પરમાત્માનું સર્વોત્તમ સર્જન જો કોઈ હોય, તો તે નવજાત શિશુ છે. જાણે પ્રકૃતિએ પોતાના હૃદયમાંથી એક નિર્મળ કિરણ ઉતારી માનવદેહના રૂપમાં ઉતાર્યું હોય, અને તેમાં પરમાત્માના અંશરૂપ આત્માનો સંચાર કર્યો હોય. આ નિર્દોષ અસ્તિત્વમાં એક પૂર્ણતા છુપાયેલી હોય છે — પરમાત્મા સુધી પહોંચવાની અપરિમિત સંભાવનાઓ સાથે.

બાળક એ એક કળી છે, જે યોગ્ય સંભાળ અને સંસ્કારોથી સુગંધિત ફૂલ બની વિશ્વમાં સુવાસ ફેલાવવાની ક્ષમતા ધરાવે છે. પરંતુ જીવનના ત્રણ મુખ્ય અંગોમાંથી — શરીર, આત્મા અને મન. એ પૈકી મન એવું તત્વ છે, જેનું ઘડતર સૌથી પહેલા ઘરથી શરૂ થાય છે. માતા-પિતા, ભાઈ-બહેન, શાળા, સમાજ — દરેક પોતપોતાની માન્યતાઓ અને માનસિકતાઓથી બાળકના મન પર અસર કરે છે.

ઘણી વખત માતા-પિતાની પોતાની અસલામતી, અધૂરી ઇચ્છાઓ અને અદૃશ્ય ઘાવ અજાણતાં જ બાળકના નિર્દોષ મનમાં સંક્રમિત થાય છે. પરિણામે, જે મન સ્વભાવથી નિર્મળ અને પ્રકાશમય હતું, તે ધીમે ધીમે સંસ્કારોના ભાર હેઠળ બદલાતું જાય છે. જો આ પ્રક્રિયા અહીં અટકે નહીં, તો શૈક્ષણિક સંસ્થાઓ, ધાર્મિક મંચો અને રાજકીય પ્રભાવ પણ પોતાના સ્વાર્થ મુજબ એ મનને આકાર આપવાનું શરૂ કરે છે.

આ રીતે, બાળકનું કોમળ મન એક સમયે એવી “કચરા ટોપલી” બની જાય છે, જેમાં વિવિધ વિસંગત વિચારો અને ભાવનાઓ ભેગા થઈ જાય છે. મન, જે આત્મા અને શરીર વચ્ચેનો સેતુ હોવો જોઈએ, તે જ મન “ચીનની દિવાલ” બની બંનેને અલગ પાડે છે. પરિણામે, માનવ જીવનમાં અસંતુલન ઊભું થાય છે — શરીર રોગગ્રસ્ત બને છે અને આત્મા બાંધછોડમાં અટવાય જાય છે.

અંતે, મોટાભાગના લોકો જીવનના અંતિમ પડાવમાં ફરી એ જ શોધમાં નીકળે છે — આત્માની ઓળખ, શાંતિ અને મુક્તિ. પરંતુ અધોગામી યાત્રાના કારણે જે નિર્દોષતા, કરુણા અને કુતૂહલતા જન્મ સમયે સહજ રીતે પ્રાપ્ત હતી, તેને પાછલી ઉંમરે ફરી પ્રાપ્ત કરવી અત્યંત દુર્લભ થઇ જાય છે.

અત્યારે પ્રશ્ન એ ઊભો થાય છે — શું આ યાત્રાનો પ્રારંભ બાળપણથી જ ન થવો જોઈએ? શું બાળકને માત્ર સ્પર્ધા અને સિદ્ધિ માટે તૈયાર કરવો પૂરતો છે, કે તેને આત્મજ્ઞાનના પ્રાથમિક સંસ્કાર આપવું વધુ જરૂરી છે?

પ્રાચીન સમયમાં ઋષિ-મુનિઓના આશ્રમોમાં આપવામાં આવતું શિક્ષણ માત્ર જ્ઞાન નહીં, પણ જીવનના મૂળ તત્ત્વોની સમજણ આપતું હતું. રાજકુમારો પણ ત્યાં જ શિક્ષિત અને દીક્ષિત થતા, કારણ કે મોટે ભાગે માતા-પિતા પોતે પણ આત્મબોધથી અજાણ હોય છે.

આજના સમયમાં પણ, અને ભવિષ્યમાં પણ, માનવ જીવનનો અંતિમ ધ્યેય આત્મમુક્તિ જ રહેશે. કોઈ પણ ભૌતિક સુખ, સંપત્તિ કે શિક્ષણ આત્માને પૂર્ણ તૃપ્તિ આપી શકતું નથી. તેથી, દરેક માતા-પિતાની ફરજ છે કે તેઓ પોતાના બાળકને એવી દિશા આપે, જેમાં તેનું શરીર સ્વસ્થ રહે, મન નિર્મળ અને પ્રેમાળ બને, અને આત્માનો પ્રકાશ અબાધિત રહે.

સ્પર્ધાત્મકતા અને સફળતાનો પાઠ આપવો જરૂરી છે, પરંતુ એટલી જ માત્રામાં કે તે બાળકના આંતરિક સંતુલનને ખલેલ ન પહોંચાડે. શરીર, મન અને આત્મા વચ્ચે સુમેળ જાળવવો એ સાચી પરવરિશ છે.

અંતમાં, બાળક માત્ર આપણા માટે નહીં, પરંતુ પરમાત્માની એક અમૂલ્ય ભેટ છે. તેની નિર્દોષતા અને પવિત્રતા જાળવવી એ આપણા માટે માત્ર જવાબદારી નહીં, પરંતુ એક પવિત્ર કર્તવ્ય છે. જો આપણે તેમાં નિષ્ફળ જઈએ, તો તે માત્ર બાળક પ્રત્યે નહીં, પરંતુ પરમાત્મા પ્રત્યે પણ અપરાધ સમાન છે.

નેભાભાઈ કડેગિયા

Sukalp Magazine