વટ એટલે માત્ર બહારથી દેખાતી શક્તિ નહિ, પણ આંતરિક મનોબળ, ગંભીરતા અને વ્યવહારુ પડકારોને સહન કરવાની ક્ષમતા. વટ એ વ્યક્તિની એવી આંતરિક શક્તિ છે કે જે તેનામાં મુશ્કેલીઓ, સમસ્યાઓ કે સામાજિક દબાણ સામે સ્થિર અને દૃઢ રહેવાની ક્ષમતા આપે છે. “વટ એટલે સામાજિક પ્રતિષ્ઠા, ધીરજ, કુશળતા, વૈચારિક સમૃદ્ધિ અને સમજદારી.

વચન એટલે હૃદયના ભાવથી કોઈને આપેલું વાયદો /પ્રતિજ્ઞા/પ્રોમિસ જેનો અર્થ છે કે આપણે કંઈક કહ્યું છે અને તેને પાળવું આવશ્યક છે. વચન તોડવું માનવતા અને ધર્મ બંનેના વિરુદ્ધ ગણાય છે. ધર્મગ્રંથો પ્રમાણે “વચન પાળવું” એ મનુષ્યના શ્રેષ્ઠ ગુણોમાં ગણાય છે. વચન આપવું એ સરળ છે, પણ તેને નિભાવવું એ મહાનતા છે. લગ્ન પણ પતિ પત્નીએ આપેલ એકબીજાને આપેલ વચન જ છે.
પહેલાના જમાનામાં જૂબાનની કિંમત હતી અને લોકો વચનના પાકા હતા જીવના ભોગે પણ વચન પાળતા એટલેજ કહેવત પડી
પ્રાણ જાય પણ વચન ના જાય.

વીરતા એટલે હમેશાં તલવાર ચલાવવી નહીં પણ ન્યાય અને સત્યના માર્ગે અડગ રહેવું. મન, વચન અને કાર્યથી સામે આવતી અપરિચિત કે ભયજનક પરિસ્થિતિનો સામનો કરવાનો શૌર્યસભર ગુણ છે. વીરતા એટલે ગમે તેવી પરિસ્થિતિમાં આત્મબળથી અડગ રહેવું. પારિવારિક સામાજિક રાજકીય કે ધાર્મિક અન્યાય સામે કુશળતાથી ખંતપૂર્વક લડવું. ટૂંકમાં વટ એટલે પ્રતિષ્ઠા સાથે સમાજમાં ધીરજપૂર્વક અને દૃઢપણે ઊભા રહેવાની શક્તિ અને આત્મબળ. વચન એટલે સત્યનિષ્ઠા, પોતાની વાત ઉપર અડગ ઊભું રહેવું કોઈ પણ ભોગે પોતાનું વચન પાળવું

વીરતા એટલે શૌર્ય સાથે અન્યાય અસત્ય સામે લડવાની તાકાત.

માન એટલે આત્મસન્માન, ઇજ્જત અને વ્યક્તિનું ગૌરવ. આ એવો ભાવ છે કે જ્યાં તમે તમારા જ્ઞાન, વર્તન અને મૂલ્યોથી કોઈનું માન પ્રાપ્ત કરી શકો છો. માન વ્યક્તિના સન્માન અને હકારાત્મક વ્યક્તિત્વની ઓળખ છે. માન ખાલી આપવું જ નહીં, સામેવાળા અથવા બીજા વ્યક્તિનું માન, આત્મસન્માન જાળવવું અને આદર સાથે ઇજ્જત કરવી.

મર્યાદા એટલે શિસ્ત, સંયમ અને નમ્રતાનું આચરણ. વાતચીતથી લઈ વર્તન સુધી મર્યાદિત રહેવું એ આપણા સંસ્કાર છે. કોઈ ચર્ચા હોય કે સંવાદ હોય કે પછી કોઈ વ્યવહાર કે સંબંધમાં આપણે દરેક જગ્યાએ મર્યાદા રાખવી અને અન્યની મર્યાદા કે મલાજો રાખવો

મોભો એટલે વ્યક્તિત્વ. એક વ્યક્તિનું અન્ય વ્યક્તિ, વસ્તુ કે અન્ય જીવ સાથે ભાવનાત્મક અને લાગણીસભર જોડાણ. કોઈ પણ વ્યક્તિ વટ, વચન અને વીરતા સાથે માન અને મર્યાદાથી જીવતો હોય એટલે એની પ્રતિષ્ઠા ઊંચી હોય અને સમાજમાં મોભાદાર વ્યક્તિ તરીકે ઓળખાય છે.

ખંત એટલે ચોક્કસ લક્ષ્ય માટે આત્મવિશ્વાસ અને લગન સાથે દૃઢતાપૂર્વક કાર્ય કરવું. નિરંતર મહેનત કરવી, આમાં શારીરિક કે માનસિક મહેનત બંને સામેલ હોઈ શકે. ખંત એ સફળતાનો પાયો છે. માત્ર ઇચ્છાથી નહીં, પરંતુ ખંતથી જ સપનાને સાકાર કરી શકાય.

ખુમારી એ વ્યક્તિની અંદર રહેલી આત્મમર્યાદા અને શાન છે. એવું મનોબળ કે “હું ક્યારેય ઝૂકીશ નહીં, ભલે મારું ઓછું ચાલે, પણ ઇમાન અને મર્યાદા ગુમાવીશ નહીં.” ખુમારી વ્યક્તિને વ્યક્તિત્વ આપે છે. ખુમારી એ નમ્રતા અને દૃઢતાનું ભવ્ય સંયોજન છે. ખુમારી એટલે સાચા ખોટાની પરખ સાથે સત્યને સત્ય કહેવું, ખોટાને ખોટું કહેવું, પોતાની વાત કે પોતાનો મત સ્પષ્ટ પણે ગમે તેની સામે રાખવો.

ખાનદાની એટલે સારા સંસ્કાર, ઊંચું ચારિત્ર્ય, શિસ્ત, ઉદારતા અને ઇજ્જતભર્યું વર્તન ધરાવતી વ્યક્તિગત ઓળખ. અને આ બધા ગુણ પેઢી દર પેઢી થી હોય… બોલવામાં નમ્રતા, વર્તનમાં મર્યાદા, વચનમાં સચ્ચાઈ, બીજાના માન-સન્માનની કદર, મુશ્કેલીમાં પણ ઇમાનદારી, મદદ કરવાની ભાવના, આ બધાથી વ્યક્તિ “ખાનદાન” કહેવાય છે.

  • રાજ ગોઢાણીયા

Sukalp Magazine