- Home
- Literature
- અંતિમ અભ્ય ...

ફુલ જેવા માસૂમ અને કરુણા થી ભરેલા કોમળ હૃદય સાથે અવતરેલ માનવદેહ ધીમે ધીમે પા પા પગલાં ભરી જીવન માં સ્થિર કે સ્થાઈ થવા અલગ અલગ અભ્યાસ ની શરુઆત કરે. બોલવા ચાલવાથી લઈ માનવભાષા સમજવાનો અભ્યાસ, જીવન નિર્વાહ માટે પ્રાથમિક શિક્ષણથી લઈ વારસાગત વ્યવસાયોનો અભ્યાસ, આની પૂર્ણતા બાદ અભ્યાસ કે અનુભવને આધાર બનાવી નોકરી ધંધા કે પરિવારક વ્યવસાય સાંભળવાની સાથે સાથે સંસાર પ્રવેશ….
ક્યાંક પ્રતિસ્પર્ધા તો ક્યાંક દેખા દેખી તો ક્યાંક અહંકાર ના અશ્વ પર બિરાજી એને તૃપ્ત કરવા એમાં જ રચ્યા પચ્યા રહેવું અથવા તો મન નિર્મિત મહત્વાકાંક્ષાની દોડમાં જ અટવાઈ જવું.. જાણે આ દોડનો કોઈ અંત જ ના હોઈ એમ મન એમાંજ અટવાઈ જાય. બેહોશી ત્યાં સુધી છવાઈ જાય કે હું મન નથી ની સાચી સમજણ પણ વિસરાઈ જાય. હું શરીર નથી એ વાત થી પણ અજાણ રહી જાય,
સફળતા માં છકી જવું ને નિષ્ફળતા માં ભાંગી પડવું કે દુઃખી થવું એ મનોદશા બની જાય, જાણે મન માલિક અને માનવ મન નો ગુલામ થવા જ જન્મ્યો હોય.
જીવન નો અંતિમ અને અતિ આવશ્યક અભ્યાસ મન નો અભ્યાસ, એમાંથી ઉદભવતા વિચારો નો અભ્યાસ કરવાનું જ વિસરાઈ જાય,
મન ક્યાં તો ગઈકાલ માં મહાલતું હોઈ અથવા આવતીકાલ ના આયોજનો માં જ વ્યસ્ત હોઈ અને શાંતિ લુપ્ત થઈ જાય, ગઈકાલ કે આવતીકાલ ગમે તેટલી સફળ કે મહાન લાગે પણ સુખ સંતોષ કે શાંતિ આપનારી જ હોવું અસંભવ,હા સગવડ કે સુવિધા આપનારી ચોક્કસ હોઈ શકે, પણ સગવડ કે સુવિધા માનસિક શાંતિ અર્પે જ તે જરૂરી નથી, સારું ખરાબ જે કઈ પકડી ને બેસી જઈએ એજ દુઃખ પીડા અને મનોવ્યથા નું કારણ બને.
વાસ્તવિકતા તો એ છે કે ગઈકાલ અને આવતીકાલ ની મન પર ની પકડ જ દુઃખ પીડા અને મનોવ્યથા નું કારણ છે, એ વાત થી પણ માણસ અજાણ હોઈ,આને એક પ્રકાર ની બેહોશી કઈ શકાય, આ બેહોશી ને જ જીવન ની પ્રક્રિયા સમજી એ મુજબ જીવવા માંડ્યા એટલે મન નો અભ્યાસ અભેરાઈ પર ચડી ગયો, શું આ દુઃખ પીડા મનોવ્યથા ને સમજી એનો ઉપચાર સંભવ છે ? જવાબ છે, હા,
માનવજીવન ના અંતિમ અભ્યાસ એટલે કે મન નો અભ્યાસ,તમામ અભ્યાસો નું આભૂષણ છે, આ અભ્યાસ ની શરુઆત એટલે મન દ્વારા ઉદભવતા વિચારો નો સાક્ષીભાવે જોવા નો અભ્યાસ, ના રોકવાનો પ્રયાસ, ના પકડવાનો પ્રયાસ.
ગઈકાલ અને આવતીકાલની માયાજાળ ને તોડવા જે ક્ષણે જ્યાં હોઈ કે જે કઈ કરતા હોઈ એ ક્ષણ માં જ જીવવું એમાંજ ધ્યાન પરોવવું, જન્મો જન્મ થી માલિક બની જીવતું મન તમને સ્થિત કે સ્થિર નહીં થવા દે,પોતે પણ અહીં થી ત્યાં ને ત્યાંથી અહીં આડુ અવળું ભાગશે અને તમને પણ દોડાવશે,પણ ગહન અભ્યાસ અને સખત તાલીમ અને જાગરુક બની જીવવાથી એક સમય આવે કે તમે મન ના માલિક બની શકો,માલિક બનવું અઘરું તો છે પણ અસંભવ તો નથી જ,દરેક દુઃખ, કલ્પના ના ઘોડા ઉપર ની સવારી, આવતીકાલ ની અસલામતી નો ભાવ કે કાલ્પનિક ભય પણ મન ની જ ઉપજ છે,વાસ્તવિકતા એ છે કે વાસ્તવિક ભય કરતાં ભય ની કલ્પના વધુ પીડાદાયક હોઈ,ભય નો પણ સહજ સ્વીકાર અને સામનો જ ભયમુક્ત બનાવે, ભય ની ઓળખ નિર્ભય બનવાનું પ્રથમ પગથિયું.
શરૂઆત શ્વાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાના પ્રયોગ થી થઈ શકે, જે કઈ પણ કરીએ ખૂબ હોંશપૂર્વક, જમવાનું બનાવીએ, જમીએ, વાહન ચલાવીએ કે ચાલવા નીકળીએ,પૂર્ણ હોશ સાથે, ચાલો તો પણ હોંશપૂર્વક, નજર ની સાથે સાથે ધ્યાન પણ ધરતી પર, વૃક્ષો કે નરી આંખે જે સામે દેખાઈ તેના પર કેન્દ્રિત રાખવું, સવારે આંખ ખુલે ત્યારથી રાતના આંખ બંધ થાય ત્યાં સુધી દરેક ક્ષણ ને જે તે ક્ષણ માં જ જીવવું,લાંબી યાત્રા બાદ એક સમય એવો આવે કે જીવનની દરેક પ્રક્રિયા જ ધ્યાન બની જાય,બાદમાં ના ધ્યાનમાં બેસવાની જરૂરત,ના ધ્યાન કરવાની,જીવન જ ધ્યાન માં રૂપાંતરિત થઈ જાય.
આ મનોદશા કે માનસિકતા એટલે તમામ દુઃખ પીડા વ્યથાઓ નું નિવારણ,આ જ મુક્તિ,સદીઓ પહેલા ઋષિયુગ માં વાનપ્રસ્થ આ અભ્યાસ નો જ ભાગ હતો,વાનપ્રસ્થ એક અદભૂત વ્યવસ્થા હતી જેમાં લગભગ બધું છોડી સ્વની શોધ માં મન થી મુક્ત થવાનો ગહન અભ્યાસ ની તક ઉપલબ્ધ હતી.
પાનખર આવે એટલે પાંદડા ઓ ખરી પડે, નવી કુંપણો જન્મ લે, વાવાઝોડા માં વૃક્ષો ધરાશાયી થાય,આ બધા પ્રકૃતિ ના નિયમો છે,સહજ પ્રક્રિયા કહો કે સાશ્વત,આખરે તો માનવ પણ પ્રકૃતિ નું જ સર્જન છે, તો એમાંથી બાકાત કઈ રીતના રહી શકે ? માનવદેહ નું લુપ્ત થવું પણ પ્રકૃતિ નો જ નિયમ, મૃત્યુ જન્મ ની સાથે જ અવતરિત થતું હોઈ, પ્રકૃતિ ના નિયમ મુજબ એનો પણ સહજ કે સહર્ષ સ્વીકાર ભાવ,
જીવન અને મૃત્યુ અલગ અલગ કે બે નથી,એકજ અથવા એકજ સિક્કા ની બે બાજુ, પરંતુ માંદગી કે દેહત્યાગ વખતે પણ હોશ માં રહેવું,જીવન ના છેલ્લા શ્વાસ ને પણ સજાગ અવસ્થા માં ધ્યાન પૂર્વક જોવો એટલે મૃત્યુ ભય નહી પણ પણ મહાઉત્સવ બની જાય, જાણે પાનખર આવી પાન નું ખરવું અને નવી કુંપણ બની ફરી અવતરિત થવાની તૈયારી.
શરતચૂક થી મન ના અભ્યાસ નો અવસર ચૂકી જનાર કે વિસરી જનાર મિત્રો ને જીવન ના અંતિમ અભ્યાસ ને સહર્ષ યાદ કરાવવાનો વિનમ્ર પ્રયાસ.
- નેભાભાઈ કડેગિયા

