શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના ઉપક્રમે પોરબંદરમાં સૌપ્રથમ વખત આ વિસ્તારના સર્વાંગી વિકાસ હેતુ તા.07-08-2021ના રોજ પોરબંદર વિસ્તારમાં વસવાટ કરતા જુદા જુદા સમાજો અને જ્ઞાતિઓના પ્રમુખશ્રીઓ તેમજ તેમના પ્રતિનિધિઓ સાથે એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.

આ કાર્યક્રમની શરૂઆતમાં સંસ્થાના સેક્રેટરી મેહુલભાઈ થાનકી દ્વારા દરેક સમાજના પ્રમુખશ્રીઓ તેમજ પ્રતિનિધિઓનુ શબ્દોથી સ્વાગત કરી સંસ્થાનો પરિચય સાથે આજના  કાર્યક્રમની રૂપરેખા આપી હતી તેમજ સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા તેમજ મહેર એનઆરઆઈ પ્રોપર્ટી એસોશિયેશનના સેક્રેટરી માલદેભાઈ ઓડેદરાએ સર્વેનું પુષ્પગુચ્છ વડે સ્વાગત કર્યુ હતુ.

શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા કાઉન્સીલ જેઓ યુકે સ્થિત નવ લાખ ગુજરાતીઓની સંસ્થા  નેશનલ કાઉન્સીલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશનના પણ પ્રમુખશ્રી તરીકે ગત વર્ષે જવાબદારી સ્વીકારી હતી ત્યારથી જ આપણા વિસ્તારમાં વસતા દરેક સમાજ એક સાથે લાવી પોરબંદરના વિકાસ માટે એક બિન રાજકીય અને મજબુત સંગઠન બનાવવાની ઈચ્છા જાહેર કરેલ. જેના ભાગરુપે ખુબ જ ટુંકા ગાળામાં આ મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.

કાર્યક્રમમાં દરેક સમાજના પ્રમુખશ્રીઓ  તેમજ પ્રતિનિધિઓ એ પોતાના પરિચયની સાથે તેમના સમાજમાં કરવામાં આવતી વિવિધ કામગીરીનો પરિચય આપેલ.

લોહાણા સમાજના પ્રમુખ સંજયભાઈ  કારીયા દ્વારા લોહાણા સમાજની કામગીરી જણાવતા તેઓ લોહાણા સમાજના વિદ્યાર્થીઓ માટે સ્કોલરશિપ યોજના, સમાજના જરુરીયાતમંદ પરિવારો માટે અનાજ વિતરણ,  દરેક સમાજના લોકો માટે આરોગ્ય સેવા કેમ્પ તેમજ લોહાણા સમાજ માટેની લગ્ન વાડીમાં પણ પરિવારની આર્થિક પરિસ્થિતિને ધ્યાન માં રાખી ભાડું નકકી કરી નાના અને મધ્યમવર્ગના પરિવારને મદદરૂપ થવું તેમજ એક વિશિષ્ટ સુવિધા પણ સમાજ માટે કરી છે જે એટીએમ લગ્ન સુવિધા કે જેમાં જરુરીયાતમંદ પરિવાર માટે તત્કાલ લગ્ન વ્યવસ્થાની સાથે દિકરીને  કરિયાવર સાથે લગ્ન કરી આપવામાં આવે છે.

રાજપુત સમાજના સેક્રેટરી જયસિંહભાઈ જેઠવા રાજપુત સમાજની સમાજ ઉપયોગી સેવાની જાણ કરતા સમાજમાં શૈક્ષણિક વિકાસમાં ખુબ ભાર મુકવામાં આવે છે. તેમજ અંધ વિશ્ર્વાસ તેમજ અમુક માન્યતાઓને તિલાંજલિ આપી સમાજના વિકાસ માટે પ્રયત્નશીલ બન્યા છે. સમાજમાં વિધવા બહેનોને આર્થિક સહાય તેમજ જરુરીયાતમંદ પરિવારને આર્થિક તેમજ સામાજિક સહાય આપવામાં આવે છે. તેમજ વ્યસન મુક્ત સમાજની રચના કરી રાજપુત સમાજના ભવ્ય સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા માટે આજે રાજપુત સમાજ કાર્ય કરી રહ્યો છે.

