શિક્ષણ એ કોઈપણ સમાજના સર્વાંગી વિકાસનો મજબૂત પાયો છે. સમાજના વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ મેળવી દેશ અને સમાજનું ગૌરવ વધારે તેવા ઉમદા હેતુ સાથે રાજકોટ શહેર મહેર સમાજ હોસ્ટેલમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ માટે એક આધુનિક અને સુવિધાસભર લાઇબ્રેરી (પુસ્તકાલય) સમાજને અર્પણ કરવામાં આવી છે.

આ લાઇબ્રેરી સ્વર્ગસ્થ  સાજણભાઈ રામભાઈ ઓડેદરાની પુણ્યતિથિના પાવન અવસરે તેમના શિક્ષણપ્રેમ, સમાજસેવા અને યુવા પેઢીના વિકાસ પ્રત્યેના આદર્શોને અંજલિરૂપે સમર્પિત કરવામાં આવી છે.

સ્વ. સાજણભાઈ રામભાઈ ઓડેદરાએ જીવનભર સમાજના શૈક્ષણિક, સામાજિક અને આર્થિક વિકાસ માટે કાર્ય કર્યું હતું. તેમની પવિત્ર સ્મૃતિને ચિરંજીવ રાખવા અને સમાજ પ્રત્યેની તેમની સેવાભાવનાને આગળ વધારવાના ઉદ્દેશ્યથી તેમના પરિવાર દ્વારા આ ભવ્ય લાઇબ્રેરીનું નિર્માણ કરી સમાજને અર્પણ કરવામાં આવ્યું છે.

સંદર્ભ ગ્રંથો અને અભ્યાસલક્ષી પુસ્તકોથી સમૃદ્ધ , Wi-Fi તથા ડિજિટલ અભ્યાસની સુવિધાઓ ધરાવતી આ આધુનિક અને એર-કન્ડિશન્ડ (AC) લાઇબ્રેરી ખાસ કરીને રાજકોટ મહેર સમાજ હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવી કે UPSC, GPSC, IAS, IPS, IIM, IIT સહિત અન્ય ઉચ્ચ અભ્યાસ અને કારકિર્દી માટે ઉપયોગી બની રહે તે હેતુથી વિકસાવવામાં આવી છે. અહીં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે શાંત અને અનુકૂળ વાતાવરણ સાથે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન અને અભ્યાસમાં સહાયરૂપ વાતાવરણ મળી રહેશે.

આ પ્રસંગે ઓડેદરા પરિવારે જણાવ્યું કે સમાજના વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શૈક્ષણિક સુવિધાઓ પ્રાપ્ત થાય અને તેઓ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની પ્રતિભા સાબિત કરી શકે તેવો માહોલ ઉભો કરવો એ જ આ સેવાનો મુખ્ય ઉદ્દેશ્ય છે.

તેમણે સમાજના સૌ આગેવાનો, દાતાશ્રીઓ અને શિક્ષણપ્રેમીઓને પણ અપીલ કરી કે સમાજના યુવાનોના ઉજ્જવળ ભવિષ્ય માટે આવા શિક્ષણલક્ષી કાર્યોમાં સહભાગી બની સમાજને વધુ મજબૂત બનાવે.

આ લાઇબ્રેરીનું અર્પણ સ્વ. સાજણભાઈ રામભાઈ ઓડેદરાની અમર સ્મૃતિને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ સમાન છે અને આગામી પેઢીઓને જ્ઞાન, સંસ્કાર અને સફળતાના માર્ગે આગળ વધવા માટે પ્રેરણાસ્ત્રોત બનશે.

આ સેવાકાર્ય ગં.સ્વ. રાંભીબેન સાજણભાઈ ઓડેદરા, દિલીપભાઈ સાજણભાઈ ઓડેદરા તથા સમગ્ર ઓડેદરા પરિવાર, પોરબંદર તરફથી રાજકોટ મહેર સમાજને સમર્પિત કરવામાં આવ્યું છે.

Sukalp Magazine