સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો સંકલ્પ જ્યારે સાચી મિત્રતા સાથે જોડાય, ત્યારે તે માત્ર વિચાર સુધી સીમિત રહેતો નથી પરંતુ એક જનઆંદોલનનું સ્વરૂપ ધારણ કરે છે. આવી જ પ્રેરણાદાયી સફર છે ‘આતિથ્ય ફાઉન્ડેશન’ની, જેની પાછળ 18 વર્ષ જૂની મિત્રતા અને નિઃસ્વાર્થ સમાજસેવાની ભાવના કાર્યરત છે.

ફાઉન્ડેશનના સ્થાપકો વ્રજ કક્કડ, રાજ ઓડેદરા અને યુવરાજ ગોહિલ બાળપણથી ગાઢ મિત્રો રહ્યા છે. પાંચ વર્ષ પહેલાં સામાન્ય વાતચીત દરમિયાન સમાજ માટે કંઈક અર્થપૂર્ણ કરવાની ઇચ્છાએ જન્મ લીધો હતો. શરૂઆતમાં વૃક્ષારોપણના નાના પ્રયાસોથી શરૂ થયેલી આ યાત્રા આજે અનેક માનવસેવાના કાર્યો સુધી વિસ્તરી ચૂકી છે.

આ યુવાનો માટે ફાઉન્ડેશન માત્ર એક સંસ્થા નથી, પરંતુ મિત્રતાને સમાજહિતમાં પરિવર્તિત કરવાનો જીવંત પ્રયાસ છે. તેઓ માને છે કે સાચી મિત્રતા ત્યારે જ સફળ બને છે જ્યારે તેનો લાભ સમગ્ર સમાજને મળે.

ગત પાંચ વર્ષ દરમિયાન આતિથ્ય ફાઉન્ડેશન દ્વારા વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી છે. ફાઉન્ડેશને અત્યાર સુધીમાં 3,500થી વધુ વૃક્ષોનું વાવેતર અને જતન કર્યું છે, જેના કારણે પર્યાવરણ સંરક્ષણમાં મહત્વનું યોગદાન મળ્યું છે.

આ ઉપરાંત, જરૂરિયાતમંદ લોકો માટે 15,000થી વધુ લોકોને ભોજન પહોંચાડવામાં આવ્યું છે. મહિલાઓમાં આરોગ્ય અને સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવા માટે 1,200થી વધુ મહિલાઓ સુધી માસિક સ્વચ્છતા અંગે માર્ગદર્શન અને સહાય પહોંચાડવામાં આવી છે.

ફાઉન્ડેશનનું ‘મિશન ઉડાન’ પણ વિશેષ લોકપ્રિય બન્યું છે, જેના અંતર્ગત સેંકડો ઘાયલ અથવા જરૂરિયાત ધરાવતા પક્ષીઓ અને અન્ય પ્રાણીઓની સારવાર, સંભાળ અને બચાવનું કાર્ય કરવામાં આવ્યું છે.

સ્થાપકોનું કહેવું છે કે તેમની સફરની આ હજુ શરૂઆત છે. આવનારા સમયમાં વધુ યુવાનોને સમાજસેવા સાથે જોડીને પર્યાવરણ, શિક્ષણ, આરોગ્ય અને માનવસેવાના વિવિધ ક્ષેત્રોમાં વધુ વ્યાપક કામગીરી કરવાનો તેમનો સંકલ્પ છે.

Sukalp Magazine