના દર્શન કરી શકતાં તેઓમાં નિરાંતે દર્શન થયાનો આનંદ અને ઉમંગ વ્યાપ્યો હતો.
તદુપરાંત, આ વર્ષે સરકારશ્રી દ્વારા આ મેળાને મીની કુંભ જાહેર કરાયેલ હોય એ નિમિત્તે મેળાનાં પ્રારંભે વિધવિધ ક્ષેત્રનાં મહાનુભાવો તથા સાધુસંતો અને બહોળી સંખ્યામાં ભાવિકજનોની ઉપસ્થિતિમાં એક ભવ્ય ડમરુ યાત્રાનું આયોજન થયેલ. આ ડમરુ યાત્રામાં આપણાં મહેર સમાજનાં રાસડા ગૃપની તથા લીરબાઈ નગરની બહેનો અને ધંધૂસર ગામેથી મહેર ભાઈઓએ પરંપરાગત મહેરનાં પોશાકમાં સામેલ થઈ રાસડા તથા મણિયારો રાસની રમઝટ બોલાવી આપણી પરંપરા અને સંસ્કૃતિનાં સૌને દર્શન કરાવ્યાં હતાં. ત્યાર બાદ ડમરુ યાત્રામાં સામેલ આ સૌ બહેનો-ભાઈઓએ ભવનાથ સમાજ ખાતે ભોજન પ્રસાદીનો લાભ લેવા સાથે બહેનોએ તો મેરાણીનાં પરંપરાગત પોશાકમાં શોભાયમાન થઈ અન્નક્ષેત્રમાં રોટલા ઘડવાની સેવા પણ ઉમંગભેર આપી હતી.
આ મહાશિવરાત્રી મહોત્સવ પ્રસંગે તન મન ધનથી સેવા આપનાર સર્વે દાતાશ્રીઓ, કાર્યકર્તાશ્રીઓ અને વ્યવસ્થામાં સહાયક થનાર સર્વે જ્ઞાતિજનો, અગ્રણીઓ અને ટ્રસ્ટીશ્રીઓ પ્રત્યે અમો શ્રી મહેર સમાજ ભુવન ભવનાથ વતી હાર્દિક આભાર પ્રગટ કરીએ છીએ.