સગર સમાજના પ્રમુખ સુરેશભાઈ રાઠોડ દ્વારા જણાવેલ કે એમનો સમાજ વિદ્યાર્થીઓના શૈક્ષણિક વિકાસ માટે પ્રયત્નશીલ છે. જેને માટે તેઓના સમાજ દ્વારા ગ્રામ્ય વિસ્તાર રહેતા વિદ્યાર્થીઓ માટે પોરબંદર ખાતે એક વિદ્યાર્થી ભવનના સુવિધા ઉભી કરવામાં આવી છે.

ખારવા સમાજના પ્રતિનિધિ વિનેશભાઈ લોઢારીએ પણ ખારવા સમાજના જ્ઞાતિ વિકાસની પ્રવૃતિઓની જાણ કરતા જણાવેલ કે ખારવા સમાજ વર્ષોથી મત્સ્યઉદ્યોગ સાથે જ જોડાયેલો છે. મર્યાદિત ક્ષેત્રની આવકમાંથી પણ અનેકવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવેલ છે  જેમા જ્ઞાતિના બાળકોમાં શિક્ષણનું સ્તર ઉંચુ લાવવા શાળાની સ્થાપના જેમા જરુરીયાતમંદ ખારવા સમાજના  પરિવારના બાળકોને 1 થી 12 સુધી ગુણવત્તાયુક્ત શિક્ષણ સાથે આરોગ્યની પોરબંદર તેમજ અમદાવાદ ખાતેની સુવિધાઓ, વિધવા સહાય માટે ગૃહઉદ્યોગ ની સ્થાપના કરી છે. વ્યસનની] સમસ્યા દરેક સમાજ થોડા ઘણા પ્રમાણમાં ધરાવતો હોય છે એમ ખારવા સમાજ પણ આ દૂષણનો સામનો કરી રહ્યુ છે પણ તેમની મુક્તિ અભિયાનો ચલાવી રહ્યા છે અને  તેમા મહદઅંશે સફળતા પણ  પ્રાપ્ત થઈ રહી છે.  સમાજના શૈક્ષણિક,  સામાજિક અને આર્થિક વિકાસ માટે જરૂરી ફંડ પણ સમાજમાંથી ઉભુ કરવા પ્રયત્ન કરી જ્ઞાતિ વિકાસના પ્રયત્નો કરી રહ્યા છે.

આહીર સમાજ પ્રમુખ નકાભાઈ આહિરે જણાવેલ કે પોરબંદર વિસ્તારમાં 400 જેટલા પરિવાર વસવાટ કરી રહ્યા છે અને સમાજ દ્વારા શિક્ષણ પર ભાર મુકી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારીઓ માટે વિદ્યાર્થીઓને મદદ પુરી પાડવામાં આવે છે.

અબોટી બ્રહ્મ સમાજ ના પ્રમુખ હરિભાઈ ટુકડીયાએ જણાવેલ કે અમારા સમાજના લોકોને રોજગારી બાબતે  કુરીયર વ્યવસાય સાથે જોડી સમગ્ર ભારતમાં વ્યવસાય શરુ કરવામાં આવેલ છે.

સોની સમાજના પ્રમુખ ચેતનભાઈ લોઢિયાએ જણાવેલ કે સોની સમાજમાં આગાઉના સમયમાં શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછુ હતું અને યુવાનો પારિવારિક વ્યવસાયમાં જોડાઈ જતા. પણ સમયના પરિવર્તન સાથે આજે સોની સમાજ પણ શિક્ષણ ક્ષેત્ર જાગૃતિ લાવી સમાજના વિકાસ માટે પ્રયત્નશીલ બન્યો છે.

કોળી સમાજના પ્રમુખ ગીગાભાઈ ચાવડાએ કોળી સમાજની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપતા સમાજના જરુરીયાતમંદ પરિવાર માટે છેલ્લા ર૭ વર્ષ થી નિયમિત રીતે સમુહ લગ્નનું આયોજન કરવામાં આવે છે તેમજ આરોગ્યને લગતી સ્થાનિક કક્ષાએ તેમજ અમદાવાદ ખાતે  પણ સમાજને પરિવારના લોકો માટે સુવિધા પુરી પાડવા પ્રયત્ન કરે છે. સાથો સાથ શિક્ષણ ક્ષેત્રે પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પુરુ પાડી સમાજના શૈક્ષણિક અને સામાજિક વિકાસની પ્રવૃતિઓ હાથ ધરી છે.

રબારી સમાજના પ્રમુખ ભીમાભાઈ મકવાણાએ જણાવેલ છે અમારો માલધારી સમાજ પશુપાલન અને ટ્રકના વ્યવસાય સાથે સંકળાયેલ છે. સમયની સાથે આ વ્યવસાયમાં આવેલ મુશ્કેલીઓનો કારણે સમાજના વિકાસમાં શિક્ષણનું મહત્ત્વ સમજી શિક્ષણને લગતી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે તેમજ આરોગ્યની મહત્ત્વ સમજી પોરબંદર,  જામનગર , રાજકોટ તેમજ અમદાવાદ ખાતે જ્ઞાતિ દર્દીઓ તેમજ તેમના સગા માટે જરુરી વ્યવસ્થાનું આયોજન કરવામાં આવેલ છે.

લુહાર સમાજના પ્રમુખ મનોજભાઈ કવા એ જણાવેલ કે આજના આધુનિક અને હરિફાઈના સમયમાં પરંપરાગત વ્યવસાયની સાથે શિક્ષણક્ષેત્રે પણ જાગૃતિ આવે તેવા પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા છે.

ગઢવી સમાજના પ્રમુખ વિરપાલભાઈએ જણાવેલ કે તેમનો સમાજ માલધારી, ઉન અને  વાહનવ્યવહાર સાથે સંકળાયેલ છે. પણ આગામી સમય માટે સમાજના વિકાસ માટે શૈક્ષણિક અને સામાજિક વિકાસ માટે પ્રયત્નશીલ બનવુ પડશે.

મહેર એનઆરઆઈ પ્રોપર્ટી એસોસિયેશનના સેક્રેટરી માલદેભાઈ ઓડેદરા જણાવેલ  કે કોઈ પણ સમાજનો વિકાસ સમાજના લોકોમાં રહેલ સાચી નીતિમત્તા પર રહેલો છે . પ્રમાણિક અને સત્યને વળગેલો  સમાજ ક્યારેય પછાત રહેતો નથી તેથી બાળપણથી જ બાળકોમાં સારા સંસ્કારો તેમજ નીતિમત્તા ગુણોનું સિંચન કરતા રહેવું જોઈએ.

ગુજરાત શિક્ષણ સમિતિના સભ્ય રામભાઈ ઓડેદરાએ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે કોઈ પણ સમાજના વિકાસના પાયામાં શિક્ષણ રહેલ છે. તે માટે દરેક સમાજે સજાગ બની શિક્ષણ બાબતે કાર્યરત બનવુ પડશે.

શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા દ્વારા પોતાને વક્તવ્યમાં શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ સંસ્થાની શૈક્ષણિક,  સામાજિક,  આરોગ્ય તેમજ આર્થિક પ્રવૃત્તિઓ પોરબંદર થી શરુ કરી ગુજરાતના મુખ્ય શહેરો અને મુંબઈ સુધી તેમજ ન્યુઝીલેન્ડ થઈ કેનેડા સુધી સંસ્થાઓની રચના કરવામાં આવેલી છે તેમજ સંસ્થા દ્વારા સમુહ લગ્નોત્સવ,  નવરાત્રી મહોત્સવ,  જીવનસાથી પસંદગી સંમેલન, શૈક્ષણિક  સંકુલો, વિલેજ મહેર કાઉન્સિલ, વ્યસન મુકિત અભિયાન, મહેર ડિઝીટલ ડિરેક્ટરી, જ્ઞાતિનુ મુખપત્ર ઈ-સુકલ્પ મેગેજીન, મહેર સમાજના ભવ્ય ઈતિહાસની માહિતી માટે પુસ્તકનું લેખન કાર્ય તેમજ આર્ટ , ખેલકૂદ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાઓના તાલીમ વર્ગો સહિતની પ્રવૃતિઓની માહિતી આપી હતી સાથો સાથ યુકે સ્થિત નવ લાખ ગુજરાતીઓની 105 જેટલી સંસ્થા એક છત નીચે નેશનલ કાઉન્સીલ ઓફ ગુજરાતી ઓર્ગેનાઇઝેશન સાથે જોડી દરેક સમાજ પોતાનો વિકાસ માટે કટીબદ્ધ બની છે તેવી જ રીતે આપણા પોરબંદર વિસ્તારમાં વસવાટ કરી રહેલા તમામ સમાજ અને જ્ઞાતિઓ આવા પ્રકારના મજબુત સંગઠનની રચના કરી પોરબંદરના સર્વાંગી વિકાસ માટે એકજૂટ થવુ પડશે તેમજ એક બીન રાજકીય સંગઠન દ્વારા એક સામાજિક સંસ્થાનું નિર્માણ કરવુ જોઈએ. આ બાબતે શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ તેમજ પોરબંદર વિસ્તાર સાથે સંકળાયેલ હોવાના નાતે પોતે પણ પોરબંદરના વિકાસ માટે યથા યોગ્ય સાથ સહકાર આપશે તેમજ ભવિષ્યમાં પોરબંદર ખાતે કોઈ સારી ઈન્ડસ્ટ્રીઝ આવે તેવા પ્રયાસો પણ સૌના સાથ સહકારથી કરવામાં આવશે.

આ માટે પોરબંદર વિસ્તારમાં વસવાટ કરતા સમાજ અને જ્ઞાતિઓ એક છતની સંગઠતી બની કાર્ય કરશે તો પોરબંદરનો સર્વાંગી વિકાસ નિશ્ર્ચિત બનશે. આ કાર્યક્રમના અંતે સૌએ સાથે ભોજન લીધુ  હતું. આ મીટીંગની વ્યવસ્થા વિક્રમભાઈ ઓડેદરાના સૌજન્યથી હોટલ લોર્ડ ઈનમાં કરવામાં આવી હતી. વિવિધ સમાજના સંપર્ક કાર્ય રામભાઈ ઓડેદરાએ અને સમગ્ર કાર્યક્રમનું સંચાલન સંસ્થાના સેક્રેટરી મેહુલભાઈ થાનકીએ કર્યુ હતું.

આમ, દરેક સમાજના વિકાસના પાયામાં શિક્ષણ, આરોગ્ય, રોજગારી રહેલ છે  તેમજ વ્યસન મુકિત,  અંધશ્રદ્ધા તેમજ કુરિવાજો દુર કરવાથી જ્ઞાતિ વિકાસની કેડી કંડારી શકાય છે સાથો સાથ દરેક સમાજ એકબીજાના સમાજ અને જ્ઞાતિ સાથે સંગઠિત થઈ ને રહેશે તો સમગ્ર વિસ્તારનો વિકાસ અચુક જોવા મળશે. (આર્ટીકલ સોર્સ: IMSC કાર્યાલય)

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *