ગાંધીનગરના અધિક કલેક્ટર, સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને ‘મેર સમાજનાં સંસ્કારગીતો : એક અભ્યાસ’ વિષય પર થિસીસ રજૂ કરીને પીએચ.ડી. (વિદ્યા વાચસ્પતિ)ની પ્રતિષ્ઠિત પદવી હાંસલ કરનાર રવજીભાઈ ગાબાણી સાહેબે સ્થાપેલી અંજુ-નરશી પારિતોષિક સમિતિ દ્વારા ગુજરાતી સાહિત્યના પ્રતિભાશાળી સર્જકોને પ્રોત્સાહન આપવા દર વર્ષે વિશેષ સન્માન સમારંભો યોજવામાં આવે છે.

આ પુરસ્કાર સંદર્ભે આ વર્ષે, તારીખ ૯ નવેમ્બર ૨૦૨૫, રવિવાર, સૌરાષ્ટ્રના પવિત્ર યાત્રાધામ પરબવાવડી ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સંતો-મહંતો, આગેવાનો, જનપ્રતિનિધિઓ તથા વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહેલા શ્રોતાઓની ઉપસ્થિતિમાં યોજાયેલા આ સન્માન સમારંભમાં મેર સમાજના જાણીતા કવિ, લેખક અને ઈતિહાસકાર શ્રી ભરત બાપોદરાને તેમના દ્વારા વર્ષો સુધી કરાયેલા મેર ઈતિહાસના ઊંડાણપૂર્વકના સંશોધન બદલ વિશેષ સન્માન એનાયત કરવામાં આવ્યું.

સમિતિ તરફથી તેમને શિલ્ડ, સર્ટિફિકેટ અને ચેક અર્પણ કરી “અંજુ-નરશી સાહિત્ય સંશોધક પારિતોષિક” થી વિભૂષિત કરવામાં આવ્યા. મેર ઈતિહાસને પ્રકાશિત અને સમૃદ્ધ બનાવવામાં તેમના મહત્વપૂર્ણ યોગદાનને આ રીતે ભાવભેર બિરદાવવામાં આવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ઈ.સ. ૨૦૧૪માં શ્રી ભરત બાપોદરાને તેમના લોકપ્રિય ગ્રંથ ‘અમર છે મેર ઈતિહાસમાં’ માટે ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા શ્રેષ્ઠ પુસ્તકનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. હવે અગિયાર વર્ષ બાદ તેમને અંજુ-નરશી સાહિત્ય સંશોધક પારિતોષિક મળતાં તેઓ આ બંને ગૌરવશાળી પુરસ્કારો મેળવનાર પોરબંદર જિલ્લાના એકમાત્ર સાહિત્યકાર બન્યા છે.

આ અભૂતપૂર્વ સિદ્ધિ બાદ શ્રી બાપોદરાને સમાજ તથા સાહિત્ય જગત તરફથી ચારે તરફથી અભિનંદન અને શુભેચ્છાઓની વર્ષા થઈ રહી છે.

Sukalp Magazine