અમેરિકાના કનેક્ટિકટ રાજ્યના નોર્થ હેવન શહેર ખાતે તાજેતરમાં પૂજ્ય ડૉ.જ્ઞાન વત્સલ સ્વામીજીના પ્રેરણાદાયી પ્રવચનનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો. BAPS સ્વામિનારાયણ સંસ્થાના આ કાર્યક્રમમાં ભારતીય સમાજના વિવિધ વર્ગોના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.  

આ કાર્યક્રમમાં આપણા મહેર સમાજના અગ્રણી દાનવીર અને સમાજપ્રેમી શ્રી ભીમાભાઈ સવદાસભાઈ મોઢવાડિયા કાર્યક્રમના મુખ્ય મનોરથીઓમાં રહ્યા હતા. તેમના સહયોગ, સેવાભાવ અને કાર્યક્રમ પ્રત્યેની નિષ્ઠાને માન આપતા પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીજીએ જાહેરમાં તેમનું સન્માન કર્યું હતું, જે મહેર સમાજ માટે ગૌરવની ક્ષણ બની હતી.

આ પ્રસંગે તેમના બનેવી શ્રી લાખણશીભાઈ કેશવાલા પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. બંનેએ ઉપસ્થિત મહાનુભાવો સાથે મુલાકાત કરી કાર્યક્રમને સફળ બનાવવા આયોજકોને સહકાર આપ્યો હતો.

પ્રવચન દરમિયાન સ્વામીજીએ સેવા, સંસ્કાર, આધ્યાત્મિક વિકાસ અને જીવનમાં સકારાત્મક દૃષ્ટિકોણ અપનાવવાના વિષયો પર સરળ અને અસરકારક માર્ગદર્શન આપ્યું. તેમના વિચારોને ઉપસ્થિત શ્રોતાઓએ ખૂબ જ રસપૂર્વક સાંભળ્યા અને જીવનમાં ઉતારવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.  

આ કાર્યક્રમ માત્ર ધાર્મિક કે આધ્યાત્મિક પ્રસંગ નહોતો, પરંતુ વિદેશમાં વસતા ભારતીયોઓને એકત્રિત થવાની અને પરસ્પર સંબંધો વધુ મજબૂત બનાવવાની પણ ઉત્તમ તક બની હતી. આવા પ્રસંગમાં શ્રી ભીમાભાઈ મોઢવાડિયાના સન્માનથી કનેક્ટિકટમાં વસતા મહેર સમાજમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી હતી.

કાર્યક્રમના અંતે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું અને સૌએ આયોજકો તથા પૂજ્ય સ્વામીશ્રીનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.  

Sukalp Magazine