માંગરોળ તાલુકાના મિતિ ગામે મહેર જ્ઞાતિના સંત અને ભક્ત કવિયિત્રી લીરબાઇ માતાજીનું ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે. મહેર સમાજમાં એકતા અને બંધુત્વનો ભાવ સુદઢ બને અને જ્ઞાતિનો સર્વાંગી વિકાસ સાધી શકાય તે માટે સમાજની આધ્યાત્મિક વિભૂતિ એવા શ્રી લીરબાઇ માતાજીના શ્રદ્ધેય છત્ર નીચે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા ગત વર્ષે મહેર સમાજના ગામે ગામને જોડતી એક અદભુત યાત્રા “ શ્રી લીરબાઇ માતા રથયાત્રા” નું આયોજન કરવામાં આવેલ. શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરા અને સંસ્થાના હોદેદારોના માર્ગદર્શન નીચે આ યાત્રા મહેર સમાજની બહુધા વસ્તી ધરાવતા ગામે ગામ પહોચી હતી. અને દરેક ગામોમાં આ યાત્રાને જબરદસ્ત પ્રતિભાવ સાંપડ્યો હતો. ગામડે ગામડું ‘માં લીરબાઇમય’ બની જવા પામ્યું હતું. આ યાત્રા અંતર્ગત ઘેડ વિસ્તારના મિતિ ગામે પણ આ યાત્રા પહોચી હતી અને આ યાત્રાના ભાગરૂપ પૂર્વ તૈયારી રૂપે માતાજીના એક કળશનું સ્થાપન જે જગ્યાએ રથ પહોચવાનો હોય એ ગામે અગાઉથી કરવામાં આવતો હતો. યાત્રા રૂટ અંતર્ગત મિતિ ગામે પણ આ કળશનું સ્થાપન કરવામાં આવેલ અને ગ્રામજનો દ્વારા ભારે શ્રદ્ધાપૂર્વક આ કળશનું પૂજન અર્ચન કરવામાં આવતું હતું અને ગામમાં આ યાત્રાના અનુસંધાને એક અલૌકિક આધ્યાત્મિક વાતાવરણ નિર્માણ પામ્યું. ગ્રામજનોમાં માં લીરબાઇનું એક મંદિર ગામમાં જ હોય એવી ભાવના પ્રબળ બની અને ગામમાં જે જગ્યાએ આ કળશ રાખવામાં આવ્યો હતો ત્યાં જ ગ્રામજનો દ્વારા મા લીરબાઇનું એક સુંદર મંદિર સાકાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. એટલું જ નહી, ગ્રામજનો દ્વારા અદમ્ય ઉત્સાહ દાખવી માત્ર એક જ વરસના ટૂંકા ગાળામાં આ ભવ્ય મંદિરનું નિર્માણ કરી લેવામાં આવ્યું અને અને આ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા તેમજ નવ કુંડી યજ્ઞ તા. ૨૨/૫/૨૦૨૩ થી ૨૪/૫/૨૦૨૩ સુધીના ત્રણ દિવસો દરમિયાન આયોજિત કરવામાં આવેલ છે. તો આ તમામ કાર્યક્રમોમાં ખાસ ઉપસ્થિત રહેવા સર્વે ભક્તજનો અને જ્ઞાતિજનોને સમસ્ત મિતિ ગ્રામજનો તરફથી ભાવભીનું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
- ગાંગાભાઇ સરમા

No Comments