શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ રચિત શ્રી મહેર મહિલા વિકાસ મંડળ કે જે પોરબંદર જિલ્લાની જુદી જુદી શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓ માટે જુદી જુદી સ્પર્ધાઓનું આયોજન કરે છે અને વિદ્યાર્થીઓની અંદર રહેલી સુષુપ્ત શક્તિઓને બહાર લાવવાનો સતત પ્રયત્ન કરે છે આવી જ સ્પર્ધાઓ તારીખ ૦૩/૦૧/૨૦૨૬ ને શનિવાર ના રોજ શ્રી મહેર મહિલા વિકાસ મંડળ દ્વારા શ્રીમતી માલીબેન રાણાભાઇ પબાભાઈ ઓડેદરા પ્રાથમિક શાળા, ફટાણામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું.
સૌપ્રથમ શાળામાં પ્રાર્થના સભા બાદ સ્વાગત પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ શ્રી મહેર મહિલા વિકાસ મંડળ ના પ્રમુખશ્રી શાંતીબેન આર ઓડેદરા તથા ઉપપ્રમુખશ્રી શાંતીબેન એમ. ઓડેદરા સહિત કુલ 10 સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીશ્રી ભીમભાઇ મોઢવાડિયા તથા નાગાજણભાઈ ઓડેદરા પણ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત કાર્યક્રમ બાદ મંડળના સભ્યો દ્વારા કેજી થી ધોરણ આઠ સુધીના બાળકોને વિવિધ સ્પર્ધાઓ જેવી કે સંગીત ખુરશી,લીંબુ ચમચી, સુલેખન સ્પર્ધા, સ્પેલિંગ સ્પર્ધા,વકૃત્વ સ્પર્ધા, તથા પ્રશ્નોત્તરીની સ્પર્ધાઓ રમાડવામાં આવી હતી અને તેમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય તેમજ પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવ્યા હતા. ઇનામ વિતરણ કાર્યક્રમમાં શ્રી મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખશ્રી શાંતીબેન આર. ઓડેદરા દ્વારા પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે વિદ્યાર્થીકાળમાં શિક્ષણની સાથે સ્પર્ધાઓ પણ એટલી જ જરૂરી છે. આગળના સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ વધુમાં વધુ આગળ વધે અને આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પાસ કરે એવી શુભકામનાઓ પાઠવી હતી. આ ઉપરાંત સભ્યશ્રી ક્રિષ્નાબેન ગરેજા દ્વારા પણ વિદ્યાર્થીઓને સતત આવી સ્પર્ધાઓમાં ભાગ લેતા રહેવું અને પોતાની અંદર રહેલી શક્તિઓ ને ઉજાગર કરતી રહેવી તેવું પણ જણાવ્યું હતું.
આ વિવિધ સ્પર્ધાઓ માટે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના પ્રમુખશ્રી વિમલજીભાઈ ઓડેદરા તેમજ સર્વે ઉપપ્રમુખશ્રીઓ તથા સર્વે કમિટીના સભ્યો એ શ્રી મહેર મહિલા વિકાસ મંડળના તમામ સભ્યોને અભિનંદન પાઠવ્યા હતા અને આવા કાર્યક્રમ સતત કરતા રહેવા તેવું પણ જણાવ્યું હતું. શ્રી વજુભાઈ ઓડેદરા (યુ.એસ.એ.) અને અન્ય ટ્રસ્ટીઓએ પણ શાળાના તમામ વિદ્યાર્થીઓ કે જેઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો તેમ જ નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલના કેળવણી નિરીક્ષક રાજુભાઈ મોઢવાડિયા દ્વારા તેમજ આભાર વિધિ શાળાના આચાર્ય શ્રી હિતેશગીરી અપારનાથી દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં શાળાના ટ્રસ્ટી શ્રી નાગાજણભાઈ ઓડેદરા દ્વારા સર્વે મહિલા મંડળના સભ્યો માટે અલ્પાહારની વ્યવસ્થા કરવામાં આવી હતી.

Sukalp Magazine

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *