શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા આયોજિત સન્માન સમારોહમાં સેવાની સુવાસ મહેકી
સનાતન ધર્મના પંથ પ્રવર્તક અને મહેર સમાજના આરાધ્ય દેવી પૂજ્ય માં લીરબાઈ આઈના ૧૫૦મા નિર્વાણ દિવસ નિમિત્તે રાણા કંડોરણા ખાતે યોજાયેલ ‘માં લીરબાઈ આઈ મહોત્સવ–૨૦૨૬’ ની ઐતિહાસિક સફળતાને બિરદાવવા માટે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ દ્વારા આયોજિત આ કાર્યક્રમ પોરબંદરના છાયા સ્થિત ડૉ. વિરમભાઈ રાજાભાઈ ગોઢાણીયા મહેર સમાજ ખાતે અત્યંત ભાવભર્યા અને ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થયો હતો. કાર્યક્રમની શરૂઆત પૂજ્ય માં લીરબાઈ આઈ અને પૂજ્ય માલદેવ બાપુની છબી સમક્ષ દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી. સંસ્થાના મહામંત્રી શ્રી બચુભાઈ આંત્રોલીયાએ ઉપસ્થિત જ્ઞાતિ અગ્રણીઓ, દાતાશ્રીઓ અને કાર્યકર્તાઓનું શબ્દપુષ્પોથી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.
સેવા અને ત્યાગનું સન્માન
રાણા કંડોરણા મહોત્સવને સફળ બનાવવા માટે જેઓએ તન, મન અને ધનથી ફાળો આપ્યો છે, તેવા રત્નોને આ તકે સન્માનિત કરાયા હતા. વિશેષ નોંધનીય બાબત એ હતી કે, મહોત્સવના આયોજન માટે માતાજીના સર્વે પૂજારીભાઈઓ , ભક્તજનો, ઉદાર ખેડૂતભાઈઓએ પોતાના ઊભા શિયાળુ પાકની ચિંતા કર્યા વિના કિંમતી જમીન નિઃશુલ્ક વાપરવા આપી હતી. આ નિઃસ્વાર્થ સેવા બદલ તમામ દાતાશ્રીઓ અને કાર્યકર્તાઓને માં લીરબાઈ આઈના પાંચ ધામની પ્રતિકૃતિ (સ્મૃતિચિન્હ) અને ઉષ્મા વસ્ત્ર અર્પણ કરી બિરદાવવામાં આવ્યા હતા
મહોત્સવના વધેલા ફંડનો ઉપયોગ શૈક્ષણિક હેતુ માટે કરવામાં આવશે: વિમણજીભાઈ ઓડેદરા
સંસ્થાના પ્રમુખ સેવક શ્રી વિમણજીભાઈ ઓડેદરાએ મહોત્સવની સફળતાનો શ્રેય સમગ્ર સમાજને આપતા જણાવ્યું હતું કે: માં લીરબાઈ આઈએ ચીંધેલા માર્ગે ચાલીને સમાજે જે એકતા બતાવી છે તે અભૂતપૂર્વ છે. મહોત્સવ દરમિયાન પ્રાપ્ત થયેલ અનુદાન અને થયેલા ખર્ચનો સંપૂર્ણ હિસાબ પારદર્શક રીતે રજૂ કરવામાં આવ્યો છે. ખર્ચ બાદ જે રકમ બાકી રહેશે, તેનો ઉપયોગ સમાજના શૈક્ષણિક કાર્યો માટે કરવામાં આવશે.
કાર્યકરો અને આગેવાનોની વિશાલ ઉપસ્થિતિ:
આ પ્રસંગે માં લીરબાઈ આઈ ના પ્રમુખ પાંચ ધામમાંથી કેશવ મંદિરના પૂજારી કેશુભગત કેશવાલા, શિશલી મંદિરના પૂજારી ભાવેશભગત ઓડેદરા તેમજ રાણા કંડોરણા મંદિરના પૂજારીના પરિવારમાંથી જગાભાઈ કેશવાલા, પૂર્વસાંસદ શ્રી ભરતભાઈ ઓડેદરા, સ્થાપક પ્રમુખ શ્રી ડૉ. વિરમભાઇ ગોઢાણીયા, સંસ્થાના પ્રમુખસેવક શ્રી વિમણજીભાઈ ઓડેદરા, સ્વામી પરમાત્માનંદગિરી મહારાજ, ઓડદર ગોરખનાથ મંદિરમાં મહંત ગોપાલનાથબાપુ, સંસ્થાના મહામંત્રીશ્રી બચુભાઈ આંત્રોલીયા, ઉપપ્રમુખશ્રી લાખાભાઈ કેશવાલા, નવઘણભાઈ મોઢવાડીયા, કારાભાઈ કેશવાલા, અરજનભાઈ ખીસ્તરીયા, કોષાધ્યક્ષ આલાભાઈ ઓડેદરા, રાજકોટ થી ભીમભાઇ કેશવાલા, અરજણભાઇ કેશવાલા, મહેર ઓફિસર ગ્રુપ માં સભ્યો, છાયા મહેર સમાજના પ્રમુખશ્રી ભીમાભાઈ ઓડેદરા, સામતભાઈ ઓડેદરા જામનગર મહેર સમાજના પ્રમુખશ્રી વેજાભાઈ ગોરાણીયા, જામનગર સિટી કાઉન્સિલના પ્રમુખ શ્રી ખીમાભાઇ ગોરાણીયા, રાજકોટ સિટી કાઉન્સિલના પ્રમુખશ્રી નાગેસભાઈ ઓડેદરા, જુનાગઢ સિટી કાઉન્સિલના પ્રમુખ શ્રી રાજુભાઈ રાતીયા, અમદાવાદ ગાંધીનગર સિટી કાઉન્સિલના પ્રમુખ શ્રી અર્જુનભાઈ કડેગિયા, મહેર શક્તિસેના પ્રમુખશ્રી કરશનભાઈ ઓડેદરા, બરડા વિકાસ સમિતિના પ્રમુખશ્રી ભીમાભાઇ સુંડાવદરા, ઘેડ સામાજિક વિકાસ સમિતિના સભ્ય વિરમભાઇ પરમાર, રાણાવાવ નગરપાલિકાના પ્રમુખ શ્રી ગીતાબેન ભૂતિયા, દેવભૂમિ દ્વારકા જિલ્લાના તાલુકા વિકાસ અધિકારી રાણાભાઇ ઓડેદરા, મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખશ્રી શાંતિબેન ઓડેદરા, રાણા કંડોરણા તેમજ આસપાસના કાર્યકર્તા ભાઈઓ બહેનો તેમજ બહોળી સંખ્યામાં માતાજીના ભક્તજનો , દેશવિદેશથી દાતાશ્રીઓ, આગેવાનો, કાર્યકર્તા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી પોપટભાઈ ખુંટી દ્વારા કુશળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે સંસ્થાના ઉપપ્રમુખ શ્રી અરજનભાઈ ખિસ્તરીયાએ આભારવિધિ વ્યક્ત કરી હતી.















No Comments