નાજુક કોમળ નમણી નાર નાગરવેલ સમાન નાની નટખટ મેરાણી,
સુંદર સુશીલ સુમધુર રાગમાં નીતરતી હોય એની પ્રેમાળ વાણી,
સૌને માટે જાણે સાક્ષાત પરચા બતાવનારી માતા સમાન જોગણી,
પાટણના પટોળાં સમાન માથે આભલા ટીલડીવાળું સુંદર પટોળું,
અલગ ચમક દમકવાળું સુંદર ઝગમગાટવાળું રંગબેરંગી કાપડું,
લાલ,મરુંન ઘાટા ઘેરા રંગોમાં નાની મીનાકારીવાળું ઘટાદાર પેરણ ,
કાનમાં તોલાનો ના આવે પાર એવા મોટા વજનદાર વેઢલા,
પગમાં તાંબા,સોના,ચાંદી મઢેલા કાંબિયું ને સાથે હાથમાં કડલા ,
ગળામાં હિરલા જડિત આભૂષણોની હાર જાણે સોના મહોર બનેલા,
પગમાં મોતી જડેલી પ્રખ્યાત મોજડીની જેમ વટ પાડે એના ચવલા,
મેરાણી એને સોનાની ખરી પરખ કરનારી એક બને ઝવેરી,
અજાણ વાતોનો મૂળમાંથી તાગ મેળવી ઉકેલ લાવનારી,
આજુબાજુની સામાજિક પરિસ્થિતિને યોગ્ય રીતે સંભાળનારી,
આ દુનિયામાં એક શક્તિ એવી આ મેરાણી,
એનું અખંડ રૂપ નીરખતા ભલભલાના પણ અંજાય જાય છે પ્રકાશિત નેણ,
બોલે એક વેણ પણ કાઠીયાવાડી ભાષામાં બને હજારો વેણ,
મેદાને પડનારને સામે લડનારને જો એમની ઓકાત ના બતાવે એ આ મેરાણી નહિ,
સારાઈ સામે સરખી રીતે અને ખોટા સામે બને એ દુર્ગા અવતારી,
માનમા પહેલે, અપમાનમાં એને વ્હાલું મોત, આબરૂ એમના ખૂનમાં,
પોતે દુનિયાના દુઃખ સહન કરવાની રાખે ત્રેવડ, બીજાને રાખે સુખમાં,
એક વીર શૂરા શૂરવીર ને આધીન એ મેરની ખરી મેરાણી,
ખરે સમયે સામ,દામ,દંડ,ભેદની નીતિને યોગ્ય રીતે વાપરનારી,
આંધળા ને માર્ગ બતાવનારી સૌને ક્ષતિ મતિ પ્રમાણે સુધારનારી,
જેની એક ત્રાડની સામે જંગલનો રાજા સિંહ પણ માંડી રહે મિટ એ છે મેરાણી,
અંધકારના દૂષણને ભાંગીને સંસાર રૂપી સદવિચારોનું સિંચન કરનારી,
આજે દેશ વિદેશમાં રહીને પણ અમીરવંતી,વીરતાભરેલી હિંમતવાળી,
ચારે બાજુ શૂરવીરતાની આગ ફેલાવનારી છે એક મેર ક્ષત્રિયાની,
ત્યાગ,સમર્પણ,બલિદાન વગેરે જેવા અનેક ગુણો છે અર્પણ,
જરૂર પડે ત્યારે સંઘર્ષાત્મક સમયે બને છે એ સતીત્વનું દર્પણ,
સતીત્વની જ્વલંત જ્વાળાએ બેસનારી સતીઓ છે એવી આ ખમીરાતી મેરાણી,
શક્તિમા, ભક્તિમાં, દાતારીમાં, શૂરવીરતામાં શોર્યતાથી લડનારી,
સંસારી સાથે પણ આધ્યાત્મિકતાના યોગી માર્ગે ચાલનારી,
માણસાઈમાં, સેવામાં પરોપકારમાં હંમેશા આગળ રહેનારી,
વેદ,પુરાણ,ગ્રંથની વાતો શૂરા બાળવીરને સંભળાવનારી,
જેની કુખે જન્મ એવી દેવતાઈ, ભક્તિવાન,દરિયાદિલ એવી આ છે મેરાણી,
ગામે ગામ છે દેવતાઈ ક્ષત્રિયાણી ના રૂડા બેસણા,નમુ માં જોગણી,
સતી જતી દેવી એવી માતા લીરલ,પુતલ સતની કુખે અવતારી માં જોગણી,
ક્ષત્રિયની ક્ષત્રિયણીનું વર્ણન કઠિન છે પણ ન રહેવું જોઈએ આપણી કોઈ શાખાથી અજાણ,
આવી આ મેરની નાતમાં દરેકને મીઠો આવકાર તથા સદા હોય છે એમના ઘરના ખુલ્લા કમાન,
શોર્યતાથી ભરેલી,માથે તિલક કરનારી, વીર ગતીને પણ પામનારી,
રણમેદાનમાં બને એ રણચંડી, અવતાર ધરીને માં મહેશ્વરી શક્તિ,
ઘોડેસવારી, તલવાર ,પટ્ટાબાજી જેના ખૂનમાં દોડે છે એ છે મેરાણી,
દેશ પરદેશમાં નામના મેળવનારી, મેરાણીને કુખે જન્મ લેનારી,
આપણને ગર્વ છે કે ક્ષત્રિયતાના ગુણ આપણને વારસામાં મળેલા છે,
નાની અમથી મારી મતિ પ્રમાણે કરો વર્ણન, મેરાણી માટે તો ખૂટે છે શબ્દોની ઘટમાળ,
થોડાક અંશોમાં વર્ણવવાની કોશિશમાં છે આપની આ નાની દીકરી શીતલ,
ગર્વ છે મને મારા મેર કુળમાં એક મમતા ભરેલી મેરાણીની કુખે મારો જન્મ હોવાનું,
ધન્ય છે આ જગની જનની જનેતા મેરની મેરાણીને,
જગમાં જય જયકાર થાય આવી વીરાંગના મેરાણીઓની…
– બોખીરીયા શીતલ (શક્તિ રાજશાખા)

No Comments