હળાહળ ધનપ્રધાન અને ભૌતિકવાદના જમાનામાં ધનાકાર્ષણ, ભય, લાલચ અને પ્રસિદ્ધિના મોહથી દુર રહેવું અસંભવ છે. આવા સમયમાં ઈમાનદાર, બેદાગ પત્રકારીતા, બેખૌફ કલમ, હરેક શબ્દમાં ઝમીર ટપકે એવા કલમના સંન્યાસીને મે નજીકથી નિહાળેલા. જેમની સાથે પાંચ સાત વખત મળવાનું થયેલું પણ પહેલી મુલાકાતથી એમના પ્રત્યે આદર રહયો છે. એવા આદરના અધિકારી અને જ્ઞાનના સાગર એટલે નાથાલાલ ઓડેદરા.
આ કલમ હવે થંભી ગઈ, કડીયા પ્લોટની એ ‘માતૃછાયા’ નામની મેડીઓ સુની થઈ ગઈ, એક સમયે ગુજરાતભરમાં છાપામાં ચમકતો સિતારો આથમી ગયો. પોરબંદરનું એક મઢેલું મોતી પોરબંદરના દરીયા કાઠે મસીતની માટીમાં ભળી ગયું. આ દુ:ખદ સમાચારથી હદયને સંવેદનાની ઝણઝણાટી વ્યાપી. પણ ભગવાનની કોર્ટમાં અપીલને અવકાશ નથી. પણ નવ દાયકાની ઉમર વિતાવ્યા પછી વિદાય મન મનાવવાનો આધાર આપી જાય.
સરળ અને સહજ સ્વભાવ, મૃદુ અવાજ, ખમીર-ઝમીરનો સ્ત્રોત, ગોષ્ઠી વખતે સમયભાન ન થવા દે. એક વખત એમના સન્માન દરમ્યાન એમનો જીવન પરિચય આપવાનુ સદભાગ્ય પ્રાપ્ત થયેલું. એક બુકમાં એમનો પરીચય આલેખવાનો અવસર મળેલો. એમના દ્બારા દસ બાર પુસ્તકો પણ ભેટ મળેલાં જે એમની યાદોને ચિરંજીવી રાખશે.
સને ૧૯૬૬થી રાજકોટના દૈનિક જયહિન્દમાં કાઈમ રીપોર્ટર તરીકે જોડાયેલા. ન્યુઝ લેખનની સાથે સાહિત્ય સર્જન પણ કર્યું. એમની પુર્તિની કોલમ ‘કલાઈમેકસ’ નામે પ્રસિદ્ધ થતી. એ બધા લેખોના સંપાદનના પરિપાક સ્વરુપે પુસ્તક પણ પ્રકાશિત થયું. આ ઉપરાત એમના પ્રકાશનોમાં “યાદોના પૃષ્પ’ અને “માણસાયનાં મોતી” સમાજને મળ્યાં. આ ઉપરાંત ‘અલગારી હાઉસ’ અને ‘મા’ આ બે વારતા સંગ્રહો પણ ગુજરાતના સાહિત્યમાં નાથાબાપાના નામે ઉમેરાયા. છેલ્લે રાણાવાવ પધારી અને ‘દેવદાસી’ નામની નવલકથા મારા બુકકેસમાં ઉમેરી ગયા.
ગાધીજીના ગામમાં રહી સંપૂર્ણ ગાધીવિચારથી જીવી ગયા. શબ્દના સથવારે જીવેલા માણસ અક્ષરથી અમરત્વ પ્રાપ્ત કરી ગયા. પત્રકાર હોય એટલે પ્રસિદ્ધ તો હોય જ પણ આ માણસ સિદ્ધ હતા.
એક વાકયમાં એમનું વર્ણન કરવું હોય તો કહી શકાય કે “બહોત મજબુત રિસ્તા હૈ મગર બહોત કમજોર લોગો સે.
ભગવાન આ દિવ્ય ચેતનાને મોક્ષ અર્પે એવી પ્રાર્થના. ઓમ શાંતિ.
- પોપટભાઈ ખુંટી (રાણાવાવ)

No Comments