માનવજીવન જીવવા જેવું છે, માણવા જેવું છે અને જાણવા જેવું છે. આ સૃષ્ટિ પર ચોર્યાસી લાખ જીવજંતુઓ અને પશુ-પક્ષીઓ અસ્તિત્વ ધરાવતાં હોવાનું કહેવાય છે અને એમાં માનવજીવન સર્વશ્રેષ્ઠ છે. કારણ કે ઈશ્વરે માનવને જીવજંતુઓ અને પશુ-પક્ષીઓ કરતાં મન બુદ્ધિ અને વિચારશક્તિ નામનું અતિરિક્ત મૂલ્ય ( plus velue) આપેલું છે, જેને કારણે માનવ જીવ, જગત અને જગદીશ વિશે વિચારી શકે છે અને એ રીતે ઈશ્વરની પ્રાપ્તિ રૂપી ચરમ લક્ષ્ય સુધી પહોંચી શકે છે.

ઈશ્વરની પ્રાપ્તિ એ માનવજીવનનું ચરમ લક્ષ્ય છે. જીવજંતુઓ અને પશુ-પક્ષીઓ ઈશ્વરની પ્રાપ્તિ કરી શકતાં નથી, કારણ કે ઈશ્વરે એમને મન, બુદ્ધિ અને વિચારશક્તિ નામનું અતિરિક્ત મૂલ્ય (plus velue)આપેલું નથી. પરંતુ અફસોસની વાત એ છે કે માનવને જીવજંતુઓ અને પશુ-પક્ષીઓ કરતાં મન, બુદ્ધિ અને વિચારશક્તિ નામનું જે અતિરિક્ત મૂલ્ય (plus velue) આપેલું છે, એનો ઉપયોગ માનવ ઈશ્વરની પ્રાપ્તિ માટે કરવાને બદલે પોતાના અંગત સ્વાર્થ માટે કરે છે અને એ રીતે માનવ જીવજંતુઓ અને પશુ-પક્ષીઓ જેવું જીવન જીવીને આ દુનિયામાંથી વિદાય થાય છે.

કાવાદાવા, કૂડકપટ અને કત્લેઆમ જેવા કક્કાના પ્રથમ અક્ષર એવા ‘ક’ ઉપર આવીને અટકી ગયેલી માનવજીવનની ગાડી આગળ વધીને કક્કાના છેલ્લા અક્ષર એવા જ્ઞાનના ‘જ્ઞ’ સુધી પહોંચે એ માટે ભારતના મહાન ઋષિમુનિઓએ માનવને આધ્યાત્મિક જીવનનો રસ્તો બતાવ્યો છે, પરંતુ એ રસ્તા પર ચાલવા માટે કોઈ તૈયાર નથી !

આજે સમાજ તરફ નજર કરીએ તો મોટા ભાગના માનવીઓ રૂપિયાની પાછળ દોડી રહ્યા છે. જેની પાસે હજાર રૂપિયા છે, તે દસ હજાર રૂપિયા બનાવવા માટે દોડી રહ્યો છે ! જેની પાસે દસ હજાર રૂપિયા છે, તે લાખ રૂપિયા બનાવવા માટે દોડી રહ્યો છે ! જેની પાસે લાખ રૂપિયા છે, તે દસ લાખ રૂપિયા બનાવવા માટે દોડી રહ્યો છે અને જેની પાસે દસ લાખ રૂપિયા છે, તે કરોડ રૂપિયા બનાવવા માટે દોડી રહ્યો છે ! આમ, બધા દોડી રહ્યા છે અને ઊભા રહેવાની કોઈ પાસે ફુરસદ નથી એટલું જ નહીં, પરંતુ ક્યાં ઊભા રહેવું એની ખબર પણ નથી !

આ દુનિયાની અંદર રૂપિયા જ સર્વશ્રેષ્ઠ હોત તો જેમની પાસે અબજો રૂપિયા છે, તેઓ શા માટે આત્મહત્યા કરે છે ? વર્તમાન સમયમાં ગરીબ લોકો કરતાં ધનાઢય લોકોના ઘરમાં આત્મહત્યાના કિસ્સા વધુ બને છે ! જો રૂપિયા જ સર્વશ્રેષ્ઠ હોત તો આત્મહત્યાના જેટલા કિસ્સા ધનાઢય લોકોના ઘરમાં બને છે એના કરતાં ગરીબ લોકોના ઘરમાં વધુ બનવા જોઈએ ! આના પરથી સાબિત થાય છે કે દુનિયામાં રૂપિયા સર્વશ્રેષ્ઠ નથી, પણ ઈશ્વરની પ્રાપ્તિ થાય એ માટે ઈશ્વરે માનવને આપેલ મન, બુદ્ધિ અને વિચારશક્તિ સર્વશ્રેષ્ઠ છે. પરંતુ ઈશ્વરે માનવને જીવજંતુઓ અને પશુ-પક્ષીઓ કરતાં મન, બુદ્ધિ અને વિચારશક્તિ નામનું જે અતિરિક્ત મૂલ્ય (plus velue) આપેલું છે, તે માનવે ગિરવે મૂકી દીધું છે ! તેથી આજના માનવને જીવજંતુઓ અને પશુ-પક્ષીઓની કક્ષામાં જ મૂકવો પડે !

  • ભરત બાપોદરા

Sukalp Magazine