માનવ સતત કંઈક કરતો રહે છે, દોડતો રહે છે, શોધતો રહે છે, પરંતુ ઘણીવાર એના કર્મોની પાછળનું મૂળ કારણ તેને પોતાને જ અજાણ્યું રહે છે. જીવનનું સર્વોચ્ચ લક્ષ્ય છે – પોતાને ઓળખવું, પોતાની અંદર ઊતરવું અને પોતાના અસ્તિત્વને સમજવું.

આજથી લગભગ ત્રીસ વર્ષ પૂર્વે, જ્યારે મારી અંદર જનસેવા અને સમાજસેવાનો એક ઉલ્લાસ જાગ્યો હતો, ત્યારે એ શા માટે હતો તેનો બોધ મને આજે થાય છે. હકીકતમાં તે સેવા નહોતી, તે તો મારા અહંકારને પોષવાનો એક સૂક્ષ્મ ઉપાય હતો. કંઈક કરી બતાવવાની ઝંખના, સૌથી અલગ અને શ્રેષ્ઠ બનવાની ઇચ્છા, અને સમગ્ર જગતમાં છવાઈ જવાની ઘેલછા — મનમાં આવી લહેરો ઉછળતી હતી. મારા વિચારોને સર્વત્ર સ્વીકાર મળે, મને માન-સન્માન મળે, અને સમાજના અગ્રીમ હરોળના લોકો પણ મારાથી  પ્રભાવિત થાય એવી એક મૌન અપેક્ષા હતી.

પરંતુ સમયના પ્રવાહે કંઈક અલગ જ શીખવ્યું! જ્યાં સ્વીકારની આશા હતી, ત્યાં અસ્વીકારનો સ્પર્શ મળ્યો. એ ક્ષણે મેં પોતાની અંદર નજર કરી, અને સમજાયું કે આ બધો તો મનનો એક રમતિયાળ ખેલ છે — અહંકારને પોષણ આપતો એક ભ્રમ.

વિચારોને આવતાં-જતાં નિહાળવા લાગ્યો. મનનો સ્વભાવ તો વિચારો ઉત્પન્ન કરવાનો હોય છે, પરંતુ જ્યારે આપણે તેમને પકડી લઈએ છીએ, ત્યારે મન આપણું સ્વામી બની જાય છે. તેથી તેને પકડી રાખ્યા વગર, બસ વહેવા દીધા — જેમ ઝરણું નિરંતર વહેતું રહે છે, પાણીને રોકતું નથી.

ધીરે ધીરે વિચારોથી મુક્તિ મળતી ગઈ અને વિચારોથી મુક્તિ સાથે અહંકાર પણ ઓગળી ગયો, મહત્ત્વાકાંક્ષા પણ વિલીન થઈ ગઈ. હવે કંઈ બનવાની ઝંખના રહી નથી, કોઈ વિશેષ લક્ષ્ય પણ નથી — જીવન હવે માત્ર ઝરણાની જેમ સહજ રીતે વહે છે.

આ સહજતા સાથે એક નવી ભેટ મળી — દુનિયાના મત મતાંતરોથી મુક્તિ મળી ગઈ! પોતામાં રહીને, પોતાને સાથમાં રાખીને જીવન જીવવાની કળા પ્રાપ્ત થઈ. બધું છૂટતાં, સાદગી અને સૌમ્યતા સ્વયં આવી ગઈ. ભાષા, વર્તન, વિચાર — બધું એક અનાયાસ પરિવર્તનમાંથી પસાર થયું. જનસેવા અને સમાજસેવાનો ઉલ્લાસ તો એટલો જ રહ્યો પણ એની પાછળનો ભાવ બદલાઈ ગયો. હવે એ અપેક્ષા રહિત બની ગયો. ન અહંકારની તૃપ્તિ, ન માન- સન્માનની અપેક્ષા. હવે છે તો બસ માત્ર કરુણાનો ભાવ1

હવે કોઈ ઈચ્છા નથી, કોઈ સંઘર્ષ નથી, કોઈ સ્પર્ધા નથી. જે કંઈ બચ્યું છે, તે છે — સંવેદનાનો કોમળ સ્પર્શ, કરુણાનો પ્રવાહ, અને સમગ્ર સૃષ્ટિ પ્રત્યેનો નિર્મળ પ્રેમ.

માન અને અપમાન હવે સમાન લાગે છે. મેળવવું કે ગુમાવવું — એ બધું નકામું લાગે છે. મોટા સમૂહમાં પણ મન અંતિમ પંક્તિના અંતિમ માણસની પાસે બેસવાનું પસંદ કરે છે.

કંઈક બનવા અને મેળવવા માટે કરેલા અસંખ્ય પ્રયાસો નિષ્ફળ રહ્યા કારણ કે તેમાં ‘હું’ હતું. જ્યારે આ ‘હું’ ઓગળી ગયું, ત્યારે જે દૂર ભાગતું હતું, તે સહજ રીતે નજીક આવવા લાગ્યું.

“હું કંઈ નથી” — આ નાનકડા સ્વીકારમાં જ એ અનંત આનંદ છુપાયેલો છે, જેને મેળવવા લોકો સંસાર છોડીને હિમાલય જેવા પર્વતો કે જંગલોમાં ભટકે છે — છતાં મનને સાથે લઈ જતાં હોવાથી તેને શોધી શકતા નથી.

જીવનનું અંતિમ સત્ય છે — મૃત્યુ. શરીરનો વિયોગ અનિવાર્ય છે. ક્યારે અને ક્યાં — તે અજ્ઞાત છે, પરંતુ આ સત્યનો સ્વીકાર જ જીવનને અસંખ્ય ભય અને બાધાઓથી મુક્ત કરી દે છે. જ્યારે જવાનું નિશ્ચિત જ છે, ત્યારે આટલી ગૂંચવણો શા માટે? 

માણસ સૌથી વધુ આનંદિત ત્યારે હોય છે, જ્યારે તે પ્રવાસે જાય છે — થોડા દિવસોની યાત્રા, અને ફરી પાછું એ જ જૂનું  કમઠાણ! પરંતુ જો જીવનને યાત્રા તરીકે સ્વીકારી લઈએ, તો આ આનંદ ક્ષણિક નહીં રહે — તે જીવનની એક સ્થિતિ બની જાય છે.  આપણે બધા મુસાફરો છીએ, અને બાકીના બધા સહયાત્રીઓ — તો પછી ટકરાવ શા માટે?

વિશ્વ વિજયી સિકંદર પણ અંતે નિર્બળ બન્યો. માતાને મળવાની અંતિમ ઈચ્છા પણ પૂર્ણ ન કરી શક્યો, થોડા શ્વાસ પણ ખરીદી શક્યો નહીં. તેથી કુદરતના પ્રવાહની વિરુદ્ધ ન જાઓ. બધું કુદરત પર છોડી દો!  તમે જે આપશો, તેનાથી હજારો  ગણું થઈને પાછું આવશે!

આ કોઈ ઉધારનું જ્ઞાન નથી, કે પુસ્તકોમાંથી લીધેલી વાતો નથી, આ તો જીવનયાત્રાના અનુભવોનો સાક્ષાત્કાર છે.  

— નેભાભાઈ કડેગિયા

લેખક પરિચય : નેભાભાઈ કડેગિયા કુતિયાણા તાલુકાના કડેગી ગામના વતની છે. ભૂતકાળમાં તેઓ સામાજિક અને રાજકીય ક્ષેત્રે રાજ્ય કક્ષાના સક્રિય અગ્રણી તરીકે જાણીતા રહ્યા છે. જનસેવા અને સમાજસેવાના કાર્યમાં તેઓએ ઊંડો રસ લીધો, પરંતુ સમય સાથે જીવનના અનુભવો દ્વારા તેમણે પોતાના અંતરના સ્તરે એક અનોખું પરિવર્તન લાવ્યા.
આ આત્મયાત્રા તેમને બહારની સફળતા, માન-સન્માન અને મહત્ત્વાકાંક્ષાની દોડમાંથી દૂર લઈ જઈ અંદરના શાંત અને સહજ સત્ય તરફ દોરી ગઇ. આજે તેઓ જીવનને યાત્રાનો એક એવો પડાવ માને છે, જ્યાં અહંકાર, ઈચ્છા અને સ્પર્ધાથી પર રહીને સહજતા, કરુણા અને પ્રકૃતિ સાથે એકરૂપ થવાનું મહત્વ સમજાવે છે. 
હાલમાં તેઓ અમેરિકાના એક એકાંતમય જંગલ વિસ્તારમાં પ્રકૃતિની નજીક, પોતાની નિજતા સાથે રહીને જીવનયાત્રાનો સહજ આનંદ માણી રહ્યા છે. ત્યાં તેમની આસપાસ માનવ વસાહતનો  બિલકુલ અભાવ છે. કોઈ ભારતીય તો ઠીક, માઈલો સુધી ત્યાંના સ્થાનિક વસાહતીઓ પણ જોવા નથી મળતા. ત્યાં છે માત્ર તેઓ, પ્રકૃતિ અને તેમનું એક નાનું નિવાસસ્થાન!
તેમના અનુસાર, જ્યારે માણસ પોતાની અંદર ઊતરે છે, ત્યારે પ્રકૃતિ અને પરમાત્મા વચ્ચેનો ભેદ ઓગળી જાય છે. આંખ ખોલતાં જ પરમાત્મા પ્રકૃતિના સ્વરૂપમાં આપણા સમક્ષ હાજર હોય છે — જરૂર છે તો માત્ર તેને ઓળખવાની, સમજવાની અને જાગવાની.
તેમનો જીવનસંદેશ સીધો અને સાદો છે — “આપણે કંઈ નથી, જે કંઈ  થઈ રહ્યું છે તે પરમાત્માની લીલા છે, અને જે મળે છે તે પરમાત્માનો પ્રસાદ છે!”

Sukalp Magazine