- Home
- Literature
- મજબૂરી હોય ...

by ભરત બાપોદરા.
તારી ઘણીય વાર એ મજબૂરી હોય છે,
સાન્નિધ્ય ઝંખતી હો અને દૂરી હોય છે.
એથી જ આંખ મારી અજબ નૂરી હોય છે,
સૂરજને પામવા એ સતત ઝૂરી હોય છે.
એના વગર મિલનમાં મળે ના મધુરતા,
તપવું વિરહની આગમાં જરૂરી હોય છે.
પામી જઉં છું ત્યારે અનાયાસ યોગને :
અંતરમાં જ્યારે કોઈ ગઝલ સ્ફુરી હોય છે.
સર્જાય જાતી એથી ભૂલોની પરંપરા..
તારા વિશેની મનમાં અજબ ઘૂરી હોય છે !
એનો નહીં તો શાને મળે છે નશો મને,
બેશક ગઝલની પ્રેરણા અંગૂરી હોય છે.
સાધી શકાય છે ક્યાં કદી એને પણ ‘ભરત’,
જેને હદયની સો ટકા મંજૂરી હોય છે.

