શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ શિક્ષણ, યુવા સશક્તિકરણ અને સમાજના સર્વાંગી વિકાસ માટે સમર્પિત સંસ્થા છે. સંસ્થાના પ્રમુખ સેવક શ્રી વિમલજીભાઈ ઓડેદરાના માર્ગદર્શન હેઠળ સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધે, યુવાનો સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરે, ઉચ્ચ કારકિર્દીનું નિર્માણ કરે અને સમગ્ર સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે વિવિધ શૈક્ષણિક, કારકિર્દી માર્ગદર્શન, વ્યક્તિત્વ વિકાસ અને જાગૃતિના કાર્યક્રમોનું આયોજન સમયાંતરે કરવામાં આવે છે. ગુણવત્તાસભર માર્ગદર્શન દ્વારા યુવાનોને આત્મનિર્ભર અને સમાજના સર્વાંગી વિકાસમાં સહભાગી બનાવવો એ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ છે.

ગુજરાત સરકાર દ્વારા વર્ષ 2026-27 દરમિયાન ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB) સહિત વિવિધ સરકારી વિભાગોમાં મોટા પ્રમાણમાં આવનારી ભરતીને ધ્યાનમાં રાખી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળે તે હેતુથી શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ અને રાજકોટ સીટી કાઉન્સિલના સંયુક્ત ઉપક્રમે તારીખ 7 જુલાઈ 2026 ના રોજ રાત્રે 9:00 કલાકે ઝૂમ પ્લેટફોર્મ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષા ઓનલાઈન માર્ગદર્શન સેમીનાર યોજવામાં આવ્યો હતો જેમાં વિવિધ જિલ્લાઓમાંથી મોટી સંખ્યામાં યુવાવર્ગ ઉત્સાહપૂર્વક જોડાયા હતા.
વેબિનારની શરૂઆતમાં સંસ્થાના મહામંત્રી શ્રી બચુભાઈ અંત્રોલીયા દ્વારા સંસ્થા દ્વારા આયોજિત સ્પર્ધાત્મક પરીક્ષા માર્ગદર્શન સેમિનારમાં ઉપસ્થિત સર્વે યુવા વર્ગ તેમજ સંસ્થાના હોદ્દેદારો અને માર્ગદર્શક દેવશીભાઈ મોઢવાડિયાનું સ્વાગત કરી સંસ્થા હરહમેશ જ્ઞાતિના શૈક્ષણિક વિકાસ માટે કટિબધ્ધ છે તેમજ સમય સમયાન્તરે ઓનલાઈન તેમજ ઓફલાઈન સ્પર્ધાત્મક પરીક્ષાના માર્ગદર્શક સેમિનાર તેમજ ક્લાસીસનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવી રહ્યું છે તેવું જણાવ્યું હતું.

વેબિનારના મુખ્ય માર્ગદર્શક તરીકે શ્રી દેવશીભાઈ મોઢવાડિયા કે જેઓ રાજકોટ સીટી કાઉન્સિલમાં સ્પર્ધાત્મક પરીક્ષાના મંત્રી તેમજ આરંભ વિદ્યાપીઠ રાજકોટ અને ગાંધીનગરના સંસ્થાપક તરીકે પોતાની સેવા આપી રહ્યા છે તેમણે આવનારી પરીક્ષાઓ માટે કઈ પ્રકારની પરીક્ષા પદ્ધતિઓ, અભ્યાસની રણનીતિ, સમય વ્યવસ્થાપનની સ્માર્ટ તૈયારી અને વિવિધ ભરતી પરીક્ષાઓની સફળતા માટે જરૂરી માર્ગદર્શન તેમજ પ્રોત્સાહન પૂરું પાડી વિદ્યાર્થીઓના પ્રશ્નોના સરળ અને સચોટ જવાબ આપ્યા હતા. ” ખાલી પડેલ જગ્યાઓમાંથી એક જગ્યા મારી જ છે ” તેવો અભિગમ અપનાવાની હાકલ કરી તેઓએ વિદ્યાર્થીઓનો આત્મવિશ્વાસ વધાર્યો હતો.

કાર્યક્રમના અંતે રાજકોટ સીટી કાઉન્સિલના પ્રમુખ તેમજ સંકલનકર્તા ડો.લીલાભાઈ કડછાએ માર્ગદર્શક શ્રી દેવશીભાઈ મોઢવાડિયાનો આભાર વ્યકત કરેલ તેમજ ઓનલાઇન જોડાયેલા વિદ્યાર્થીઓ તેમજ યુવા વર્ગનો અને શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલનો આભાર વ્યક્ત કર્યો હતો અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ આગામી સમયમાં યોજનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ભાગ લે અને સફળતાના શિખરો સર કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન રાજકોટ સીટી કાઉન્સીલના શિક્ષણમંત્રી તથા કવિ દાદ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, પડધરીના પ્રોફેસર ડૉ.રાજીબેન કડછાએ અસરકારક રીતે કર્યું હતું.

સમગ્ર માર્ગદર્શક સેમિનાર સંસ્થાની યુટ્યુબ ચેનલ પર ઉપલબ્ધ છે. વધુ માહિતી તેમજ વર્ષ 2026-27ના સરકારી ભરતી નું કેલેન્ડર માટે સંસ્થાના મો. 99748 08900 પર સંપર્ક કરવા જણાવેલ. વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ વેબીનારને અત્યંત ઉપયોગી ગણાવી આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો. આયોજક સંસ્થાઓએ ભવિષ્યમાં પણ શિક્ષણ, કારકિર્દી માર્ગદર્શન અને યુવા વિકાસને કેન્દ્રમાં રાખી આવા વધુ લોકોપયોગી કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.

Sukalp Magazine