શ્રી સમસ્ત મહેર સમાજ – શ્રી ઈન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સિલ આયોજિત મહેર નવરાત્રી રાસોત્સવ – ૨૦૨૪ના ગઇકાલે આઠમા દિવસે પણ સમગ્ર ગ્રાઉન્ડ સમાજના ખેલૈયાઓ અને તેઓને નિહાળવા પધારેલ જ્ઞાતિજનોથી છલકાય ગયું હતું. જે આ કાર્યક્રમ અને તેના આયોજનની ભવ્ય સફળતાની સાબિતી આપે છે. રાસોત્સવના કેમેરાના કસબીઓએ ગઈકાલે ડ્રોન કેમેરાની મદદથી આપણી  અને અન્ય ગરબીઓના દૃશ્યો કેમેરામાં કંડારી સરખામણી કરી હતી. જેમાં અન્ય ગરબીઓની સરખામણીમાં આપણી ગરબીમાં ખૂબ મોટી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હોવાનુ દૃશ્ય સ્પષ્ટપણે દૃષ્ટિગોચર થઇ રહ્યું હતું.
નવરાત્રિની અષ્ટમી પર દેવીની વિશેષ પૂજા કરવાની પરંપરા છે. જે ત્રેતાયુગથી ચાલી આવે છે. નવરાત્રીની આઠમ એટલે એ દિવસ જ્યારે શ્રી રામે રાવણ પર વિજયની ઈચ્છા સાથે શક્તિની પૂજા કરી હતી. આ પછી દ્વાપર યુગમાં પણ શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને શરદઋતુની અષ્ટમી તિથિ એટલે કે દુર્ગાષ્ટમી પર દેવીની પૂજા કરવાની રીત જણાવી હતી. દેવી મહાપુરાણ અનુસાર અષ્ટમીના દિવસે દેવી પ્રગટ થયા હતા અને ભૈરવ પણ આ તિથિએ પ્રગટ થયા હતા. દુર્ગાષ્ટમી વિશે માર્કંડેય પુરાણમાં પણ કહેવામાં આવ્યું છે કે આ તિથિએ દેવીની પૂજા કરવાથી દરેક સમસ્યા દૂર થાય છે અને દરિદ્રતા ક્યારેય આવતી નથી. માતાજીના સ્વરૂપની આ પ્રાસંગિકતા અનુસાર મહેર મહિલા મંડળના બહેનો દ્વારા માતાજીનો શણગાર કરવામાં આવ્યો હતો અને તે મુજબ માતાજીની આરતી સાથે નવરાત્રિના આઠમા પર્વની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. જેમાં સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા તથા સંસ્થાના હોદ્દેદારો સર્વે શ્રી લાખાભાઈ કેશવાલા, નવઘણભાઈ મોઢવાડીયા, કારાભાઈ કેશવાલા, અરજનભાઈ ખિસ્તરિયા, ભોજાભાઈ આગઠ વગેરે જોડાયા હતા.
આરતી બાદ રોજના નિર્ધારિત આયોજન મુજબ બહેનો અને ભાઈઓના તાળી રાસ, મિક્ષ રાસ વગેરે રાસના વિવિધ સ્વરૂપોનો રંગ ખેલૈયાઓએ મન ભરીને માણ્યો  હતો. વચ્ચે વચ્ચે થતાં ઉદ્ઘોષણાઓમાં સોનું ખરીદવાનું થાય ત્યારે, આ રાસોત્સવમાં જાહેરાતના માધ્યમથી ખૂબ મોટું  યોગદાન આપનાર ઉપલેટાના ડી. ડી. જવેલર્સને ત્યાંથી ખરીદી કરવાની અપીલ કરવામાં આવી હતી અને આ અપીલ શા માટે કરવી પડી એની કારણો સાથેની વિસ્તૃત ચોખવટ પણ જ્ઞાતિજનો સમક્ષ કરવામાં આવી હતી. ભારતના ઉદ્યોગરત્ન દિવંગત રતન  ટાટા સાહેબને પણ કાર્યક્રમમાં યાદ કરવામાં આવ્યા હતા અને તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે બાળકો, ભાઈઓ અને બહેનોમાંથી વિભાગવાર શ્રેષ્ઠ ખેલૈયાઓને ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
આજે આ કાર્યક્રમમાં સંસ્થાના પ્રમુખ શ્રી વિમલજીભાઈ  ઓડેદરા ઉપરાંત જિલ્લા પંચાયતના ભૂતપૂર્વ પ્રમુખ શ્રી રાજશીભાઈ પરમાર, ભીમભાઇ ગોરસીયા,વિક્રમભાઈ ઓડેદરા, વકીલ કનુભાઈ ઓડેદરા,જેઠાભાઈ ગંગોત્રી વાળા, વિરમભાઇ ઓડેદરા, વ્હીલચેર ક્રિકેટર ભીમભાઇ ખુંટી વગેરે  ઉપસ્થિત રહ્યા હતા.
નવરાત્રિના સાતમા દિવસે વરસાદની પરિસ્થિતિ ધ્યાને લઇ આયોજન સમિતિ દ્વારા રાસોત્સવનો પ્રવેશ ફ્રી કરી નાખવામાં આવ્યો હતો. આ દિવસે  વરસાદી વાતાવરણમાં પણ ખેલૈયાઓનો ઉત્સાહ બમણો હતો. બહેનોના પ્રથમ રાઉન્ડ પૂર્ણ થયા ચાલુ થયેલા ધોધમાર વરસાદમાં પણ ખાલી ઢોલના તાલે ભાઈ બહેનો ઝૂમી ઊઠ્યા હતા અને મોસમની સાથે નવરાત્રીની બેવડી મજા માણી હતી.  પરંતુ વધતા જતા વરસાદને કારણે સંસ્થા દ્વારા ગઠિત ડિઝાસ્ટર  મેનેજમેન્ટ કમિટી દ્વારા આગળનો કાર્યક્રમ સ્થગિત કરવો પડેલ હતો જેની કસર ખેલૈયાઓ આઠમા નોરતે વાળી લીધેલ હતી.
નવરાત્રીના નવમા દિવસે સ્પર્ધાની ફાઈનલ હોવાથી વિજેતાઓને તેઓએ પરંપરાગત એટલે કે નવરાત્રિની થીમ ઉપરના પહેરવેશ પહેરીને જ આવવાની વિનંતી  પણ   આયોજકો દ્વારા સ્પર્ધકોને જણાવવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું રસાળ શૈલીમાં સુંદર સંચાલન ભાઈ શ્રી પોપટભાઈ ખુંટી અને જયેન્દ્રભાઈ ખુંટી દ્વારા કરવામાં આવ્યું હતું. નવરાત્રી રાસોત્સવના આ સમગ્ર આયોજનમાં સંસ્થાના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા અને મહામંત્રી બચુભાઈ આંત્રોલીયાના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ તેમજ નવરાત્રી સમિતિના અધ્યક્ષ અરજનભાઇ ખિસ્તરીયા , ઉપપ્રમુખ તેમજ સહઅધ્યક્ષ નવઘણભાઈ બી મોઢવાડીયા, કન્વીનર જયેન્દ્રભાઈ ખુંટી તેમજ પરબતભાઈ કેશવાલા સાથે સંસ્થાના કાર્યકર્તાઓ તથા મહેર મહિલા મંડળના બહેનો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *