પોરબંદર જુનાગઢ જિલ્લાના ઘેડ વિસ્તારને પૂરના પાણીના કારણે દર વર્ષે ભોગવવી પડતી હાલાકી અને ખેતપાક નિષ્ફળ થવાને કારણે થતી નુકશાનીની સમસ્યાઓનો કાયમી ધોરણે ઉકેલ લાવવા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા સરકારશ્રીમાં રજૂઆત કરવામાં આવી છે. ઘેડ વિસ્તારના સામાજિક આગેવાનો મારફત અવારનવાર સંસ્થાને કરવામાં આવેલી રજૂઆતો ધ્યાને લઈ સંસ્થા દ્વારા આ રજૂઆત કરવામાં આવી છે. પોરબંદરના દરિયાકાંઠે ગોસાબારાથી લઈને માધવપુર સુધીના દરિયા કાંઠે સૌરાષ્ટ્રની મોટી નદીઓ પૈકી બરડા વિસ્તારમાંથી આવતી મીણસાર, રાજકોટ જિલ્લામાંથી આવતી ભાદર, જુનાગઢ અને ગીર વિસાવદરમાંથી આવતી ઓઝત અને મેંદરડા-સાસણ વિસ્તારમાંથી આવતી મધુવંતી નદી સમુદ્રને મળે છે. આ ચાર મોટી નદીઓમાં સૌરાષ્ટ્રની અન્ય નદીઓ પણ મળતી હોય આખા સૌરાષ્ટ્રનું વરસાદી પાણી ડેમો ભરાઈ ગયા બાદ આ ઘેડ વિસ્તારમાંથી પસાર થઈ દરિયામાં ભળે છે. ભારે વરસાદને કારણે ડેમો જ્યારે ઓવરફ્લો થાય ત્યારે વિવિધ ડેમોના પાણી ઘેડ વિસ્તારના જમીન અને રહેણાંક વિસ્તારમાં ફરી વળે છે અને પાક નાશ પામે છે તેમજ જ્યારે પાણી વધારે હોય ત્યારે લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસી જતા હોય છે અને લોકોની ઘરવખરી, અનાજ અને પશુઓ માટે સાચવેલ નીરણનો નાશ થાય છે. આ પરિસ્થિતિ આઝાદી પછીથી ઘેડ વિસ્તાર સતત ભોગવતો આવ્યો છે. આ બાબતે સિંચાઈ વિભાગના ઇજનેરોની ટીમ બનાવી અને આ સમસ્યાનો કાયમી ઉકેલ આવે તે માટે વ્યવસ્થા કરવા શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત આ વિસ્તારની નદીઓ ઊંડી અને પહોળી કરવા, અમુક નદીઓમાં જ્યારે વધારે પાણી હોય ત્યારે તે પાણી જ્યાં ઓછું પાણી હોય તે નદીઓમાં ડાયવર્ટ કરી આ પાણી દરિયામાં વહી જતું અટકાવી પાણીની જ્યાં જરૂર હોય ત્યાં કામ આવી શકે આ માટે મીણસાર-ભાદર-ઓજત અને મધુવંતી નદીને ઇન્ટરલિંક કરવા પણ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત નદીના કાંઠા તૂટી જતા અટકાવવા તેને પાકા બાંધવા તેમજ ઉનાળામાં ઓટના સમયે ઉપરોક્ત નદીઓમાં દરિયાના ખારા પાણી પ્રવેશી જતા અટકાવવા યોગ્ય વ્યવસ્થા કરવા માટે પણ સંસ્થાના પ્રમુખ શ્રી વિમલજીભાઈ ઓડેદરા દ્વારા સરકારશ્રીને રજૂઆત કરવામાં આવી છે.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *