ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા મહેર જ્ઞાતિના પરંપરાગત સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવા અને નવી પેઢી સુધી પહોંચાડવાના ઉમદા હેતુથી પોરબંદરમાં એક દિવસીય “પાઘડી અને બાઠીયુ બાંધવાનો તાલીમ કેમ્પ” યોજાયો હતો. આ કેમ્પ રવિવાર, ૧૫ માર્ચ ૨૦૨૬ના રોજ પોરબંદરના શ્રી મહેર વિદ્યાર્થી ભવન ખાતે યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પૂજ્ય માં લીરબાઈ આઈ અને પૂજ્ય માલદેવ બાપુની સૂક્ષ્મ હાજરીમાં મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી.
મહેર જ્ઞાતિના દાંડિયા રાસ અને પરંપરાગત પહેરવેશ દેશ-વિદેશમાં અનોખી ઓળખ ધરાવે છે. આ પરંપરા પેઢી દર પેઢી જીવંત રહે અને યુવાનો સુધી તેની સાચી ઓળખ પહોંચે તેવા શુભ આશય સાથે આ તાલીમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.આ કેમ્પમાં મહેર જ્ઞાતિના અંદાજે ૪૦ જેટલા ભાઈઓ અને બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પાઘડી અને બાઠીયુ બાંધવાની ઝીણવટભરી તાલીમ મેળવી હતી. તાલીમ આપવા માટે નિષ્ણાત તરીકે મોહનભાઈ ઓડેદરા, રણમલભાઈ કેશવાલા, દેવાભાઈ ખૂટી અને લખુભાઈ બોખીરીયાએ માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે ઈન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના ઉપપ્રમુખ નવઘણભાઈ મોઢવાડિયા, કારાભાઈ કેશવાલા, અરજનભાઈ ખિસ્તરિયા, અરજનભાઈ બાપોદરા, યુવા પાંખના હમીરભાઈ ખિસ્તરિયા, સાંસ્કૃતિક સમિતિના ઉપપ્રમુખ ભોજાભાઈ આગઠ તથા સમાધાન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના મહામંત્રી બચુભાઈના માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવ્યું હતું, જ્યારે પ્રમુખ શ્રી વિમલજીભાઈએ તમામ તાલીમાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમના અંતે સહભાગીઓ માટે સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સંસ્થાએ આગામી સમયમાં બરડા અને ઘેડ વિસ્તારમાં પણ આવા તાલીમ કેમ્પો યોજવાની જાહેરાત કરી છે જેથી ગ્રામ્ય સ્તરે પણ યુવાનો પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલા રહે.



No Comments