ગુજરાત રાજકારણમાં લાંબા સમયથી મહત્વપૂર્ણ સ્થાન ધરાવતા મહેર સમાજના અગ્રણી નેતા અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયાએ તા. 17 ઓક્ટોબર 2025ના રોજ ગુજરાત રાજ્યની કેબિનેટમાં મંત્રી તરીકે શપથ લીધા છે. તેમને વન અને પર્યાવરણ, જલવાયુ પરિવર્તન અને વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગોનું પોર્ટફોલિયો ફાળવવામાં આવ્યું છે.
અર્જુનભાઈ મોઢવાડિયા નો જન્મ 17 ફેબ્રુઆરી 1957 ના રોજ પોરબંદર જિલ્લાના મોઢવાડા ગામે એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ, મોરબીમાંથી મેકેનિકલ એન્જિનિયર રૂપે અભ્યાસ પૂર્ણ કર્યો હતો. શરૂઆતમાં તેઓ ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં સહાયક એન્જિનિયર રૂપે સેવા આપી હતી, પરંતુ 1993 પછી તેઓ સામાજિક અને રાજકીય કાર્યક્ષેત્રે સક્રિય થયા. આ દરમિયાન તેઓએ ઘણા લાંબા સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિંડિકેટ સભ્ય તરીકે સ્થાન શોભાવ્યું હતું.
રાજકીય સફર :
• 1997 માં જાહેર જીવનમાં પ્રવેશ.
• 2002 માં પોરબંદર વિધાનસભા બેઠકથી પહેલી વાર વિધાયક પસંદ થયા.
• 2004 થી 2007 સુધી ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા રૂપે સેવા આપી.
• 2007 માં ફરી થી વિધાયક રૂપે પસંદ થયા.
• 2011 માં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ (GPCC) ના પ્રમુખ પદે નિયુક્ત થયા.
• ડિસેમ્બર 2012 માં તે પદેથી રાજીનામું આપ્યું.
• 2022 માં ફરી થી પોરબંદર બેઠક માટે વિધાનસભામાં વિજય હાંસલ કર્યો.
• માર્ચ 2024 માં કોંગ્રેસ છોડી ભારતીય જનતા પાર્ટી (BJP) માં જોડાયા હતા.
અર્જુનભાઈ મોઢવાડિયા સૌરાષ્ટ્ર અને ગુજરાતના રાજકારણમાં એક પ્રમુખ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ રૂપે પરિચિત છે. તેમણે સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ, આરોગ્ય અને પર્યાવરણ ક્ષેત્રે વિશેષ કાર્ય કર્યું છે. પોરબંદર વિસ્તારના વિકાસ માટે તેમની લાંબા સમયથી પ્રતિબદ્ધતા રહી છે.
સમુદાયિક અને સામાજિક જોડાણ :
તેઓ મહેર સમાજના અગ્રણી રૂપે વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંલગ્ન છે. ગ્રામ્ય ભારતી હાઇસ્કૂલ, બગવદરના અધ્યક્ષ, માલદેવજી ઓડેદરા સ્મારક ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિંડિકેટ સભ્યરૂપે તેમણે શૈક્ષણિક ક્ષેત્રમાં મહત્વનું યોગદાન આપ્યું છે. વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં પણ એમનું ભરપૂર યોગદાન રહેવા પામ્યું છે.
નવી કેબિનેટમાં તેમની નિમણૂક પોરબંદર સાથે સાથે સૌરાષ્ટ્ર–કચ્છ વિસ્તાર માટે ગૌરવની વાત ગણાય છે. રાજ્યમાં વન અને પર્યાવરણ ક્ષેત્રે તેમની તકનીકી પૃષ્ઠભૂમિ અને પ્રશાસકીય અનુભવ કાર્યક્ષમતામાં મદદરૂપ થશે એવી આશા વ્યક્ત કરાઈ છે. શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ તેમને રાજ્ય સરકારમાં આ ગૌરવશાળી અને મહત્વની ભૂમિકા પ્રાપ્ત કરવા બદલ અભિનંદન પાઠવે છે.

No Comments