- Home
- Literature
- એકદમ ચોખ્ખ ...

લાલચ નથી કશી કે ના દાનત ખરાબ છે,
ખાતામાં મારા એકદમ ચોખ્ખો હિસાબ છે.
એને સૌ વાંચકોએ વધાવી છે પ્રેમથી,
મારી ગઝલનો એ જ તો મોટો ખિતાબ છે.
કેવી રીતે સવાર થશે એની છે વ્યથા,
લાંબી છે રાત ખૂબ ને થોડો શરાબ છે.
તું આવતાં સભામાં સન્નાટો છવાઈ ગયો,
સાચું કહું તો તારો ગજબનો રુઆબ છે.
એની નજીક પાણી ભરે છે શરાબ પણ,
કાયમ રહે નશો એવો તારો શબાબ છે !
ક્યારેક છેતરાયો એને જોઈને ‘ભરત’,
આ તારા હોઠ છે કે ખીલેલું ગુલાબ છે !
-ભરત બાપોદરા
ભરત બાપોદરા ગુજરાતી ભાષાના જાણીતા કવિ, લેખક અને ઈતિહાસકાર છે. તેમણે એક કવિ તરીકે ગીત અને ગઝલ ક્ષેત્રે સવિશેષ પ્રદાન કરેલું છે. એમાં પણ તેમનું ગઝલનું ખેડાણ અતિશય સરાહનીય છે. તેમણે પોતાની ગઝલોમાં પ્રેમની અભિવ્યક્તિને ખૂબ જ સરસ રીતે વ્યક્ત કરી છે. મિલનની મધુરતા અને વિરહની વ્યાકુળતા એ તેમની ગઝલોના મુખ્ય વિષયો રહ્યા છે.
અહીં રસાસ્વાદ માટે પસંદ કરેલી તેમની નખશિખ સુંદર ગઝલ ખૂબ જ સરળ, પ્રવાહી અને દિલકશ લય ધરાવે છે. ગઝલમાં ખુદ્દારી, પ્રણય અને જીવનના દર્શનનો સુંદર સમન્વય જોવા મળે છે. ગઝલના મત્લામાં (પ્રથમ શેરમાં) ભરત બાપોદરા પોતાના નિર્મળ વ્યક્તિત્વ અને ઈમાનદારીની વાત કરે છે. દુનિયા ભલે ગમે તેવી ચાલાકી વાપરીને ગોરખધંધા કરતી હોય, પરંતુ કવિના જીવનના ખાતામાં કોઈ ગરબડ નથી. તેમના જીવનનું ખાતું પારદર્શક છે. આ શેર તેમની આંતરિક શુદ્ધિ અને નૈતિક મૂલ્યોને ઉજાગર કરે છે. તેઓ કહે છે :
લાલચ નથી કશી કે ના દાનત ખરાબ છે,
ખાતામાં મારા એકદમ ચોખ્ખો હિસાબ છે.
કોઈ પણ કવિ માટે સરકાર કે સાહિત્યિક સંસ્થા તરફથી મળતા એવોર્ડ કે પદવી કરતાં તેના વાચકો તરફથી મળતો પ્રેમ સૌથી મોટો પુરસ્કાર હોય છે. કવિ અહીં વિનમ્રતા પૂર્વક સ્વીકારે છે કે મારી સાહિત્યકૃતિઓને વાંચકોએ જે પ્રેમ આપ્યો છે, એ જ મારો સૌથી મોટો પુરસ્કાર છે. જુઓ :
એને સૌ વાંચકોએ વધાવી છે પ્રેમથી,
મારી ગઝલનો એ જ તો મોટો ખિતાબ છે.
ગઝલના ત્રીજા શેરથી કવિ વળાંક લાવે છે. આ શેરમાં કવિએ પ્રતીકાત્મક રીતે જીવનના સંઘર્ષની વાત કરી છે. આ શેરના ઉલા મિસરામાં એટલે કે પ્રથમ પંક્તિમાં કવિએ પ્રયોજેલો ‘લાંબી રાત’ શબ્દપ્રયોગ જીવનમાં આવતી મુસીબતોનું પ્રતીક છે, જ્યારે સાની મિસરામાં એટલે કે બીજી પંક્તિમાં પ્રયોજેલો ‘થોડો શરાબ’ શબ્દપ્રયોગ મુસીબતો સામે લડવાનું નાનું હથિયાર છે. આ શેર દ્વારા કવિ એવું કહેવા માગે છે કે જીવનમાં આવતી મોટી મુસીબતો સામે લડવા માટે તેમની પાસે જે સાધનસામગ્રી છે, તે બહુ ઓછી છે. તેથી કવિને એ બાબતની ચિંતા છે કે આ જિંદગી કેવી રીતે સુખરૂપ પસાર થશે. જુઓ :
કેવી રીતે સવાર થશે એની છે વ્યથા,
લાંબી છે રાત ખૂબ ને થોડો શરાબ છે.
ગઝલના પછીના શેરમાં ભરત બાપોદરા અદભૂત સૌંદર્ય ધરાવતી લલનાના રુઆબનું વર્ણન કરે છે. લાખો લોકોની ભરચક્ક સભામાં લોકો વચ્ચે ગણગણાટ ચાલતો હતો, પરંતુ સ્વરૂપવાન લલનાનો સભામાં પ્રવેશ થતાં જ લોકો વચ્ચે ચાલતો ગણગણાટ બંધ થઈ જાય છે અને સભામાં એકદમ શાંતિ છવાઈ જાય છે. એ જોતાં કલ્પી શકાય છે કે એ લલનાનું વ્યક્તિત્વ કેવું પ્રભાવશાળી હશે ! ભરત બાપોદરાએ ગઝલના ચોથા શેરમાં એનું આ રીતે વર્ણન કર્યું છે :
તું આવતાં સભામાં સન્નાટો છવાઈ ગયો,
સાચું કહું તો તારો ગજબનો રુઆબ છે.
ગઝલના પાંચમા શેરમાં ભરત બાપોદરાએ શબાબને શરાબથી પણ ચડિયાતો નશો ગણાવ્યો છે. શબાબ એટલે યુવતીનું સોંદર્ય. કવિ આ શેરમાં કહે છે કે શરાબનો નશો તો થોડો સમય રહે છે, પરંતુ યુવતીના શબાબ (સૌંદર્ય)નો નશો એક વખત ચડી ગયા પછી ક્યારેય ઊતરતો નથી. જુઓ આ શેર :
એની પાસે પાણી ભરે છે શરાબ પણ,
કાયમ રહે નશો એવો તારો શબાબ છે.
ગઝલના અંતિમ શેરને મક્તા કહેવામાં આવે છે. મક્તામાં ગઝલકાર પોતાના નામ કે ઉપનામનો ઉલ્લેખ કરે છે. ભરત બાપોદરાએ પોતાની આ ગઝલના મક્તામાં પોતાના નામનો ઉલ્લેખ કરીને વિરોધાભાસ અલંકારનું પ્રયોજન કર્યું છે તે કાબિલે તારીફ કહી શકાય એવું છે. કવિ અહીં પોતાની પ્રિયતમાના ગુલાબી હોઠ જોઈને છેતરાઈ જાય છે કે આ પોતાની પ્રિયતમાના હોઠ છે કે ખીલેલું ગુલાબ છે ! કવિની આ છેતરામણી પણ ભારે આનંદદાયક છે. કવિ કહે છે :
ક્યારેક છેતરાયો એને જોઈને ‘ભરત’,
આ તારા હોઠ છે કે ખીલેલું ગુલાબ છે !
ટૂંકમાં કહીએ તો ભરત બાપોદરાની આ ગઝલ નખશિખ સુંદર ગઝલ છે. આ ગઝલના દરેક શેર પર પાનાંનાં પાનાં ભરી શકાય એટલું લખી શકાય.
આસ્વાદ : ડિજીટલ મિત્ર

